મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .
અનાવિલ વડવાઓનું લાંબું આયુષ્ય અને નિરોગી જીવન --મમતા તેજસ નાયક
* “હું ડૉક્ટર પાસે જવાનો નથી’
* “હજુ આ ઉંમરે ચશ્મા વગર વાંચી શકે એટલે કમાલ કહેવાય”.
* “મને તો નખમાં પણ રોગ ની મળે”.
* “આમણે તો ચોથી પેઢી જોઈ લીધી એટલે હવે સ્વર્ગની સીડી નક્કી”.
* “આ ઉંમરે પણ પેંશન લે, એમનો દિકરો પણ પેંશન લે, આખા તાલુકામાં રેકોર્ડ કહેવાય”.
* “ બો પોપલગારા ની થવાનું, મારું તો આજ સુધી માથું હો ની દુખ્યું કે શરીર પણ. તમે લોકો લાકડા ફાડી લાવ્યા કે આટલા બધાં થાકી જાય”.
50-60 વર્ષ પહેલાં મોટા ભાગના વડીલો દ્વારા, કે એમનાં સંદર્ભમાં આવા વાક્યો સાંભળવા મળતાં. આપણા કેટલાં વડવાઓએ તો શતક પૂર્ણ કર્યા છે એ પણ નિરોગી જીવીને.
એલોકો 80 વર્ષ પછી પણ ટટ્ટાર ચાલતાં, શેરડીના સાંઠા ચાવી શકતાં, ચશ્માનાં નંબર તો નહિવત જેવા, ઘણાં તો ચશ્મા વગર સ્પષ્ટ વાંચી શકતાં, વાળમાં ચાંદી પણ નહિવત જેવી, એમનું રુધિરાભિસરણ તંત્ર, મગજતંત્ર અને અસ્થિતંત્ર સાબૂત રહેતું . પોતાના કામ જાતે કરતાં, સંઘર્ષમય જીવનને પણ સરળ બનાવવાની તાકાત રાખતાં આવા “ Pro- active”, વટવાળા, બુદ્ધિશાળી, દીર્ધ દ્રષ્ટિવાળા વડવાઓ શું પોતાની તંદુરસ્તી માટે સતત પ્રયત્નશીલ કે જાગૃત રહેતાં? કે પછી એમને કોઈ જાદુઈ જડીબુટ્ટી અથવા વરદાન મળ્યું હતું? તો જવાબ છે…
એલોકો માટે સ્વસ્થતા એટલે “સ્વ” માં સ્થિત રહેવું. પ્રાકૃતિક નિયમાનુસાર જ જીવતાં – સૂરજની સાથે ઉઠતાં ક્યારેક એથીયે વહેલાં ઉઠતાં અને રાત્રે પણ વહેલાં સૂતાં, ઋતુ પ્રમાણે આહાર લેતાં. આહાર વિહાર માટે એમણે જે નિયમો અને રિવાજો બનાવેલાં તેની પાછળ શારીરિક અને માનસિક તંદુરસ્તીનો એમણે પૂરો વિચાર કરેલો.
આપણાં લોકલાડીલા અનાવિલ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ પણ 99 વર્ષ જીવ્યા હતાં. એમનું મનોબળ મજબૂત હતું અને એમની જીવનશૈલી પણ સરળ હતી. એમને કોઈએ પૂછેલું કે 84 વર્ષે પણ કોઈ યુવાનની જેમ તેઓ કામ કરી શકે છે એનું રહસ્ય શું છે ? ત્યારે તેમણે કહ્યું હતું કે,મુખ્ય રહસ્ય શ્રદ્ધા છે. ઈશ્વર જે સંજોગોમાં મૂકે કે જે કાંઈ આપે એ એટલાજ આનંદથી ભોગવવું. સંપૂર્ણ શરણાગતિ ન હોય ત્યાં સુધી આવો ભાવ ન આવી શકે.
એવા જ બીજા અનાવિલ, “મૉનજી રુદરજી” અને એમનાં ધર્મપત્ની ભીખીબેન ની જીવન કહાણી સાંભળવા જેવી. જેમણે અનેક સંકટોનો સામનો કરવા છતાં માનસિક સ્વસ્થતા જાળવી રાખી હતી.
હકીકતમાં, નિરોગી શરીર એટલે ફક્ત રોગોની ગેરહાજરી એટલું જ નહીં પણ માનસિક આરોગ્ય , સામાજિક આરોગ્ય , આદ્યાત્મિક આરોગ્ય પણ સારું હોવું જોઈએ .
ભગવદ્દગીતાના ( 6.17)એક શ્લોકમાં કહ્યું છે,
“યુકતાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ,
યુક્તસ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતિ દુઃખહા”,
અર્થાત જે વ્યક્તિ સંતુલિત આહાર, સંતુલિત જીવનશૈલી અને સંતુલિત કર્મ કરે છે, તેમજ સૂવા અને જાગવામાં સંયમ રાખે એના સર્વ દુઃખોનો નાશ થાય છે. આપણાં વડવાઓ પણ આ શ્લોકનો મર્મ જાણે પહેલેથી જ જાણતા એટલે સરળ અને સંયમીત જીવન જીવતાં.
એ સમયે મોટાભાગના અનાવિલો નાં ઘરનાં લોકોમાં આ દ્રશ્ય જોવા મળતું. જમ્માખાણમાં આસન પર પલાઠી વાળી સામે પાટલા પર, સાદી પણ ભોજનથી ભરેલી થાળી -જેમાં ચોખ્ખા ઘી ચોપડેલાં ચોખાના રોટલા ( મોટે ભાગે કડા નાં ચોખા ),શાક (મોટે ભાગે વાલની દાળ ), વાટકામાં દેશી ગાયનું દૂધ, અથાણાં ( ખાસ કરીને અજી કેરી અથવા અવજી કેરી),પાપડ અથવા ખીચા, ચટણી, કચુંબર અને દાળ ભાત. બાજુમાં લોટામાં ભરેલું પાણી. થોડો ભાગ પાટલા પર અન્ય જીવો માટે જમતાં પહેલાં કાઢી રાખતાં અને પ્રણામ કરી પછી આરોગતાં. ઘણી સ્ત્રીઓ બેઠા ઘાટનાં રસોડા હોવાથી ચૂલા પાસે બેસી ગરમ રોટલાં પીરસતી. અનાવિલ સ્ત્રીઓ રસોઈમાં પારંગત હતી. સાદા ભોજન પણ ખુબ સ્વાદિષ્ટ બનાવતી. એમાં આપણી દાળ તો અન્ય જ્ઞાતિનાં લોકોને ખુબ ભાવતી. શક્ય એટલાં બધાં સાથે ભોજન નો આગ્રહ રાખતાં. આનાથી કુટુંબ ભાવના જળવાઈ રહેતી.
એ સમયે વડવાઓનો આહાર :-
એલોકો કટાણે કોઈ દિવસ ન ખાતા. ભૂખ લાગે ત્યારે જ ખાતા , આચર કુચર કાંઈ ન ખાતા, ઉપવાસ કરતાં.
રોજિંદા આહારમાં કડાના ચોખા - જેના માટે કહેવત છે, “કડા સબસે બડા” તેમજ સંસ્કૃતમાં એ ચોખા માટે કહેવાયું છે કે “ રક્તશાલી મહાશાલી”, ખુબ જ પૌષ્ટિક એવા ચોખા અને વાલની દાળ પણ પ્રોટીનથી ભરપૂર. તદુપરાંત દેશી ગોળ, ઘાણીનું તેલ અથવા ખરસાણી તેલનો વપરાશ, જાતજાતની ચટણીઓ જેમકે કાંદાની પતારી, ધાણા, ફુદીના, આંબા હળદર, કેરી, કમદાં ની ચટણી. એ સિવાય લસણનો ભરપૂર ઉપયોગ જે ઘણું જ સ્વાસ્થ્યદાયક છે તેમજ આદુંમરચાં પણ તાજા વાટેલા હોય એ લગભગ દરેક શાક અને ફરસાણમાં છૂટથી વાપરતાં.
વિવિધ પ્રકારના અથાણાં ખાસ કરીને કેરીનું અથાણું, રોજ ખાતા. એક સંશોધન પ્રમાણે, અથાણાંમાં આથો આવવાની પ્રક્રિયાથી વાત, પિત્ત અને કફ જેવા દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. પાચનક્રિયાને પણ ઉતેજીત કરે છે.
જમ્યા પછી બધાં નાગરવેલના પાનમાં કાથો, ચૂનો, કોઈવાર શેકેલી સોપારીના નાના ટુકડા અને વરિયાળી નાખી બીડું વાળી ખાતાં જેથી ખોરાક સહેલાઈથી પચી જતો.
રાત્રે સૂતાં પહેલાં સૂંઠ, ગંઠોડા વાળું દૂધ પીતાં. ઉકાળો અને સુતકારા વાળું દૂધ પીતાં.
સૌથી ખાસ,ફરસાણ બનાવવા માટે “ દેસાઈ વડાનો લોટ” જે શેકેલો લોટ પણ કહેવાતો. એ લોટ મુંબઈના બોરીવલીમાં બાબુભાઈની દુકાનમાં તૈયાર મળતો. કદાચ જ્ઞાતિ પરથી દુકાનમાં લોટ મળવો એ આપણાં અનાવિલોનો જ હશે. જાડા ચોખાની કણકી અને તુવેરદાળને અમુક પ્રમાણમાં, જુદા જુદા શેકી જાડો લોટ દળાવતાં. એમાંથી પાત્રા, પૂડા, પાનકી, વડાં અને મુઠ્યાં બનાવતા. જે આજની તારીખે પણ ખુબ પ્રખ્યાત છે . આ લોટની બનેલી વાનગીઓ તીખી, તળેલી હોવાં છતાં આરોગ્યને ક્યારેય નુકશાન નથી કરતી.
અનાવિલ વડવાઓનુંલાંબું અને નિરોગી જીવન અને જીવનશૈલી એક સંશોધન નો વિષય છે.
એમનાં ઘરની બાંધણી એવી હતી કે હવા ઉજાસની અવર જવર રહે , ગારમાટી- ગાય ના છાણ નું લીંપણ હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહેતી , વાડી વૃક્ષો નજીક એટલે તાજી હવા અને ઓક્સિજન પણ સારા પ્રમાણમાં મળી રહેતો ,પહેરવેશ પણ ખુબ આરામદાયક- સાદા કોટન, ખાદી ના કપડાં અને લૂગડાં.
એમનાં વિવિધ પ્રકારના આરોગ્ય વિશે જાણવું પણ જરૂરી છે.
શારીરિક આરોગ્ય :-
મોટેભાગે ખેતીવાડી કરવાવાળા આપણાં વડવાઓ હળપતિની મદદ લઈ અનાજ જાતે ઉગાડતાં. જમીન ખેડી, રોપણી, વાવણી થી લઈ અનાજને કોઠારમાં ભરવા વગેરે જવાબદારી, તંદુપરાંત, ચૂલા માટે ઈંધણ લાવવું, બાવળનાં દાંતણ કાપવા, અન્ય સામાન બજારમાંથી લાવવો,
પશુધનને ખવડાવી પીવડાવી જતન કરવુ, પક્ષીઓને ચણ,પાણી મૂકવું, મજૂરો પાસે કામ લેવડાવવું, સામાન લઈ જવા કે કોઈને લેવા-મૂકવા માટે જાતે ગાલ્લી ચલાવવી ( બળદ ગાડી ), સ્ત્રીઓ પણ ખેતી અને વાડીનાં કામમાં મદદરૂપ બનતી, ચૂલો જાતે બનાવવો, દળણ જાતે દળવું, કુવામાંથી પાણી કાઢવું, રસોડું સાંભળવું, વ્યવહાર સાચવવો, બાળકોની બધી જવાબદારી વગેરે.. યાદી ઘણી લાંબી છે. શારીરિક પરિશ્રમ કરવાથી એલોકોને કસરત મળી રહેતી. તંદુપરાત, દોરીવાળા અને પાટીવાળા ખાટલામાં સૂવાથી કમર નાં દર્દ ક્યારેય ન થતાં. કિઆંરડામાં માટીના ઢેફામાં ચાલવાથી “એક્યુપ્રેશર “ થઈ જતું. આપણી દાદીનાનીઓ નાના બાળકોને માટે ઘૂટી બનાવી એનો ઘસરકો પીવડાવતી એટલે બાળકો પણ તંદુરસ્ત રહેતાં.
દાંત માટે બાવળનાં દાંતણ, રખોડો, હળદર અને મીઠું વગેરે ઉપયોગમાં લેવાથી સાબૂત રહેતાં. અરીઠાં અને મંટોળું માથું ધોવા માટે- એટલે વાળ પણ સરસ રહેતાં.
વ્યસનનું પ્રમાણ ઘણું ઓછું હતું.
માનસિક આરોગ્ય :-
અનાજ, શાક, કેરી જેવા ફળ તેમજ ઘરના દૂધ, ઘી જે 100% શુદ્ધ હતાં. કહેવાય છે ને, “જેવું અન્ન એવું મન”. એટલે વડીલોના મન પણ એટલાં જ શુદ્ધ ભાવવાળા. કોઈના માટે કરી છૂટવાની ભાવના રહેતી. એ સમયે પોતાને અગવડ હોવાં છતાં એમનાં ઘરે કોઈ પણ બીજા ગામનો દિકરો ભણવા કે નોકરી માટે આવે તો પોતાના ઘરના સભ્ય ની જેમજ રાખતાં. એમની ઉદારતા અને ખવાસ નો જોટો ન જડે. સ્વભાવ પ્રમાણે મોઢા પર કહી સામે વાળાને બિન્દાસ્ત ખંખેરી પણ કાઢતાં પણ પછી ભૂલીજતાં , સુમેળ ભર્યા સંબંધ રાખતા,કોઈવાર ગમ ખાઈ જતાં. આમ એમનું માનસિક આરોગ્ય પણ નિરોગી રહેતું.
સામાજિક આરોગ્ય :-
લગ્ન પ્રસંગે એક થઈ બધાંને મદદરૂપ બનવું, પંગતમાં પીરસવું, એમાંય દિકરીનાં લગ્ન હોય તો લાડવો ચારવવા પુરુષ વડીલો મદદ માટે તત્પર રહેતાં. એજ રીતે મરણ પ્રસંગે બધાં મળી એ ઘરની વ્યક્તિને આધાર પણ આપતાં, આર્થિક મદદ કરતાં. સાદડી હોય તો ગામનાં બધાં સ્ત્રી પુરુષો ભેગા મળી બીજા ગામે જતાં. વારે તહેવારે એકબીજાને ત્યાં જતાં આવતાં, ગામમાં પાટોત્સવ કે અન્ય ધાર્મિક પ્રસંગે સાથે ભજન કીર્તન કરતાં. આમ એમનું સામાજીક આરોગ્ય પણ સારું રહેતું.
આધ્યાત્મિક આરોગ્ય :-
આધ્યાત્મિક આરોગ્ય એટલે ફક્ત ભક્તિ જ નહીં પણ પ્રફુલ્લિતમન, સંતોષ,
સહનશીલતા .આપણાં વડવાઓમાં ધીરજનો ગુણ હોવાથી કોઈપણ મુસીબત સમયે , “પડશે એવા દેવાશે” એવી મક્કમતા જાળવી રાખતાં. પોતાના સુખ કરતાંયે બીજાના સુખનો વિચાર કરતાં જેમકે પોતાના બેન, ભાણજા, દિકરી જમાઈને ખુબ માન આપતાં.
આમ આપણાં વડવાઓનું લાંબું અને નિરોગી જીવનનું રહસ્ય એટલે, શારીરિક આરોગ્ય, જીવનશૈલી, પરંપરા, સંબંધો, તેમજ મન, શરીર અને આત્મા નું સંતોલન તેમજ સત્વ, રજસ અને તમો ગુણનું સંતોલન અને એવું ઘણું બધું હતું . આપણાં DNA માં પણ આ બધાં ગુણ છે જ ફક્ત આપણે આપણી જીવન શૈલી સુધારી ફરી એમની જેમ જીવવાની શરૂઆત કરવી પડશે.
પ્રખ્યાત ડાયેટીશિયન ઋજૂતા દિવેકર પણ કહે છે કે “ તમારા દાદા દાદી, નાના નાની જે ખાતા એ બધું જ બિન્દાસ્ત ખાઓ અને સ્વસ્થ રહો”.
અંતે,આપણાં વડવાઓ જેવું ઉત્તમ જીવન જીવી, હાલની પેઢીને પણ માર્ગદર્શન આપી એમનું જીવન ઉત્તમ બનાવીએ.
આભાર – શ્રીમતી હિના પિયુષ દેસાઈ જેમણે આ વિષય પર લખવા કીધું.