મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .
દિવાળી મારા ગામની ( પોતાના ગામની અને મોસાળની )
સ્કૂલમાં સેમિસ્ટર પરીક્ષાઓ પૂરી થાય એટલે શરુ થાય દિવાળી વેકેશન. લગભગ 20 થી 21 દિવસનું . સ્કૂલના છેલ્લા દિવસે બધી બહેનપણીઓ એકબીજાના ઘરે આવવાનું આમંત્રણ આપીએ. શિક્ષકોને પણ શુભેચ્છા આપીએ. વેકેશનમાં ઘણુબધું લેસન આપવામાં આવે અને રોજેરોજ કરવાનુ હોય પણ અમે ભાઈ-બહેનો તેમજ બીજી બહેનપણીઓ શરુઆતના 3-4 દિવસમાં જ પતાવી દઈએ જેથી છુટથી રમી શકાય.
નાનપણમાં ભાઈ (દાદાને અમે ભાઈ કહેતાં ) ને ત્યાં ઘણીબધી દિવાળી ઉજવી છે. મોટા ઘરે બધાં ભાઈ-ભાંડુઓ ભેગાં થાય. અમારા બધાંના આવવા પહેલાં ભાઈ -બા એ અમારી રહેવાની બધી સગવડો કરી દીધી હોય. બાએ દિવાળીની સફાઈ કામવાળી બાઈની મદદથી કરી લીધી હોય. ઘણો બધો નાશ્તો જેમકે કડક પૂરીઓ, ચેવડો, ચકરી, લાડુ વગેરે મારી બાફુઈની મદદ લઈ બનાવી ડબ્બામાં ભરી રાખ્યા હોય જે અમે 5-6 દિવસમાં પૂરો કરી નાખીએ. પણ પછી મમ્મી, કાકી, લોકો પોતાના ઘરેથી પણ ઘણો બધો નાશ્તો લઈ આવે. એમાંયે મુંબઈની મિઠાઈ અને સુરતની ઘારી ખાવાની મઝા પડી જાય.
વેકેશનમાં બધાંને ત્યાં જ અમારા જેવા મહેમાનો હોય. એટલે ગામમાં ખુબ વસ્તી હોય એમ ભર્યુ ભર્યુ લાગે. અમારા ઘરે જ બધાં મળી લગભગ 25-30 જણા હોય. દિવાળીના 4-5 દિવસ પહેલાં અમે બાળકો બધાં મંદિરમાં ભેગાં થઈએ અને બધાં ખુબ રમીએ. કોઈવાર સાંજે દાદા શેરડીનો રસ પીવડાવવા ગામની બહાર લઈ જાય.
અગિયારસથી શરુ થતી દિવાળી. સંધ્યાકાળ જેવી થાય એટલે ઘણાં બધાં માટીના કોડિયામાં તેલ પૂરી બાની સૂચના મુજબ ઘરના દરેક ઓરડાના ઉંબરે, બારીના સળિયામાં તેમજ ગોખલામાં અમે મૂકતાં . સાથે સાથે સલામતીની સૂચના પણ બા આપતાં . આખા ગામમાં આ રીતે બધાં ઘેર દીવાઓ પ્રગટાવતાં . કોડિયા પ્રજ્જ્વલિત થાય ત્યારે દીવાની જ્યોત જાણે અંધકારભર્યા જીવનમાં રોશનીના ચમત્કારનો સંદેશ આપતી હોય. લગભગ બે કલાક દીવા બળતાં અને એના દિવ્ય પ્રકાશથી એક અનેરો આનંદ આવતો .
બીજા દિવસે વાઘ-બારસ એટલે કે વસુ-બારસ હોય. ત્યારે બા અમને ગાય-ભેંસને જે કોઢમાં રાખે ત્યાં બહાર એક સ્થળે "ધનગોર"ની સ્થાપના કરે. એને રોજ નવા વરસ સુધી જળ, ઘી નો દીવો, ગલગોટાના ફુલ, કંકુ અને ચોખાથી પૂજા કરે. બા સાથે અમે તેમજ ઘરની સ્ત્રીઓ પણ પૂજા કરે તેમજ આરોગ્ય, ધન , સંપદા અને તંદુરસ્તીની કામના કરે. ગાય-ભેંસ એ પણ પશુ ધન હોવાથી એમને આ પૂજા અર્પણ થતી. એ દિવસે ચુલા પર ધીમા તાપે કલાઈ કરેલ પિત્તળના મોટા તપેલામાં કાકડીના પુડા દરેક ઘરે બને. એ એટલાં સ્વાદિષ્ટ લાગે કે ન પૂછો વાત.એની સુગંધ તો તમને બહાર ઓટલા સુધી આવે .
એવી જ રીતે ધનતેરસના દિવસે એ ધનગોરની પૂજા , ધન્વંતરી દેવની પૂજા અને ધનની પૂજા કરી દુધ-પૌંઆનો પ્રસાદ ખાઈએ. એ રાત્રે અમે થોડાં ફટાકડાં ફોડીએ. “કાળી ચૌદશના દિવસે મળસ્કે વહેલાં ઉઠી ન્હાઈ-ધોઈ લેતાં. એમ કહેવાતું કે, "જો મોડાં ઉઠીએ તો કાગડો આપણું રુપ લઈ લે અને આપણે એના જેવા કાળા થઈ જઈએ ". માટે અમે તો કાળા થવાની બીકે જલ્દી તૈયાર થઈ જતાં. સાંજે વડા બનાવવામાં આવે. ચોકમાં બેસી ગરમ વડાં ખાતાં જઈએ અને હસતાં વાતો કરતાં જઈએ. એ રાત્રે અમે બધાં બાળમિત્રો ખુબ વાર્તા-ગપ્પાં મારીએ. ભુત-પ્રેતની વાતો પણ કરીએ. કોઈવાર ઠંડી લાગેતો તાપણું કરીએ. કોઈવાર સંગીત ખુરશી તો કોઈવાર અંતાક્ષરી પણ રમીએ. બધાં વય જુથના જાણે વિભાગ હોય એમ બધાંલોકો ખુબ ગપ્પાં મારે. ના કોઈ ભણવાનુ ટેંશન ન બીજી કોઈ ફરિયાદ. બસ મજાની લાઈફ...
દિવાળી વાજતે ગાજતે આવી પહોંચે. જોકે ભાઈના ઘરે તો અમને રોજે રોજ જાણે કે તહેવાર જ રહેતો. ભાઈ-બાનો ખુબ સ્નેહ અને પ્રેમ મળતો. અમને એમ થતુ કે એલોકો મુંબઈ જ અમારી સાથે રહે તો કેટલી મઝા આવે. ગામમાં એવી પ્રથા પડી ગઈ હતી કે દિવાળી અને નવા વરસ ના બંને દિવસ અને રાતના ભોજન માટે મહારાજને બોલાવી બનાવવું એટલે ગામના પ્રત્યેક ઘરનાં સભ્યો સાથે જમે અને દરેક સ્ત્રીઓને આરામ મળે. એ રસોઈ અમારા ચોકમાં જ બને. અંદાજે 150-200 લોકો જમે. પંગત પણ અમારી ચોકમાં થી મંદિરની બહાર આવેલ પ્રાંગણસુધી. સાતેક વાગ્યે ભોજન શરુ કરી દેવાતું જેથી વહેલાં પરવારી જવાય. પતરાળી અને દડિયામાં પીરસાતું એ સ્વાદિષ્ટ ભોજન. વાહ!. સામુહિક ભોજનની મઝા તેમજ એનાથી આપોઆપ આવતી સંગઠનની ભાવના. ખરેખર! ધન્ય છે ગામના એ વડીલો જે ઘરની સ્ત્રીઓનો આટલો વિચાર કરે. સ્ત્રીને આપવામાં આવતું એક પ્રકારનુ આ સન્માન જ છે. ગામની કામવાળી બહેનો ( જે હળપતિ સમાજના હોય તેમ જ ઘણાં પ્રમાણિક અને મહેનતુ.) બધાં જમી લે પછી મોટાં મોટાં વાસણો સાફ કરી , વ્યવસ્થિત મુક્યા પછી બધે સફાઈ કરી પછી જ ઘેર જાય. ગામના લોકો એમનો પણ એટલો જ આદર કરે.
દિવાળીની રાત્રે ગામમાં રહેતાં હળપતિઓનાં બાળકો( આગળ જણાવ્યા મુજબ ઘરકામ કરતા) 10-15 જણાઓનુ ટોળું હોય , ૬-૭ લોકોના એક હાથમાં મશાલ જેવા દીવાના ખોડિયામાં દીવો પ્રગટાવેલો હોય, બીજા બે-ત્રણ બાળકોના હાથમાં થાળી હોય. એ લઈ એલોકો ગામમાં દરેક ઘરે ફરે અને બધાં એકી સાથે ઘરમાં આવે ત્યારે ગાય કે, “ “””ઘેર ઘેર દિવાળીનુ મેરિયુ. એ જોવાની અમને ખુબ મઝા આવે. વડીલો એમની થાળીમાં પરચૂરણ મૂકે. એ રાત્રે દરેક ઘરની સ્ત્રી જુનુ ઝાડું,માટલુ વગેરે ચાર રસ્તે મૂકી આવે. એમ કહેવાતું કે એનાથી કલેશ અને બાધાં દુર થાય. રાત્રે ઘણાં બધાં ફટાકડાં ફોડીએ. જેમાં ફૂલઝડીઓ, જમીન ચકરડી, નાગની ગોળીઓ, લક્ષ્મીબોમ્બ, ફુવારો, વગેરે.
એકાદ કલાક ફોડી બધાં પાછાં પોતપોતાના ઘરે આવે કારણકે ચોકમા રંગોળી/સાથિયો પુરવા તૈયારી કરવાની હોય. કોઈ પણ ચોક સાથિયા વગરની ના હોય. બીજા દિવસે ગામની સમિતિના સભ્યો દરેક રંગોળી /સાથિયાનું નિરીક્ષણ કરે અને પછીથી નવા વર્ષની રાત્રે શ્રેષ્ઠ સાથિયા માટે ઈનામ જાહેર કરે. એ સાથિયા પણ ઘણો સમય માંગી લે. અમે બાળકો પહેલેથી મોટા ચોરસ આકારમાં ગેરુ પૂરી લઈએ. જે સાંજ સુધીમાં સુકાઈ જાય. પછી રાત્રે ઝીણાં કાણાંવાળા એક મોટા પેપરમાં( જેને સ્ટેંસીલ કહી શકાય) સફેદ કરોટી લઈ એ પેપરના દરેક કાણાં પૂરીએ અને જેવું પેપર કાઢીએ તો ઘણાં બધાં સફેદ બિંદુઓથી પાયાનો સાથિયો તૈયાર થઈ જાય. પછી રંગોળીના પુસ્તકમાંથી જાતજાતની ડિઝાઈનના સાથિયા પુરવામાં આવે. પછી એમાં રંગ પૂરવામાં આવે. એક એક કલાકાર બહેનોની કલા જોઈ દંગ થઈ જવાય. એટલી સુરેખ રંગોળી હોય કે એમાં ભૂલને તો કોઈ સ્થાન જ નહોય. અમને બાળકોને એક નાની જગ્યામાં રંગોળી કરવા આપતાં જેથી અમારો ઉત્સાહ પણ જળવાઈ રહે. પછીથી તો અમે પણ ધીમે ધીમે એમાં હોંશિયાર બનતા ગયાં.
આખો દિવસ રમીને તેમજ અન્ય પ્રવૃતિ કરીને થાકી ગયેલાં હોય એટલે ભાઈએ અમારી સ્વચ્છ અને સુઘડ પથારીઓ એકલપંડે પાથરી દીધી હોય અને એમાં એકપણ કરચલીનુ નામોનિશાન ન હોય. અમે બધાં હાથ-પગ ધોઈ સુવાની તૈયારી કરતાં . ઘરમાં લગભગ 25-30 જણાં એટલે આગળના મોટા હોલમાં અમે બાળકો અને સ્ત્રીવર્ગ અને પુરુષો માળ પર સુતા. રાત્રે બધાં સુતાં સુતાં જોક્સ અને વાર્તા કરતાં કરતાં ઘસઘસાટ ઉંઘી જતાં. બીજે દિવસે નવું વરસ હોવાથી વહેલાં ન્હાઈ-ધોઈ સરસ મજાના કપડાં પહેરી વડીલોને પગે લાગી “નૂતન વર્ષાભિનંદન ” કરી મંદિરમાં જઈ આવતાં. થોડોવારમાં તો ગામનાં દરેક ઘરના જુવાનિયા તેમજ છોકરાઓ દરેક ઘરે “નૂતન વર્ષાભિનંદન ” કરવા આવે. વડીલોને પગે લાગે અને ઘરમાં હાજર તમામ સભ્યોને શુભેચ્છા આપે. કોઈ કોઈ તો અમને બાળકોને શુકન તરીકે 2 રુપિયા આપે એ પણ એકદમ નવી કડકડતી નોટ. આખું ગામ ફર્યા પછી મંદિરના પ્રાંગણમાં બધાં ખુરશીઓ ગોઠવી બેસે. આવતાં વર્ષ દરમિયાન આવતાં તહેવારો અને એની જવાબદારી લેનાર યજમાનની ચર્ચા કરે. ગામનાં દરેક ઘરને કોઈપણ એક તહેવાર ઉજવણી માટેનો મોકો મળે એટલેકે જેને જે તહેવાર માટે યજમાન બનવું હોય .આમ આવતાં વર્ષના તહેવાર અને યજમાનની પાકી યાદી આ દિવસે તૈયાર થઈ જાય. કોઈ પ્રકારની તકરાર કે ઉગ્રતા વગર પ્રેમ અને શાંતિથી ચર્ચા થાય.
નવા વરસે કોઈ કોઈ વાર ગામમાં “ઘૉર” બોલાવતાં. જે ખુબ પવિત્ર અને શુકનવંતુ ગણાય, આદિવાસીઓનુ એક પ્રકારનું નૃત્ય હોય .જેમાં 15-20 જણાં હોય એમને યજમાન વધાવે. એ લોકો ગીતો ગાય અને એક સાથે જોરજોરમાં નૃત્ય કરે, એમાં મને હજુ પણ યાદ છે કે બહેન ભાણજાને જે ખુબ માને એ ખુબ સુખી થાય એવો સંદેશો આપતુ ગીત પણ ગવાતું. એમને યથાશક્તિ ભેંટ આપી વિદાય કરતાં અને એલોકો ખુબ આશીર્વાદ આપતા.
આ બધાં કાર્યક્રમ બાદ બપોરનું જમણ તૈયાર જ હોય. બધાં પંગતમાં બેસી જાય . એમાંના જ ઘણાં પીરસે. સ્ત્રીઓ, બાળકો અને વડીલોને પહેલાં જમાડી દેવાય. મોટેભાગે આ કાર્ય પુરુષવર્ગ જ સંભાળી લેતાં. પછી બધાં પોતપોતાનાં ઘેર જઈ લગભગ સાતેક વાગ્યે રાત્રિ ભોજન માટે પાછાં ભેગાં થાય અને એ કાર્ય પૂરું થાય એટલે કોઈકનાં ચોકમાં અથવા મંદિરનાં પ્રાંગણમાં “ ડાયરો” જેવી મહેફિલ જામે. એ પહેલાં બધાં થોડોવાર ગરબાં પણ રમે. અને પછી ગામના જુવાનિયાઓ જ મિમિક્રી નો પ્રોગ્રામ કરે અને પોતાની કલા દ્વારા હાસ્યરસ ફેલાવે. “મજાનો પ્રોગ્રામ” મોડે સુધી ચાલે.
આમ નવું વરસ તો ક્યારે પુરુ થઈ જાય એ ખબર જ ન પડે. અમ બાળકોની મજા તો “દેવદિવાળી” સુધી ચાલે. જેનાં સુંદર સંભારણાંઓ તો આખું વરસ યાદ આવે . મોસાળની દિવાળી પણ એટલીજ સરસ અને ઉમંગસભર હતી .