મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.
શ્રીમતી મમતા તેજસ નાયક -website વિશે
મોબાઈલ વાચકો , આપણા અનાવિલ લેખકોના લેખ રચના વગેરે તમે header માં આપેલ ૩ આડી લાઈન પર ક્લિક કરશો તો, તમને ઘણી રચનાઓ , લેખ , વાર્તા , વાનગીઓ , કેલેન્ડર, આપણા અનાવિલ સાહિત્યની વિગતવાર યાદી , પેપરમાં આવેલ આપણા ગામ અને અન્ય માહિતી વગેરે ઘણી વાંચન સામગ્રી છે .
laptopનું setting અલગ હોવાથી એનું menu એટલેકે કઈ કઈ વાંચન સામગ્રી છે એ સારી રીતે જોઈ શકો જયારે mobile ની settingમાં તમારે ફક્ત વાંચન સામગ્રી માટે ઉપર કહ્યું એમ ૩ આડી લાઈન ક્લિક કરવાની રહેશે . વાંચવાનો ખરો આનંદ માણવો હોય તો laptop માં વાંચો .
ભાઈઓ અને બહેનો આમાં માત્ર મારા જ લેખો અને પુસ્તક નહી પરંતુ પ્રખ્યાત લેખકો જેમકે બકુલાબેન , અંકિત દેસાઈ , મુકેશભાઈ નાયક , મોનજી રુદરજી વગેરે ખુબ જ રસપ્રદ લેખો અને , વાર્તાઓ છે જે તમને ખરેખર વાંચવાની મજા આવશે .
ઉપરાંત , મારું પુસ્તક તમે link પર ક્લિક કરી download કરી વાંચી શકો .
તદુપરાંત , ચણોદ ગામ , પંડોર ગામ ની પુસ્તિકાઓ પણ link પર ક્લિક કરી વાંચી શકો .
તમે ઉપર આપેલ QR code save કરી , scan કરી direct link open કરી પણ વાંચી શકો .


બા ની પહેલી સ્મૃતિ એટલે એની પ્રભુ પ્રત્યેની સમર્પિતતા . મળસ્કે વહેલી ઉઠી ,સ્નાનાદિ પતાવી વડ ,પીપળો અને ઉંબરો આ ત્રણેય વૃક્ષોની પૂજા , સુંદર મજાના તુલસી ક્યારે તેમજ સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું , નજીકના રામજી મંદિરમાં દેવપૂજા અને શિવલીંગ પર જળાભિષેક કરવો ,ઉંબરો પૂજવો , ઉદ્ધવ ગીતા તેમજ શ્લોક અને સ્તોત્ર મોઢે બોલતી , સંધ્યાકાળે પણ ધૂપદીપ કરવા . બા માનતી કે દરેક સ્ત્રીએ સુખ , સમૃદ્ધિ , ઐશ્વર્ય તેમજ પ્રભુકૃપા મેળવવા આટલું તો કરવું જ જોઈએ .
અમે દાદીને બા અને દાદાને ભાઈ કહેતા . બા માટે સમજ્યા પણ દાદા માટે ભાઈ શબ્દ મને નવાઈ લાગતી. બા પ્રભુભક્ત જેટલીજ કુટુંબ ભક્ત . બાને સાત સંતાનો ત્રણ દિકરા અને ચાર દિકરી , સાસુ સસરા અને નણંદ . ભાઈ તે સમયના શાળાના હેડમાસ્ટર એટલે શિસ્તપ્રિય . બાળકોને નવડાવી ધોવડાવી શાળામાં સમયસર મોકલવા , સાસુ સસરાનું ધ્યાન રાખવું તેમજ વહેવાર સાચવવો ...પિક્ચર અભી બાકી હૈ ...
"મલ્ટી ટાસ્કીંગ " માં બા નો જોટો ન જડે . બાને ખેતીનું સારું જ્ઞાન હતું . ઘરમાં જ અનાજ પાકતું તેમજ કેરીની વાડી હતી . બાએ "મધર ઈન્ડિયા" ની જેમ હળ ખેડ્યું છે ,સમય સમયે વાડીની જાળવણી , મજૂરો પાસે કામ લેવડાવવું , ઈંધણના ભારા લાવવા , અનાજ જાતે દળવું , કોઠારમાં અનાજની જાળવણી કરવી , પાપડ ખીચા બનાવવા , વિવિધ પ્રકારના અથાણાં બનાવવા , ઘરમાં કામ માટે આવતી પાલીબેન પાસે કામ લેવડાવવું , એના કુટુંબને પણ રોજ જમવાનું આપવાનું , સમય સમયે ઘરમાં લીંપણ કરવું , ચૂલો બનાવવો , સગડી બનાવવી , વહેવાર સાચવવા , સંધ્યા ટાણે ધૂપદીપ કરવા , ફાનસ પેટાવવા ,સાંજનું વાળું કર્યા પછી નાગરવેલનાં પાનમાં કાથો અને ચૂનો મૂકી બીડા બનાવી બધાને આપવા તેમજ પોતે પણ ખાતી, રાત્રે પથારી પાથરવા ભાઈને મદદ કરવી . આ સિવાય ત્રણ ગાય અને બે ભેંસ , એમની દેખરેખ માટે ભાઈને મદદ કરતી . પહેલા તો જાતે દૂધ દોહતી પણ પછીથી એક માણસ આ કામ માટે રાખેલ . બાએ એના આ અબોલ પ્રાણીઓની સુવાવડ પણ કરી છે .અમે એક તાજું જન્મેલ વાછરડું પણ જોયેલ .
બા પોતાના બાળકોને ખુબ પ્રેમ આપતી અને સુઘડ રાખતી . બા એટલે અમારા માટે વ્હાલનો દરિયો . વેકેશન શરૂ થાય એના બીજા દિવસે અમે ભાઈ બહેનો બધા ટ્રેનમાં અમારા ગામ પહોંચી જતા અને જાણે કે અમારો સુવર્ણ સમય શરૂ થઈ જતો . બા હંમેશા કહેતી " મારી ભરેલી વાડી " -અમને જોઈને ખુબ આનંદ પામતી . બા ઘણી પરગજુ . આંગણે માંગવા આવનારને ચોખા , લોટ વગેરે ભિક્ષામાં આપતી . બપોરે જમ્યા પછી થોડોવાર "વામકુક્ષી" વખતે અને રાત્રે સૂતી વખતે અમને પૌરાણિક તેમજ જાતજાતની બોધકથાઓ કહેતી . અમારી કલ્પના શક્તિ તેમજ લેખન કાર્યમાં બા એ મહત્વનો ભાગ ભજવ્યો છે . અમને સવારે નવડાવી ધોવડાવી , મંદિર લઈ જતી .અમારા ગામના એક જગદીશકાકા નામે બ્રાહ્મણ બા ને "અન્નપૂર્ણા" કહેતા . બા અતિથિને તો જમાડ્યા વગર મોકલતી નહિ . બાના અતિથિ સત્કારની વાહ વાહ થતી .
બા ત્રણ કે ચાર ધોરણ સુધી ભણેલી હતી . વાંચનનો એને ઘણો શોખ . રોજેરોજ છાપું તેમજ અન્ય મેગેઝીન વાંચતી .મને યાદ છે જયારે "લેડી ડાયના " મરી ગયા હતા એ સમાચાર મને બા એ કીધેલા . બા જાતજાતની વાનગીઓ પણ ખુબ સ્વાદિષ્ટ બનાવતી , અમારા અનાવિલોની પ્રિય વાનગી પાતરા , પૂડા ,દેસાઈવડા તેમજ મિષ્ટાન તો લાજવાબ .
બાને અમુક વનસ્પતિ તેમજ ઘરઘથ્થું ઉપચારનું પણ ઘણું જ્ઞાન . બા ની બનાવેલ આયુર્વેદિક ગુટીઓ મારા દિકરાને મેં આપેલ . ગામના ઘણા લોકોને બાએ ગુટીઓ બનાવી આપેલી . અમને ચા પીતી વખતે પૂછે કે તમને ચામાં લીલી ચા અને ફુદીનો જોઈએ તો તરત પાછળ વાડામાંથી તોડી એમાં નાખી મજેદાર ચાનો આસ્વાદ કરાવતી . દાળમાં મીઠો લીમડો , પણ એ તાજો તોડતી . એ સિવાય બાએ વાડામાં જાતજાતના ઝાડ ઉગાડેલા .
બા ને મેં ક્યારેય લોઈપણ જાતની ફરિયાદ કરતા સાંભળી નથી . હંમેશા હસતી રહેતી . બાને અમે કહેતા કે આટલું કામ કરવા છતાં થાકતી નથી ,આ ઉંમરે ક્યાંથી આટલી ઉર્જા લાવે ? ત્યારે એ બોલતી " મારુ તો આજસુધી માથું પણ નથી દુખ્યું કે બીજી કોઈ માંદગી નથી " બાનું મનોબળ ઘણું મજબૂત . બાના આ શબ્દો મેં યાદ રાખ્યા છે એટલે ઘણીવાર કોઈ દુખાવો થાય ત્યારે બાની જેમ હું પણ ગણકારતી નથી .
બાનું જીવન એકદમ સરળ અને સાદગીભર્યું . કોઈ પક્ષપાત નહીં , વિચારો પણ ઊંચા કે સ્ત્રીઓએ પોતે કમાવું જોઈએ , એની સરળતા અને નિખાલસતા મને સ્પર્શી જતી. બાને લગભગ ૮૨ વર્ષે એક વાર પાણીની મોટર નો વીજકરંટ લાગેલો , એક હાથ ત્યારથી થોડો નબળો પડેલ પણ બા એક હાથે રસોઈ કરતી . બાને ગરમ જમાડવાનો ખુબ આગ્રહ રહેતો એટલે ઘરના બધા નિયમીત સમયે જમી લેતા .
ગામમાં આજુબાજુના લોકો બા પાસેથી જ દૂધ લેતાં જેને "લાયણી " કહેતાં . બા વધારે હિસાબ કિતાબ રાખતી નહીં પણ દૂધ એકદમ તાજું આપવામાં માનતી . એમાંથી જે રૂપિયા આવે એ અમને વાપરવા આપતી .અમે ના પાડીએ તો કહેતી, કે " મારી પાસે તો ઘણાં રૂપિયા છે તમારે તો લેવાનાજ " .
કેરીની સીઝનમાં બા ભાઈને ઘણી મદદ કરતી . અમે બધાં છોકરાઓ પણ વાડીમાં પહોંચી જતાં . કાચી કેરીને ઘરના બે માળિયામાં ગોઠવી ,એમાં ઘાસ પાથરી એને કુદરતી રીતે પકવતા . એ કેરીને "કલમની કેરી " કહેતાં . આ કેરીઓ પોતાની ભરેલી વાડીના દરેક સભ્ય ખાઈ શકે એટલે એલોકોને પણ વ્યવસ્થિત પેક કરી પહોચાડવામાં ઘણી મહેનત લેતી .
ભગવાનની કૃપાથી મારા બા અને ભાઈ ઘણાં તંદુરસ્ત અને લાંબુ જીવ્યા એનો શ્રેય મારી બાને જાય છે . બાના વિચાર જ અમૂલ્ય . વારે તહેવારે , પ્રસંગે ઉત્સાહ જાળવી રાખવો , સામાન્ય બજેટમાં ઘર ચલાવવું , વહેવાર સાચવવો , કામ સિવાય આસપાસ ન જવું , પારકી પંચાત તો કયારેય ન કરતી જોકે બા પાસે આ માટે સમય જ નહતો . બાના અમુક વાક્યો મેં મારા મનના પેટારામાં ભરી રાખ્યા છે કે ," પડશે એવા દેવાશે " , મુસીબત વખતે "કાંઈ થવાનું નથી " તેમજ એ કહેતી "હરતાં ફરતાં અને કામ કરતતાં રહેવું એટલે કોઈ રોગ આપણને સ્પર્શી શકતો નથી ".
બા દિકરા દિકરીમાં કોઈ અંતર ન રાખતી તેમજ સંપત્તિ વહેંચણીમાં એણે સમાનતાનો આગ્રહ રાખેલો. બાએ કેટલી બધી ભૂમિકાઓ નિભાવી છે અને દરેક કસોટીમાં બા અવ્વ્લ જ ખરી ઉતરી છે. ભાઈના મૃત્યુ પછી એકલવાયું લાગતું છતાં બા કયારેય કોઈ ફરિયાદ નકરતી. બાએ ઘરના દરેક લોકોને સાથ આપ્યો છે , દરેકરીતે. એમાં મને સૌથી વધારે જે કયારેય ભુલાય એમ નથી. મને ઘણીવાર એવું લાગે કે બા સાથે હજુ થોડા વધારે ગપ્પાં માર્યા હોત, અને એને સાંભળ્યા કરી હોત.હું મારી જાતને ખુબ નસીબદાર માનું કે બા સાથે રહેવાનો અમને ઘણો સમય મળ્યો . બાને પોતાના વહુ દિકરા , દિકરી જમાઈ , પૌત્ર પૌત્રી , દોહિત્ર દોહિત્રી દરેક લોકો સાથે સારી ફાવટ ."જનરેશન ગેપ " શબ્દ તો એની ડિક્ષનરીમાં નહતો .વેકેશનમાં અમે બધાં લગભગ ૩૦ લોકો ફરવા જતા. ત્યારે "બાની ભરેલી વાડી" ના દરેક સભ્યોને ઉલ્લાસ પામતાં જોઈ બા સતત આશીર્વાદ આપતી . એનાં પ્રપૌત્ર પણ આજની તારીખમાં એને યાદ કરે છે . એલોકોએ પણ બાના વ્હાલનો લ્હાવો લીધો છે .
૧૦-૧૨-૨૦૨૧ ના દિવસે થોડી માંદગીબાદ બાનો દેહાંત થયો . આમતો બા ૯૨ વર્ષે દેવલોક પામી પણ એમ થાય કે બા જેવા લોકો તો હંમેશા જોઈએ . હવે એ ગામના ઘરે કોઈ "આવ " કહેવા વાળું નથી ," દિકરી , પાછી ક્યારે આવશે ? " એ પડઘા ઘણીવાર સંભળાય છે . આજે પણ એ દ્રશ્ય હંમેશા આંખ સામે દેખાય છે બોખા મોઢા , ચશ્મા પહેરેલ , બા અને ભાઈ ઓટલા પરથી અમને આવજો આવજો કરી સડક પર દેખાય ત્યાં સુધી અમને હાથ હલાવે .આજે ઓટલાઓ સૂના પડયા છે . રાત્રે દિવા કરવા ટાણે હું પ્રભુને કહું કે મારા બા અને ભાઈ જ્યાં હોય ત્યાં એમનેય સાથે રહેજે અને દરેક જન્મ લઉં તો મને આ લોકો ભાઈબા તરીકે મળે .




અનાવિલ વડવાઓનું લાંબું આયુષ્ય અને નિરોગી જીવન -- શ્રીમતી મમતા તેજસ નાયક
* “હું ડૉક્ટર પાસે જવાનો નથી’
* “હજુ આ ઉંમરે ચશ્મા વગર વાંચી શકે એટલે કમાલ કહેવાય”.
* “મને તો નખમાં પણ રોગ ની મળે”.
* “આમણે તો ચોથી પેઢી જોઈ લીધી એટલે હવે સ્વર્ગની સીડી નક્કી”.
* “આ ઉંમરે પણ પેંશન લે, એમનો દિકરો પણ પેંશન લે, આખા તાલુકામાં રેકોર્ડ કહેવાય”.
* “ બો પોપલગારા ની થવાનું, મારું તો આજ સુધી માથું હો ની દુખ્યું કે શરીર પણ. તમે લોકો લાકડા ફાડી લાવ્યા કે આટલા બધાં થાકી જાય”.
50-60 વર્ષ પહેલાં મોટા ભાગના વડીલો દ્વારા, કે એમનાં સંદર્ભમાં આવા વાક્યો સાંભળવા મળતાં. આપણા કેટલાં વડવાઓએ તો શતક પૂર્ણ કર્યા છે એ પણ નિરોગી જીવીને.
એલોકો 80 વર્ષ પછી પણ ટટ્ટાર ચાલતાં, શેરડીના સાંઠા ચાવી શકતાં, ચશ્માનાં નંબર તો નહિવત જેવા, ઘણાં તો ચશ્મા વગર સ્પષ્ટ વાંચી શકતાં, વાળમાં ચાંદી પણ નહિવત જેવી, એમનું રુધિરાભિસરણ તંત્ર, મગજતંત્ર અને અસ્થિતંત્ર સાબૂત રહેતું . પોતાના કામ જાતે કરતાં, સંઘર્ષમય જીવનને પણ સરળ બનાવવાની તાકાત રાખતાં આવા “ Pro- active”, વટવાળા, બુદ્ધિશાળી, દીર્ધ દ્રષ્ટિવાળા વડવાઓ શું પોતાની તંદુરસ્તી માટે સતત પ્રયત્નશીલ કે જાગૃત રહેતાં? કે પછી એમને કોઈ જાદુઈ જડીબુટ્ટી અથવા વરદાન મળ્યું હતું? તો જવાબ છે…
એલોકો માટે સ્વસ્થતા એટલે “સ્વ” માં સ્થિત રહેવું. પ્રાકૃતિક નિયમાનુસાર જ જીવતાં – સૂરજની સાથે ઉઠતાં ક્યારેક એથીયે વહેલાં ઉઠતાં અને રાત્રે પણ વહેલાં સૂતાં, ઋતુ પ્રમાણે આહાર લેતાં. આહાર વિહાર માટે એમણે જે નિયમો અને રિવાજો બનાવેલાં તેની પાછળ શારીરિક અને માનસિક તંદુરસ્તીનો એમણે પૂરો વિચાર કરેલો.
આપણાં લોકલાડીલા અનાવિલ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ પણ 99 વર્ષ જીવ્યા હતાં. એમનું મનોબળ મજબૂત હતું અને એમની જીવનશૈલી પણ સરળ હતી. એમને કોઈએ પૂછેલું કે 84 વર્ષે પણ કોઈ યુવાનની જેમ તેઓ કામ કરી શકે છે એનું રહસ્ય શું છે ? ત્યારે તેમણે કહ્યું હતું કે,મુખ્ય રહસ્ય શ્રદ્ધા છે. ઈશ્વર જે સંજોગોમાં મૂકે કે જે કાંઈ આપે એ એટલાજ આનંદથી ભોગવવું. સંપૂર્ણ શરણાગતિ ન હોય ત્યાં સુધી આવો ભાવ ન આવી શકે.
એવા જ બીજા અનાવિલ, “મૉનજી રુદરજી” અને એમનાં ધર્મપત્ની ભીખીબેન ની જીવન કહાણી સાંભળવા જેવી. જેમણે અનેક સંકટોનો સામનો કરવા છતાં માનસિક સ્વસ્થતા જાળવી રાખી હતી.
હકીકતમાં, નિરોગી શરીર એટલે ફક્ત રોગોની ગેરહાજરી એટલું જ નહીં પણ માનસિક આરોગ્ય , સામાજિક આરોગ્ય , આદ્યાત્મિક આરોગ્ય પણ સારું હોવું જોઈએ .
ભગવદ્દગીતાના ( 6.17)એક શ્લોકમાં કહ્યું છે,
“યુકતાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ,
યુક્તસ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતિ દુઃખહા”,
અર્થાત જે વ્યક્તિ સંતુલિત આહાર, સંતુલિત જીવનશૈલી અને સંતુલિત કર્મ કરે છે, તેમજ સૂવા અને જાગવામાં સંયમ રાખે એના સર્વ દુઃખોનો નાશ થાય છે. આપણાં વડવાઓ પણ આ શ્લોકનો મર્મ જાણે પહેલેથી જ જાણતા એટલે સરળ અને સંયમીત જીવન જીવતાં.
એ સમયે મોટાભાગના અનાવિલો નાં ઘરનાં લોકોમાં આ દ્રશ્ય જોવા મળતું. જમ્માખાણમાં આસન પર પલાઠી વાળી સામે પાટલા પર, સાદી પણ ભોજનથી ભરેલી થાળી -જેમાં ચોખ્ખા ઘી ચોપડેલાં ચોખાના રોટલા ( મોટે ભાગે કડા નાં ચોખા ),શાક (મોટે ભાગે વાલની દાળ ), વાટકામાં દેશી ગાયનું દૂધ, અથાણાં ( ખાસ કરીને અજી કેરી અથવા અવજી કેરી),પાપડ અથવા ખીચા, ચટણી, કચુંબર અને દાળ ભાત. બાજુમાં લોટામાં ભરેલું પાણી. થોડો ભાગ પાટલા પર અન્ય જીવો માટે જમતાં પહેલાં કાઢી રાખતાં અને પ્રણામ કરી પછી આરોગતાં. ઘણી સ્ત્રીઓ બેઠા ઘાટનાં રસોડા હોવાથી ચૂલા પાસે બેસી ગરમ રોટલાં પીરસતી. અનાવિલ સ્ત્રીઓ રસોઈમાં પારંગત હતી. સાદા ભોજન પણ ખુબ સ્વાદિષ્ટ બનાવતી. એમાં આપણી દાળ તો અન્ય જ્ઞાતિનાં લોકોને ખુબ ભાવતી. શક્ય એટલાં બધાં સાથે ભોજન નો આગ્રહ રાખતાં. આનાથી કુટુંબ ભાવના જળવાઈ રહેતી.
એ સમયે વડવાઓનો આહાર :-
એલોકો કટાણે કોઈ દિવસ ન ખાતા. ભૂખ લાગે ત્યારે જ ખાતા , આચર કુચર કાંઈ ન ખાતા, ઉપવાસ કરતાં.
રોજિંદા આહારમાં કડાના ચોખા - જેના માટે કહેવત છે, “કડા સબસે બડા” તેમજ સંસ્કૃતમાં એ ચોખા માટે કહેવાયું છે કે “ રક્તશાલી મહાશાલી”, ખુબ જ પૌષ્ટિક એવા ચોખા અને વાલની દાળ પણ પ્રોટીનથી ભરપૂર. તદુપરાંત દેશી ગોળ, ઘાણીનું તેલ અથવા ખરસાણી તેલનો વપરાશ, જાતજાતની ચટણીઓ જેમકે કાંદાની પતારી, ધાણા, ફુદીના, આંબા હળદર, કેરી, કમદાં ની ચટણી. એ સિવાય લસણનો ભરપૂર ઉપયોગ જે ઘણું જ સ્વાસ્થ્યદાયક છે તેમજ આદુંમરચાં પણ તાજા વાટેલા હોય એ લગભગ દરેક શાક અને ફરસાણમાં છૂટથી વાપરતાં.
વિવિધ પ્રકારના અથાણાં ખાસ કરીને કેરીનું અથાણું, રોજ ખાતા. એક સંશોધન પ્રમાણે, અથાણાંમાં આથો આવવાની પ્રક્રિયાથી વાત, પિત્ત અને કફ જેવા દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. પાચનક્રિયાને પણ ઉતેજીત કરે છે.
જમ્યા પછી બધાં નાગરવેલના પાનમાં કાથો, ચૂનો, કોઈવાર શેકેલી સોપારીના નાના ટુકડા અને વરિયાળી નાખી બીડું વાળી ખાતાં જેથી ખોરાક સહેલાઈથી પચી જતો.
રાત્રે સૂતાં પહેલાં સૂંઠ, ગંઠોડા વાળું દૂધ પીતાં. ઉકાળો અને સુતકારા વાળું દૂધ પીતાં.
સૌથી ખાસ,ફરસાણ બનાવવા માટે “ દેસાઈ વડાનો લોટ” જે શેકેલો લોટ પણ કહેવાતો. એ લોટ મુંબઈના બોરીવલીમાં બાબુભાઈની દુકાનમાં તૈયાર મળતો. કદાચ જ્ઞાતિ પરથી દુકાનમાં લોટ મળવો એ આપણાં અનાવિલોનો જ હશે. જાડા ચોખાની કણકી અને તુવેરદાળને અમુક પ્રમાણમાં, જુદા જુદા શેકી જાડો લોટ દળાવતાં. એમાંથી પાત્રા, પૂડા, પાનકી, વડાં અને મુઠ્યાં બનાવતા. જે આજની તારીખે પણ ખુબ પ્રખ્યાત છે . આ લોટની બનેલી વાનગીઓ તીખી, તળેલી હોવાં છતાં આરોગ્યને ક્યારેય નુકશાન નથી કરતી.
અનાવિલ વડવાઓનુંલાંબું અને નિરોગી જીવન અને જીવનશૈલી એક સંશોધન નો વિષય છે.
એમનાં ઘરની બાંધણી એવી હતી કે હવા ઉજાસની અવર જવર રહે , ગારમાટી- ગાય ના છાણ નું લીંપણ હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહેતી , વાડી વૃક્ષો નજીક એટલે તાજી હવા અને ઓક્સિજન પણ સારા પ્રમાણમાં મળી રહેતો ,પહેરવેશ પણ ખુબ આરામદાયક- સાદા કોટન, ખાદી ના કપડાં અને લૂગડાં.
એમનાં વિવિધ પ્રકારના આરોગ્ય વિશે જાણવું પણ જરૂરી છે.
શારીરિક આરોગ્ય :-
મોટેભાગે ખેતીવાડી કરવાવાળા આપણાં વડવાઓ હળપતિની મદદ લઈ અનાજ જાતે ઉગાડતાં. જમીન ખેડી, રોપણી, વાવણી થી લઈ અનાજને કોઠારમાં ભરવા વગેરે જવાબદારી, તંદુપરાંત, ચૂલા માટે ઈંધણ લાવવું, બાવળનાં દાંતણ કાપવા, અન્ય સામાન બજારમાંથી લાવવો,
પશુધનને ખવડાવી પીવડાવી જતન કરવુ, પક્ષીઓને ચણ,પાણી મૂકવું, મજૂરો પાસે કામ લેવડાવવું, સામાન લઈ જવા કે કોઈને લેવા-મૂકવા માટે જાતે ગાલ્લી ચલાવવી ( બળદ ગાડી ), સ્ત્રીઓ પણ ખેતી અને વાડીનાં કામમાં મદદરૂપ બનતી, ચૂલો જાતે બનાવવો, દળણ જાતે દળવું, કુવામાંથી પાણી કાઢવું, રસોડું સાંભળવું, વ્યવહાર સાચવવો, બાળકોની બધી જવાબદારી વગેરે.. યાદી ઘણી લાંબી છે. શારીરિક પરિશ્રમ કરવાથી એલોકોને કસરત મળી રહેતી. તંદુપરાત, દોરીવાળા અને પાટીવાળા ખાટલામાં સૂવાથી કમર નાં દર્દ ક્યારેય ન થતાં. કિઆંરડામાં માટીના ઢેફામાં ચાલવાથી “એક્યુપ્રેશર “ થઈ જતું. આપણી દાદીનાનીઓ નાના બાળકોને માટે ઘૂટી બનાવી એનો ઘસરકો પીવડાવતી એટલે બાળકો પણ તંદુરસ્ત રહેતાં.
દાંત માટે બાવળનાં દાંતણ, રખોડો, હળદર અને મીઠું વગેરે ઉપયોગમાં લેવાથી સાબૂત રહેતાં. અરીઠાં અને મંટોળું માથું ધોવા માટે- એટલે વાળ પણ સરસ રહેતાં.
વ્યસનનું પ્રમાણ ઘણું ઓછું હતું.
માનસિક આરોગ્ય :-
અનાજ, શાક, કેરી જેવા ફળ તેમજ ઘરના દૂધ, ઘી જે 100% શુદ્ધ હતાં. કહેવાય છે ને, “જેવું અન્ન એવું મન”. એટલે વડીલોના મન પણ એટલાં જ શુદ્ધ ભાવવાળા. કોઈના માટે કરી છૂટવાની ભાવના રહેતી. એ સમયે પોતાને અગવડ હોવાં છતાં એમનાં ઘરે કોઈ પણ બીજા ગામનો દિકરો ભણવા કે નોકરી માટે આવે તો પોતાના ઘરના સભ્ય ની જેમજ રાખતાં. એમની ઉદારતા અને ખવાસ નો જોટો ન જડે. સ્વભાવ પ્રમાણે મોઢા પર કહી સામે વાળાને બિન્દાસ્ત ખંખેરી પણ કાઢતાં પણ પછી ભૂલીજતાં , સુમેળ ભર્યા સંબંધ રાખતા,કોઈવાર ગમ ખાઈ જતાં. આમ એમનું માનસિક આરોગ્ય પણ નિરોગી રહેતું.
સામાજિક આરોગ્ય :-
લગ્ન પ્રસંગે એક થઈ બધાંને મદદરૂપ બનવું, પંગતમાં પીરસવું, એમાંય દિકરીનાં લગ્ન હોય તો લાડવો ચારવવા પુરુષ વડીલો મદદ માટે તત્પર રહેતાં. એજ રીતે મરણ પ્રસંગે બધાં મળી એ ઘરની વ્યક્તિને આધાર પણ આપતાં, આર્થિક મદદ કરતાં. સાદડી હોય તો ગામનાં બધાં સ્ત્રી પુરુષો ભેગા મળી બીજા ગામે જતાં. વારે તહેવારે એકબીજાને ત્યાં જતાં આવતાં, ગામમાં પાટોત્સવ કે અન્ય ધાર્મિક પ્રસંગે સાથે ભજન કીર્તન કરતાં. આમ એમનું સામાજીક આરોગ્ય પણ સારું રહેતું.
આધ્યાત્મિક આરોગ્ય :-
આધ્યાત્મિક આરોગ્ય એટલે ફક્ત ભક્તિ જ નહીં પણ પ્રફુલ્લિતમન, સંતોષ,
સહનશીલતા .આપણાં વડવાઓમાં ધીરજનો ગુણ હોવાથી કોઈપણ મુસીબત સમયે , “પડશે એવા દેવાશે” એવી મક્કમતા જાળવી રાખતાં. પોતાના સુખ કરતાંયે બીજાના સુખનો વિચાર કરતાં જેમકે પોતાના બેન, ભાણજા, દિકરી જમાઈને ખુબ માન આપતાં.
આમ આપણાં વડવાઓનું લાંબું અને નિરોગી જીવનનું રહસ્ય એટલે, શારીરિક આરોગ્ય, જીવનશૈલી, પરંપરા, સંબંધો, તેમજ મન, શરીર અને આત્મા નું સંતોલન તેમજ સત્વ, રજસ અને તમો ગુણનું સંતોલન અને એવું ઘણું બધું હતું . આપણાં DNA માં પણ આ બધાં ગુણ છે જ ફક્ત આપણે આપણી જીવન શૈલી સુધારી ફરી એમની જેમ જીવવાની શરૂઆત કરવી પડશે.
પ્રખ્યાત ડાયેટીશિયન ઋજૂતા દિવેકર પણ કહે છે કે “ તમારા દાદા દાદી, નાના નાની જે ખાતા એ બધું જ બિન્દાસ્ત ખાઓ અને સ્વસ્થ રહો”.
અંતે,આપણાં વડવાઓ જેવું ઉત્તમ જીવન જીવી, હાલની પેઢીને પણ માર્ગદર્શન આપી એમનું જીવન ઉત્તમ બનાવીએ.
આભાર – શ્રીમતી હિના પિયુષ દેસાઈ જેમણે આ વિષય પર લખવા કીધું.
દિવાળી મારા ગામની ( પોતાના ગામની અને મોસાળની )
સ્કૂલમાં સેમિસ્ટર પરીક્ષાઓ પૂરી થાય એટલે શરુ થાય દિવાળી વેકેશન. લગભગ 20 થી 21 દિવસનું . સ્કૂલના છેલ્લા દિવસે બધી બહેનપણીઓ એકબીજાના ઘરે આવવાનું આમંત્રણ આપીએ. શિક્ષકોને પણ શુભેચ્છા આપીએ. વેકેશનમાં ઘણુબધું લેસન આપવામાં આવે અને રોજેરોજ કરવાનુ હોય પણ અમે ભાઈ-બહેનો તેમજ બીજી બહેનપણીઓ શરુઆતના 3-4 દિવસમાં જ પતાવી દઈએ જેથી છુટથી રમી શકાય.
નાનપણમાં ભાઈ (દાદાને અમે ભાઈ કહેતાં ) ને ત્યાં ઘણીબધી દિવાળી ઉજવી છે. મોટા ઘરે બધાં ભાઈ-ભાંડુઓ ભેગાં થાય. અમારા બધાંના આવવા પહેલાં ભાઈ -બા એ અમારી રહેવાની બધી સગવડો કરી દીધી હોય. બાએ દિવાળીની સફાઈ કામવાળી બાઈની મદદથી કરી લીધી હોય. ઘણો બધો નાશ્તો જેમકે કડક પૂરીઓ, ચેવડો, ચકરી, લાડુ વગેરે મારી બાફુઈની મદદ લઈ બનાવી ડબ્બામાં ભરી રાખ્યા હોય જે અમે 5-6 દિવસમાં પૂરો કરી નાખીએ. પણ પછી મમ્મી, કાકી, લોકો પોતાના ઘરેથી પણ ઘણો બધો નાશ્તો લઈ આવે. એમાંયે મુંબઈની મિઠાઈ અને સુરતની ઘારી ખાવાની મઝા પડી જાય.
વેકેશનમાં બધાંને ત્યાં જ અમારા જેવા મહેમાનો હોય. એટલે ગામમાં ખુબ વસ્તી હોય એમ ભર્યુ ભર્યુ લાગે. અમારા ઘરે જ બધાં મળી લગભગ 25-30 જણા હોય. દિવાળીના 4-5 દિવસ પહેલાં અમે બાળકો બધાં મંદિરમાં ભેગાં થઈએ અને બધાં ખુબ રમીએ. કોઈવાર સાંજે દાદા શેરડીનો રસ પીવડાવવા ગામની બહાર લઈ જાય.
અગિયારસથી શરુ થતી દિવાળી. સંધ્યાકાળ જેવી થાય એટલે ઘણાં બધાં માટીના કોડિયામાં તેલ પૂરી બાની સૂચના મુજબ ઘરના દરેક ઓરડાના ઉંબરે, બારીના સળિયામાં તેમજ ગોખલામાં અમે મૂકતાં . સાથે સાથે સલામતીની સૂચના પણ બા આપતાં . આખા ગામમાં આ રીતે બધાં ઘેર દીવાઓ પ્રગટાવતાં . કોડિયા પ્રજ્જ્વલિત થાય ત્યારે દીવાની જ્યોત જાણે અંધકારભર્યા જીવનમાં રોશનીના ચમત્કારનો સંદેશ આપતી હોય. લગભગ બે કલાક દીવા બળતાં અને એના દિવ્ય પ્રકાશથી એક અનેરો આનંદ આવતો .
બીજા દિવસે વાઘ-બારસ એટલે કે વસુ-બારસ હોય. ત્યારે બા અમને ગાય-ભેંસને જે કોઢમાં રાખે ત્યાં બહાર એક સ્થળે "ધનગોર"ની સ્થાપના કરે. એને રોજ નવા વરસ સુધી જળ, ઘી નો દીવો, ગલગોટાના ફુલ, કંકુ અને ચોખાથી પૂજા કરે. બા સાથે અમે તેમજ ઘરની સ્ત્રીઓ પણ પૂજા કરે તેમજ આરોગ્ય, ધન , સંપદા અને તંદુરસ્તીની કામના કરે. ગાય-ભેંસ એ પણ પશુ ધન હોવાથી એમને આ પૂજા અર્પણ થતી. એ દિવસે ચુલા પર ધીમા તાપે કલાઈ કરેલ પિત્તળના મોટા તપેલામાં કાકડીના પુડા દરેક ઘરે બને. એ એટલાં સ્વાદિષ્ટ લાગે કે ન પૂછો વાત.એની સુગંધ તો તમને બહાર ઓટલા સુધી આવે .
એવી જ રીતે ધનતેરસના દિવસે એ ધનગોરની પૂજા , ધન્વંતરી દેવની પૂજા અને ધનની પૂજા કરી દુધ-પૌંઆનો પ્રસાદ ખાઈએ. એ રાત્રે અમે થોડાં ફટાકડાં ફોડીએ. “કાળી ચૌદશના દિવસે મળસ્કે વહેલાં ઉઠી ન્હાઈ-ધોઈ લેતાં. એમ કહેવાતું કે, "જો મોડાં ઉઠીએ તો કાગડો આપણું રુપ લઈ લે અને આપણે એના જેવા કાળા થઈ જઈએ ". માટે અમે તો કાળા થવાની બીકે જલ્દી તૈયાર થઈ જતાં. સાંજે વડા બનાવવામાં આવે. ચોકમાં બેસી ગરમ વડાં ખાતાં જઈએ અને હસતાં વાતો કરતાં જઈએ. એ રાત્રે અમે બધાં બાળમિત્રો ખુબ વાર્તા-ગપ્પાં મારીએ. ભુત-પ્રેતની વાતો પણ કરીએ. કોઈવાર ઠંડી લાગેતો તાપણું કરીએ. કોઈવાર સંગીત ખુરશી તો કોઈવાર અંતાક્ષરી પણ રમીએ. બધાં વય જુથના જાણે વિભાગ હોય એમ બધાંલોકો ખુબ ગપ્પાં મારે. ના કોઈ ભણવાનુ ટેંશન ન બીજી કોઈ ફરિયાદ. બસ મજાની લાઈફ...
દિવાળી વાજતે ગાજતે આવી પહોંચે. જોકે ભાઈના ઘરે તો અમને રોજે રોજ જાણે કે તહેવાર જ રહેતો. ભાઈ-બાનો ખુબ સ્નેહ અને પ્રેમ મળતો. અમને એમ થતુ કે એલોકો મુંબઈ જ અમારી સાથે રહે તો કેટલી મઝા આવે. ગામમાં એવી પ્રથા પડી ગઈ હતી કે દિવાળી અને નવા વરસ ના બંને દિવસ અને રાતના ભોજન માટે મહારાજને બોલાવી બનાવવું એટલે ગામના પ્રત્યેક ઘરનાં સભ્યો સાથે જમે અને દરેક સ્ત્રીઓને આરામ મળે. એ રસોઈ અમારા ચોકમાં જ બને. અંદાજે 150-200 લોકો જમે. પંગત પણ અમારી ચોકમાં થી મંદિરની બહાર આવેલ પ્રાંગણસુધી. સાતેક વાગ્યે ભોજન શરુ કરી દેવાતું જેથી વહેલાં પરવારી જવાય. પતરાળી અને દડિયામાં પીરસાતું એ સ્વાદિષ્ટ ભોજન. વાહ!. સામુહિક ભોજનની મઝા તેમજ એનાથી આપોઆપ આવતી સંગઠનની ભાવના. ખરેખર! ધન્ય છે ગામના એ વડીલો જે ઘરની સ્ત્રીઓનો આટલો વિચાર કરે. સ્ત્રીને આપવામાં આવતું એક પ્રકારનુ આ સન્માન જ છે. ગામની કામવાળી બહેનો ( જે હળપતિ સમાજના હોય તેમ જ ઘણાં પ્રમાણિક અને મહેનતુ.) બધાં જમી લે પછી મોટાં મોટાં વાસણો સાફ કરી , વ્યવસ્થિત મુક્યા પછી બધે સફાઈ કરી પછી જ ઘેર જાય. ગામના લોકો એમનો પણ એટલો જ આદર કરે.
દિવાળીની રાત્રે ગામમાં રહેતાં હળપતિઓનાં બાળકો( આગળ જણાવ્યા મુજબ ઘરકામ કરતા) 10-15 જણાઓનુ ટોળું હોય , ૬-૭ લોકોના એક હાથમાં મશાલ જેવા દીવાના ખોડિયામાં દીવો પ્રગટાવેલો હોય, બીજા બે-ત્રણ બાળકોના હાથમાં થાળી હોય. એ લઈ એલોકો ગામમાં દરેક ઘરે ફરે અને બધાં એકી સાથે ઘરમાં આવે ત્યારે ગાય કે, “ “””ઘેર ઘેર દિવાળીનુ મેરિયુ. એ જોવાની અમને ખુબ મઝા આવે. વડીલો એમની થાળીમાં પરચૂરણ મૂકે. એ રાત્રે દરેક ઘરની સ્ત્રી જુનુ ઝાડું,માટલુ વગેરે ચાર રસ્તે મૂકી આવે. એમ કહેવાતું કે એનાથી કલેશ અને બાધાં દુર થાય. રાત્રે ઘણાં બધાં ફટાકડાં ફોડીએ. જેમાં ફૂલઝડીઓ, જમીન ચકરડી, નાગની ગોળીઓ, લક્ષ્મીબોમ્બ, ફુવારો, વગેરે.
એકાદ કલાક ફોડી બધાં પાછાં પોતપોતાના ઘરે આવે કારણકે ચોકમા રંગોળી/સાથિયો પુરવા તૈયારી કરવાની હોય. કોઈ પણ ચોક સાથિયા વગરની ના હોય. બીજા દિવસે ગામની સમિતિના સભ્યો દરેક રંગોળી /સાથિયાનું નિરીક્ષણ કરે અને પછીથી નવા વર્ષની રાત્રે શ્રેષ્ઠ સાથિયા માટે ઈનામ જાહેર કરે. એ સાથિયા પણ ઘણો સમય માંગી લે. અમે બાળકો પહેલેથી મોટા ચોરસ આકારમાં ગેરુ પૂરી લઈએ. જે સાંજ સુધીમાં સુકાઈ જાય. પછી રાત્રે ઝીણાં કાણાંવાળા એક મોટા પેપરમાં( જેને સ્ટેંસીલ કહી શકાય) સફેદ કરોટી લઈ એ પેપરના દરેક કાણાં પૂરીએ અને જેવું પેપર કાઢીએ તો ઘણાં બધાં સફેદ બિંદુઓથી પાયાનો સાથિયો તૈયાર થઈ જાય. પછી રંગોળીના પુસ્તકમાંથી જાતજાતની ડિઝાઈનના સાથિયા પુરવામાં આવે. પછી એમાં રંગ પૂરવામાં આવે. એક એક કલાકાર બહેનોની કલા જોઈ દંગ થઈ જવાય. એટલી સુરેખ રંગોળી હોય કે એમાં ભૂલને તો કોઈ સ્થાન જ નહોય. અમને બાળકોને એક નાની જગ્યામાં રંગોળી કરવા આપતાં જેથી અમારો ઉત્સાહ પણ જળવાઈ રહે. પછીથી તો અમે પણ ધીમે ધીમે એમાં હોંશિયાર બનતા ગયાં.
આખો દિવસ રમીને તેમજ અન્ય પ્રવૃતિ કરીને થાકી ગયેલાં હોય એટલે ભાઈએ અમારી સ્વચ્છ અને સુઘડ પથારીઓ એકલપંડે પાથરી દીધી હોય અને એમાં એકપણ કરચલીનુ નામોનિશાન ન હોય. અમે બધાં હાથ-પગ ધોઈ સુવાની તૈયારી કરતાં . ઘરમાં લગભગ 25-30 જણાં એટલે આગળના મોટા હોલમાં અમે બાળકો અને સ્ત્રીવર્ગ અને પુરુષો માળ પર સુતા. રાત્રે બધાં સુતાં સુતાં જોક્સ અને વાર્તા કરતાં કરતાં ઘસઘસાટ ઉંઘી જતાં. બીજે દિવસે નવું વરસ હોવાથી વહેલાં ન્હાઈ-ધોઈ સરસ મજાના કપડાં પહેરી વડીલોને પગે લાગી “નૂતન વર્ષાભિનંદન ” કરી મંદિરમાં જઈ આવતાં. થોડોવારમાં તો ગામનાં દરેક ઘરના જુવાનિયા તેમજ છોકરાઓ દરેક ઘરે “નૂતન વર્ષાભિનંદન ” કરવા આવે. વડીલોને પગે લાગે અને ઘરમાં હાજર તમામ સભ્યોને શુભેચ્છા આપે. કોઈ કોઈ તો અમને બાળકોને શુકન તરીકે 2 રુપિયા આપે એ પણ એકદમ નવી કડકડતી નોટ. આખું ગામ ફર્યા પછી મંદિરના પ્રાંગણમાં બધાં ખુરશીઓ ગોઠવી બેસે. આવતાં વર્ષ દરમિયાન આવતાં તહેવારો અને એની જવાબદારી લેનાર યજમાનની ચર્ચા કરે. ગામનાં દરેક ઘરને કોઈપણ એક તહેવાર ઉજવણી માટેનો મોકો મળે એટલેકે જેને જે તહેવાર માટે યજમાન બનવું હોય .આમ આવતાં વર્ષના તહેવાર અને યજમાનની પાકી યાદી આ દિવસે તૈયાર થઈ જાય. કોઈ પ્રકારની તકરાર કે ઉગ્રતા વગર પ્રેમ અને શાંતિથી ચર્ચા થાય.
નવા વરસે કોઈ કોઈ વાર ગામમાં “ઘૉર” બોલાવતાં. જે ખુબ પવિત્ર અને શુકનવંતુ ગણાય, આદિવાસીઓનુ એક પ્રકારનું નૃત્ય હોય .જેમાં 15-20 જણાં હોય એમને યજમાન વધાવે. એ લોકો ગીતો ગાય અને એક સાથે જોરજોરમાં નૃત્ય કરે, એમાં મને હજુ પણ યાદ છે કે બહેન ભાણજાને જે ખુબ માને એ ખુબ સુખી થાય એવો સંદેશો આપતુ ગીત પણ ગવાતું. એમને યથાશક્તિ ભેંટ આપી વિદાય કરતાં અને એલોકો ખુબ આશીર્વાદ આપતા.
આ બધાં કાર્યક્રમ બાદ બપોરનું જમણ તૈયાર જ હોય. બધાં પંગતમાં બેસી જાય . એમાંના જ ઘણાં પીરસે. સ્ત્રીઓ, બાળકો અને વડીલોને પહેલાં જમાડી દેવાય. મોટેભાગે આ કાર્ય પુરુષવર્ગ જ સંભાળી લેતાં. પછી બધાં પોતપોતાનાં ઘેર જઈ લગભગ સાતેક વાગ્યે રાત્રિ ભોજન માટે પાછાં ભેગાં થાય અને એ કાર્ય પૂરું થાય એટલે કોઈકનાં ચોકમાં અથવા મંદિરનાં પ્રાંગણમાં “ ડાયરો” જેવી મહેફિલ જામે. એ પહેલાં બધાં થોડોવાર ગરબાં પણ રમે. અને પછી ગામના જુવાનિયાઓ જ મિમિક્રી નો પ્રોગ્રામ કરે અને પોતાની કલા દ્વારા હાસ્યરસ ફેલાવે. “મજાનો પ્રોગ્રામ” મોડે સુધી ચાલે.
આમ નવું વરસ તો ક્યારે પુરુ થઈ જાય એ ખબર જ ન પડે. અમ બાળકોની મજા તો “દેવદિવાળી” સુધી ચાલે. જેનાં સુંદર સંભારણાંઓ તો આખું વરસ યાદ આવે . મોસાળની દિવાળી પણ એટલીજ સરસ અને ઉમંગસભર હતી .
દિવાળી મારા ગામની - શ્રીમતી મમતા તેજસ નાયક
અનાવિલોનાં લુપ્ત થતાં ગામડાં -- મમતા તેજસ નાયક
અનાવિલોની ઓળખ તેના મૂળ વતનના ગામની રહી છે . દુનિયાની કોઈપણ જગ્યાએ વસવાટ કરતો હોય તોપણ દરેક અનાવિલને પૂછાતો પ્રથમ પ્રશ્ન એ હોય છે કે “તમે ક્યાંના ?” એ ગામડાઓ આજે તૂટી રહ્યાં છે , અનાવિલ ગામો તરીકે ઓળખાતા ગામોમાં પણ અનાવિલોની વસ્તી ઘણી ઓછી થઈ રહી છે . એના કારણો તથા ભવિષ્ય અને આપનું મંતવ્ય .
અનાવિલો પરશુરામની ભૂમિ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતના વાપીથી તાપીના પ્રદેશમાં વસવાટ કરતાં અને આજની તારીખમાં પણ આ વિસ્તાર “અનાવલાઓના વિસ્તાર “ તરીકે ઓળખાય છે. આ ઓળખ એમના મૂળ વતનના ગામથી રહી છે. ગામડા અને અનાવિલ જ્ઞાતિ પ્રથાએ ભૂતકાળમાં સામાજિક બંધારણને ટકાવી રાખવા અગત્યનો ભાગ ભજવ્યો તેમજ પોતાના સમૂહને સમૃધ્ધ બનાવવામાં ઘણો ફાળો આપ્યો છે .
આપણા વડીલોની શિખામણ “ ગામમાં ઘર અને સીમમાં ખેતર હોવું જોઈએ “ એ ટૂંકમાં ઘણું કહી જાય છે જેની પાછળ એ ભાવના હતી કે આપની અસ્મિતા અને ગામડાનો વારસો જળવાઈ રહે .
મંદિરમાં થતી આરતી , દેવીદેવતાઓની જન્મજયંતી અને પાટોત્સવ, સારા નબળાપ્રસંગો ,ચોકમાં રમાતી ગરબાની રમઝટ જેની સામે ડીજે સંગીત પણ ફિક્કું લાગે , રામલીલા , ઘોર , કઠપૂતળીના ખેલ , દિવાળીના મેરિયા જેવી પરંપરાઓ તેમજ પેશવારાજ , અંગ્રેજો અને ફિરંગીઓ જેવા પરદેશીઓના રાજના સાક્ષી બનેલા આપણા દરેક ગામ “ આદર્શ ગામ” ની વ્યાખ્યામાં બેસે એવા હતા. એક સમયે શહેરમાં રહેતા લોકો વેકેશનમાં પોતાના ગામમાં રહી એટલો આનંદ માણતા કે હવા ખાવાના કે ફરવાના સ્થળોએ જવાની જરૂર જ નહતી પડતી .
કીંઆયડાં (કિયારડા ), વાડી વજીફા , વાડા , મહેલ જેવા મોટા ઘર આજે સૂના છે અને જાણે અનાવલા પાછા આવે એની રાહ જોય છે .
સમયચક્ર એવું ફર્યું છે કે આપણા અસ્તિત્વની ઓળખસમા આ ગામડાઓ ઓક્સિજન પર છે અને “Identity crisis “ની અવસ્થામાં પસાર થઈ રહ્યા છે . જાણે કે આપણું ગામ આપણું ન રહેતાં બીજા ધણી બની બેઠાં , બીજું જે ઘણું બચ્યું છે તે પણ હવે વેચવાની હોડમાં છે.
આ પરિવર્તન અચાનક નથી આવ્યું પણ ધીમે ધીમે ઘણા પરિબળો કામ કરી ગયા . જેમકે ,
પાયાની સુવિધાઓનો અભાવ :- સારા રસ્તા, વીજળી ,સ્વચ્છ પાણી ,આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ તેમજ પરિવહનની સુવિધાઓનો અભાવને લીધે ઘણી અગવડો થતી .
કૃષિસંકટ :- ડાંગર , વાલ , તુવેર ,ચણાના ખેતરો તેમજ કેરી ,ચીકુ ,શેરડીની વાડીઓથી સમૃદ્ધ એવા ગામડાઓમાં ધીમે ધીમે અપૂરતી સગવડો ,મજૂરોના અભાવ , પારડી તાલુકામાં આવેલ GIDC ની ફેક્ટરીઓના લીધે ઘણું પ્રદૂષણ ફેલાયું તેમજ સિંચાઇની અપૂરતી સગવડો જેવા કારણોને લીધે ઉત્પાદકતા ઘટી અને કૃષિ સંકટ આવ્યું .
શહેર તરફ સ્થળાંતર :- રોજગારી ,આરોગ્ય , ઉચ્ચ શિક્ષણ , વગેરે તકો શહેરમાં સારી હોવાથી ગામડાની વસ્તી અડધોઅડધ ઘટી અને આર્થિક પ્રવૃતિઓમાં ઘટાડો થયો . અને તેઓ મુંબઈ , સુરત જેવા શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા .
સામાજિક અને આર્થિક પરિબળો :- મનોરંજનના સ્થળો , રેસ્ટોરાં , પિક્ચર તેમજ અન્ય મનોરંજક પ્રવૃતિઓનો આનંદ માણવા માટે શહેરોમાં રહેવાનું વધારે પસંદ કરવા લાગ્યા . તે સિવાય એક કરતા વધારે રહેઠાણ ,દેખાદેખી વગેરે પરિબળોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો .
અનાવિલોની ઘટતી જતી વસ્તી :- હમણાના ઘણા કુટુંબમાં એક અથવા બે જ સંતાનો હોય, એમાં પણ 10 માંથી 7 લોકોને તો USA, Europe વગેરે foreign country માં વસવાટ કરવો છે . હવે જો યુવા પેઢી પોતાના દેશમાં જ ણ રહેતી હોય તો ગામડામાં વસવાટની વાત જ ક્યાં કરવી .
છતાં પણ હજુ એવા ઘણા ગામો છે જયાં 80% ઘર ખુલ્લા છે અને નવી પેઢી પણ એજ ગામમાં રહી પ્રગતિ કરે છે . હાલમાં શહેરમાં રહેતા ઘણા લોકો પ્રસંગોપાત તેમજ ઉત્સવોમાં સહભાગી થવા પોતાના ગામમાં આવી રહે છે અને યુવા પેઢી પણ એમાં સહભાગી થાય છે અને એમને પણ પોતાના ગામ માટે ગર્વ છે . એટલે આશા છે કે ફરી પાછા ગામડારૂપી ફેફસાંમાં પ્રાણવાયુ પુરાશે અને એ સમૃધ્ધિ પાછી આવશે .
મારા મંતવ્ય પ્રમાણે જે અનાવિલ જ્ઞાતિ અને ગામડાઓએ આપણને અસ્તિત્વની ઓળખ આપી છે તો એ સંસ્કૃતિ જીવંત રાખવા આપણે શરૂઆત કરવી પડશે અને એ ઋણ ચૂકવવા પ્રયત્ન કરવા પડશે . જેમકે ,
પ્રસંગોપાત , વેકેશનમાં બાળકો સાથે ગામની મુલાકાત અવશ્ય લેવી અને રહેવું .
બાળકોને નાનપણથી આપણા સમૃદ્ધ ગામડા , આપની કુળદેવી , ગોત્ર વંશાવલી વગેરેથી માહિતગાર કરવા , આપણી ભાષામાં બોલવાનો આગ્રહ , આપણા તીર્થધામ અનાવલની મુલાકાત લેવી .
હમણાં જે લગ્ન પહેલા “Pre wedding shoot “ ગામની વાડી ગામના ઘરમાં કરવું .
ગામની જમીન કે ઘર વેચવું હોય તો અનાવિલને જ વેચવું .
ગામના વિશિષ્ટ સ્થળોને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવું .
દરેક ગામ એની વિશેષતાઓ તેમજ ઈતિહાસ , વ્યક્તિ વિશેષ વગેરે માટે પુસ્તિકા બહાર પાડે અને “You tube “ વિડિયો બનાવે .
‘અનાવિલ ગામડાઓ અને સંસ્કૃતિ “ પ્રદર્શિત કરતું એક “Museum” જેમાં “Artificial Intelligence” ની મદદથી ગામડાંની સંસ્કૃતિના દર્શન થાય જેમકે ગામના ઘર, વાડી ,ચોક, ઓટલા , બળદગાડી , ખીદગાડું , પેટારા , ચૂલા વગેરે ના ચિત્રો , શિલ્પ અને short film બતાવી શકે .
વાર્ષિક મેળાવડો ગામમાં જ રાખવો એમાં કેરીની ઋતુમાં “Food Festival “ રાખવો અને પંગતમાં પતરાળી અને દળિયામાં લાપસી , ભજીયા , રસ , વાલની દાળનું શાક વગેરેની મિજબાની માણવી .
એક મોટું “અનાવિલ સંકૂલ “ જેમાં ફક્ત અનાવિલોના જ ઘર હોય અથવા બની શકે તો એક આખું મોટું અનાવિલોનું ગામ હોય જેમાં આધુનિક બધી જ સગવડ હોય જેથી યુવા વર્ગ પણ ગામમાં રહેવા પ્રેરાય .


ધરમપુર બરૂમાળ પાસે એક કેડી
મમતા તેજસ નાયક
લગ્ન સમારંભ
આપણે ત્યાં થોડાં વર્ષો પહેલાં લગ્ન લગભગ બપોરના મુહૂર્ત પ્રમાણે થઈ જતાં. લગ્ન સાથે જનોઈ હોય તો પણ પ્રસંગ પૂરો થાય એટલે સાંજે અથવા રાત સુધીમાં બધાં ઘર ભેગાં થઈ જતાં.
હાલમાં લગ્ન માટે સંગીત સંધ્યા, મહેંદી તેમજ અન્ય કાર્યક્રમો યોજાય છે જેમાં લગભગ saturday sunday એમ બે દિવસ સુધી પ્રસંગો ચાલે છે. આપણાં રીત રિવાજોમાં આટલું વધારે ક્યારેય નહતું.
લગ્ન, જીવનમાં એક વાર થાય એ વાત સાચી - પણ હવે તો નવી પેઢી પણ filmy style થી કંટાળી છે. કારણ એક ની એક theme, filmy માહોલ.
હવે આપણે old is gold તરફ વધીએ તો સારું.
હાલમાં એક લગ્ન આપણાં ગામની અસલ style માં થયાં (જેમાં બળદગાડીમાં જાન વગેરે એટલેકે જૂની રીત પ્રમાણે થયાં )એમનો આ પ્રયત્ન સરાહનીય છે.
આ માટે યુવા પેઢી આગળ આવે અને પોતાના મંતવ્ય રજૂ કરે.
બીજું, વૃદ્ધ વડીલોને હમણાં સંગીત સંધ્યા અને લગ્ન મોડાં થતાં હોવાથી આવવાની ઈચ્છા હોય છતાં પણ રાત્રે મોડું થાય એટલે એલોકોને કોઈ લાવવા લઈ જવા માટે જવાબદાર વ્યક્તિ હોય તો જ શક્ય બને છે.
થોડાં વર્ષો પહેલાં લગ્ન પ્રસંગમાં ગામમાં ઓટલા પર બેસી 5-6 દિવસ પહેલાં લગ્નગીતો ગવાતા અને બધાં જમી કરી પરવારીને આવ્યા હોય એટલે ફક્ત પાન, વરિયાળી વહેંચી આનંદ કરતાં.
ત્રીજું, લગ્ન પ્રસંગે જમણવારમાં અધધ વાનગીઓ. હવે યુવા પેઢી sustainablity માં માનતી થઈ છે અને પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત થઈ છે તો આપણે શક્ય હોય એટલું simplicity અને suastanibiliy પ્રસંગે અપનાવીએ.
ચોથું, લગ્ન વખતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર ખુબ મહત્વના છે. અને અગ્નિ સાક્ષીએ થયેલા લગ્ન વખતે આપણે એ વિધિને માન આપીએ કારણ કહેવાય છે કે દેવતાઓ પણ મંત્રોચ્ચાર અને અગ્નિની સાક્ષી હોવાથી આશીર્વાદ આપે છે.
અનાવિલોના લગ્ન પ્રસંગો - થોડાંક સુધારાની જરૂર
અનાવિલો સંગઠિત તો છે જ જરૂર છે થોડુંક
મમતા તેજસ નાયક
અનાવિલ સંગઠિત છે જ જરૂર છે થોડુંક...
છેલ્લાં 5-6 વર્ષમાં આપણે બધાં digitally મળીએ છીએ પણ personally ઘણાં ઓછા. આપણાં વડીલો કહેતાં, " મળતાં રહેશું તો માયા રહેશે " એમની સલાહ personally મળવાની હતી.
થોડાં વર્ષો પહેલાં અનાવિલ મંડળ ના સભ્યો પણ મુંબઈ તેમજ અન્ય શહેરમાં જાતે ફાળો ઉઘરાવવા, વસ્તી ગણતરી કરવા, નવરાત્રી આયોજન હેતુ, ઘરે આવતાં એ વખતે પણ બધાં મળતાં. હમણાંથી social media અને gpay વગેરેથી કામ ચાલી જતું હોવાથી હવે એ શક્યતાઓ પણ ઓછી છે.
એક સમયે " ભરેલી વાડી " જેવો આપણો અનાવિલ સમાજ વિખૂટો થતો જાય છે એના મુખ્ય કારણો, મોટાભાગના લોકોનો નોકરી ધંધા માટે શહેરમાં વસવાટ, લુપ્ત થતાં ગામડાંઓ, મોડાં લગ્ન, આંતર જ્ઞાતિ લગ્ન, સંતાન પણ એક કે બે અને એમનું વિદેશમાં ભણતર, વગેરે..
Micro level પર દરેક ગામનાં વિવિધ મંડળો અને એમની વિવિધ પ્રવૃતિઓ, whats app ગ્રુપ, વગેરેથી તેઓ જોડાયેલાં તો છે જ. પરંતુ હવે macro level પર સંગઠિત થવાની જરૂર છે.
જોકે, " અનાવિલ કેળવણી મંડળ "ના વિવિધ કાર્યક્રમો, વિવિધ ક્રિકેટ અને અન્ય ટુર્નામેન્ટ, તેમજ અનાવિલ યુવા સંગઠન દ્વારા આયોજીત " સામુહિક જનોઈ " અને (અનાવિલ સન્નારી ગ્રુપ દ્વારા " સામૂહિક વ્રત "નું આયોજન કરવામાં આવેલ છે) વગેરે કાર્યક્રમો દ્વારા આખા સમાજને સંગઠિત થવાના પ્લેટફોર્મ મળ્યાં છે.
Gen Z એટલેકે નવી પેઢી પણ આ કાર્યક્રમોમાં વધારે સંખ્યામાં જોડાય અને આવા કાર્યક્રમો આયોજીત કરે એ માટે " કુવામાં હોય તો હવાડામાં આવે " એ કહેવત અનુસાર આપણે આટલું કરી શકીએ,
1) વસ્તી ગણતરી
2) દરેક કુટુંબ પોતાની વંશાવેલી ફ્રેમ કરી જાળવી રાખે. આપણાં રીત રિવાજ વિશે પણ માહિતી પામે.
3) શક્ય હોય તો લગ્ન જોડાય ત્યારે પણ અનાવિલ ખબરદાર કે અનાવિલ અસ્મિતા જેવાં માધ્યમથી માહિતગાર કરે.
4) " food festival " નું આયોજન જેમાં આપણા પૂડા, પાત્રા, વડાં, બાફેલી પાપડી, વાલની દાળ,વૈડું રોટલાં જેવી વાનગીઓ હોય.
5) ઉંમરલાયક યુવક યુવતીઓનો એક મેળાવડો જેમાં વધારેમાં વધારે candidates જોડાય.દેવ ઉઠી જાય પછી દર એક કે બે વર્ષે
6) શેરી નાટક જેમાં વિષયો - રિવાજ, પરંપરા, છૂટાછેડા વગેરે ભજવી એને social
media માં પ્રસારિત કરવા.
7) લગભગ દરેક ગામનાં મંડળ છે જ તો એમનાં એક પ્રતિનિધિ એવા બધાં પ્રતિનિધિ
મળી એક કમિટી
બનાવે જેમાં મોટા ભાગના મહત્વના decisions લેવાના હોય.
8) આપણાં પારડી તાલુકાના બ્રાહ્મણો સાથે સંપર્કમાં રહી એમને ગામનાં ધાર્મિક કાર્યક્રમો અને વિધિઓ માટે બોલાવી શક્ય હોય તો એમની પાસે જ કરાવીએ. જેમકે વિદ્વાન એવા છોટુભાઈ જોશી જેવાં મહારાજ.
9) શક્ય હોય એટલું આપણા લોકો મળે ત્યારે આપણી ભાષામાં વાત કરીએ.
10) દરેક અનાવિલ બુદ્ધિશાળી એટલે સૌ સમાન એમ માની જરૂર સમયે એકબીજા માટે સહયોગ આપે તેમજ
ફક્ત આર્થિક દાન જ નહીં પણ સમયનું દાન, જ્ઞાનનું દાન, પણ સમય સમયે કરતાં રહેવું.
અંતે,આપણાં અનાવિલ કેળવણી મંડળને 100 વર્ષ પૂરા થયાં એ એક સંગઠિત સમાજનો મોટો પુરાવો છે, જરૂર છે ફક્ત સંગઠનની ભાવના અને બધાંના સહકારની જે આવતાં 100 વર્ષ સુધી અનાવિલોના દબદબાને જાળવી રાખશે.
