મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.

દરેક અનાવિલો વાંચે અને વિચારે એવી વિનંતી છે

આપણા દરેક ગામોની એક ખાસિયત હતી/છે જેમાં દરેક જ્ઞાતિના લોકો જ્ઞાતિ મુજબ અલગ અલગ સંકુલ થોડા થોડા અંતરે બનાવીને રહેતા હતા અને એ સંકુલ જે તે જ્ઞાતિના નામે ઓળખાતા.. જેવા કે...

દેસાઈ વાડ

બામણ વાડ

વાણિયા વાડ

સોની વાડ (ફળિયું)

સુથાર વાડ

લુહાર વાડ

દુબર વાડ (હળપતિ)

ભરવાડ વાડ

કોળી વાડ

ઘોડિયાવાડ

માંહ્યવંશી ફળિયું

માછીવાડ

આનું કારણ હતું કે દરેક જ્ઞાતિની રહેણી કરણી, ખાણી પીણી, રીતિ રિવાજ અલગ અલગ હતા એટલે એક જ્ઞાતિના લોકો બીજી જ્ઞાતિના લોકો વચ્ચે કોઈ સંઘર્ષ કે ઘર્ષણ ન થાય આમ આપણા વડવાઓની કેટલી દુરંદેશી હતી એ વાત ઉપરથી ધ્યાનમાં આવે છે

અનાવિલોના ગામ તુટતા જાય છે લોકો ગામ છોડીને સંતાનોના શિક્ષણના નામે કે શહેરી જીવન જીવનના લોભે ગામના મોટા ઘર છોડીને વાપી, ઉદવાડા, કે પારડી માં રહેવાનું શરૂ કર્યું છે અને મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ વગેરે જગ્યાએ સ્થાયી થયા અને ગામનાં ઘર ખાલી પડ્યા છે જેને ઘણા અનાવિલોએ ભાડા ઉપર કે વેચી કાઢ્યા છે.

જે ઘરો આપણા બાપ દાદાઓએ ખુબજ મહેનતથી અને જતનથી બનાવ્યા છે અને જે ઘરો એટલા પવિત્ર મનાતા કે ઇતર જ્ઞાતિના લોકો એ ઘરમાં તો શું પરંતુ ઓટલો ચઢવાની હિંમત ન કરતા અને ચોકમાંથી જ વાતો કરીને જતા રહેતા અને એજ ઘરોમાં હવે એ લોકો ઠાઠ થી 500/1000 રૂપિયા ભાડું આપીને શાનથી રહે છે

જે પૂજા રૂમમાં આપણા માતા પિતા પૂજા કરતા, જે રસોડામાં આપણી માતા સ્નાન કર્યા સિવાય જતી ન હતી ત્યાંજ ઇતર જ્ઞાતિ બે ધડક હક્કથી (500 રૂપિયા ભાડામાં) પ્રવેશ કરે ત્યારે આપણા એ ઘરની મર્યાદા લોપાય જાય છે અને આપણા સ્વર્ગસ્થ વડીલોનું દિલ દુભાતું હશે એમ નથી લાગતું ?એઓ સંતાન ને બદ દુઆ તો ન આપે પરંતુ એમનો આત્માને જરૂર દુઃખ પહોંચતું હશે એમ મારું માનવું છે.

આપણા મોટા ભાગનો સમાજ મુંબઈ સ્થાયી થયો છે જ્યાંથી આપણા ગામમાં વધારેમાં વધારે 3 કલાકમાં પહોંચી શકાય છે. આપણે વર્ષમાં ઓછામાં ઓછા 3 થી 4 વાર વાપી/ઉદવાડા લગ્ન પ્રસંગે કે મરણ પ્રસંગે સહકુટુંબ જઈએ છીએ પણ એ હોલ થી 15 મિનિટ ના અંતરે આવેલું આપણું ગામ આપણું ઘર જોવા આપણે નથી જતા કે નથી આપણા સંતાનને આપણું ગામ કે ઘર બતાવતા... મુંબઈ તો છોડો જે લોકો વાપી, ઉદવાડા, પારડી રહે છે તેઓ પણ એમનાં ગામની મુલાકાત ભાગ્યેજ લે છે જે ખરેખર આપણે બધાએ વિચારી કંઈક નક્કર પગલાં લેવા જોઈએ.

કોરોના કાળમાં વતન નું ઘર કેટલું ઉપયોગી છે એ જેમના ઘર ગામમાં છે એમને અને જેમના ઘર નથી એ બન્નેને સમજાય ગયું.

અમારા ગામ પંડોરમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 8 નવા ઘર બન્યા(બંગલા) સંપૂર્ણ સુવિધા સાથે, 4 ઘર રીનોવેટ થયા. ડુંગરી, નામધા,દસવાડા, દાદરા જેવા ગામોમાં પણ ઘણા નવા ઘરો બનાવ્યા આમ ધીમે ધીમે ગામ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે જે એક સારી નિશાની છે.

માદરે વતનમાં જે લોકો નવું ઘર બનાવશે અને એ માહિતી અનાવિલ ખબરદારમાં share કરવાની ઈચ્છા ધરાવતા હોય તો અનાવિલ ખબરદાર મંચ અનાવિલો જોડે એ માહિતી share કરશે.

છેલ્લે એટલીજ વિનંતી છે કે બાપ દાદા ની યાદગીરી રૂપી આપણા વતનનું ઘર આપણે જાળવીએ અને એમની સ્મૃતિ જાળવીએ.જો ઘર ભાડા પર આપવુંજ હોય તો કોઈ સારી વ્યક્તિને આપો અને જો વેચવું જ હોય તો ફક્ત ગામનાં અનાવીલને જ વેચો. દરેક ગામનાં અનાવિલોએ પોતાના ગામમાં એવો ઠરાવ પસાર કરવો જોઈએ કે ગામનો કોઈ પણ અનાવિલ પોતાનું ઘર અનાવીલને જ વેચી શકે.

લિ. aનિલ deસાઈ.

પંdor

18.05.2022


અનિલભાઈ ભુલાભાઈ દેસાઈ

લેખ- 1

શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈના ઐતિહાસિક 100 વર્ષની સિધ્ધિ બદલ અનાવિલ કેળવણી મંડળને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા...

આપણા અનાવિલ કેળવણી મંડળની સ્થાપના ઈસ.1924 માં એટલે કે અખંડ ભારતની ગુલામીના કાળ ખંડમાં દેશ આઝાદ થયો એના 23 વર્ષ પૂર્વે 1924 માં થઈ જ્યારે ગણ્યા ગાંઠ્યા લોકો માંડ સાતમું ધોરણ સુધી પહોંચ્યા હતા અને ઘણા લોકો નિરક્ષર હતા જેમાંથી મહિલાઓ બહુમતીમાં હતી.

આજથી 100 વર્ષ પહેલાં કેળવણી માટે કોઈ અનાવિલોનું મંડળ હોવું જોઈએ એવી પરીકલ્પના આપણા વડવાઓ એ કરી એટલુંજ નહિ એ કલ્પનાને સાકાર કરી મંડળની સ્થાપના કરી અને એ પછીની પેઢીએ એ મંડળને સતત ધબકતું રાખી મંડળને સતત પ્રગતિના પથ પર અગ્રેસર બનાવ્યું એ તમામ મહાનુભાવોનું ઋણ સ્વીકાર કરી એમનું અત્રે અભિવાદન કરીએ છીએ.

કોઈ પણ સામાજીક સંસ્થા કે મંડળની સ્થાપના કરવી એ બહુ સહેલું છે પરંતુ એને સફળતા પૂર્વક 100 વર્ષ સુધી ચલાવવું એ ખરેખર આપણા અનાવિલો માટે ગૌરવ લેવા જેવી ઐતિહાસિક ઘટના કહી શકાય...આપણા અનાવિલો માટે આરંભે શૂરા એ કહેવત આપણે બધા મળીને ખોટી પાડી એ માટે ફરી એકવાર આપણે સૌ ગૌરવના અધિકારી છીએ

શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈએ આપણા વિદ્યાર્થીઓને પાયાનું અને ઉચ્ચ શિક્ષણ માટે ખુબજ ઉમદા કાર્ય કર્યું છે.

મંડળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને બીજા દરેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન સ્કોલરશીપ આપે છે ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન ઉપરાંત લગ્નોચ્છુક યુવક યુવતીઓ માટે પુસ્તક પ્રકાશિત કરી સમાજના યુવક યુવતીઓ માટે યોગ્ય જીવન સાથી મેળવવામાં સહાયભૂત થાય છે. સતત ઘટતો જતો વ્યાજદર અને સતત મોંઘું થતું જતુ શિક્ષણને કારણે વધતી જતી લોનની માંગને કારણે મંડળ હંમેશા નાણાકીય ભીડમાં રહે છે એ અને અનાવિલ વિદ્યાર્થીઓનાં ઉજવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સમગ્ર અનાવિલ સમાજે મંડળના શતાબ્દી ભંડોળ અભિયાનમાં દિલ ખોલીને જ નહીં પણ તિજોરી ખોલીને મંડળને સહાય કરી મંડળને આર્થિક રીતે મજબુત બનાવવામાં મજબૂત સહયોગ આપ્યો એ બદલ અનાવિલ ખબરદારના તમામ સભ્યો તરફથી અનાવિલ દાતાઓ, મંડળનાં ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, કારોબારીના સભ્યો અને કાર્યકર્તાઓ ખુબ ખુબ અભિનંદન......અને અનાવિલ કેળવણી મંડળ શતાબ્દી ભંડોળ અભિયાનના કન્વેનર શ્રી રાજુભાઈ ને વિશેષ અભિનંદન

મંડળની સ્થાપ્નાથી લઈને 100 વર્ષ સુધી મંડળની તન,મન,ધનથી સેવા કરનારા દરેક અનાવિલ સભ્યોનો પણ અનાવિલ ખબરદાર ગ્રુપ તરફથી ખુબ આભાર અને ધન્યવાદ.

આજે મંડળ દ્વારા અનાવિલ હોલ વાપી ખાતે આયોજીત શતાબ્દી વર્ષની ઉજવણી અને સંગીત કાર્યક્રમ માટે મંડળને અગ્રીમ શુભેચ્છા.

લિ.

અનાવિલ ખબરદાર ગ્રુપ વતી...

અનિલ બી. દેસાઈ

(પંડોર -કાંદીવલી )ના જય અનાવિલ.

08.03.2025

*********************

શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈ શતાબ્દી મહોત્સવની શાનદાર ઉજવણી

શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈ (સ્થાપના 1924) ની શતાબ્દી વર્ષની ઉજવણી અનાવિલ હોલ વાપી મુકામે શનિવાર તા. 08.03.2025 નાં રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં એક હજાર કરતા વધારે અનાવિલો સહભાગી થયા.

મંડળના 100 વર્ષની ઉજવણી (એ મહા કુંભની 144 વર્ષ પછી આવતી ઉજવણીની જેમ) માં સહભાગી થવાનું સૌભાગ્ય વર્તમાન પેઢીના નસીબમાંજ હોય છે.

મંડળ દ્વારા મંડળના સંસ્થાપકો સહિત મંડળના ભૂતપૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીગણો, પદાધિકારીઓને યાદ કરી સર્વ મહાનુભાવોની તસ્વીર લગાવી... ભૂતપૂર્વ મહાનુભાવો જેમાંથી ઘણા મહાનુભાવો જેમને આજની પેઢીએ જોયા પણ નથી એમની તસ્વીર જોવાનો રોમાંચ કંઈ અલગજ અનુભુતી એમના પરિવારજનોને અને બીજા દરેક અનાવિલોને કરાવ્યો એ બદલ મંડળના દરેક ટ્રસ્ટીઓ સહિત કારોબારીના સભ્યોને અભિનંદન....

મંડળની સ્થાપનાથી લઈને વર્તમાન સુધીના સંસ્થાપકો, ટ્રસ્ટીગણ, પદાધિકારીઓને સાંકળી લઈ સુંદર સ્મરણીકા પુસ્તિકા ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન...

મંડળ દ્વારા શતાબ્દી ભંડોળ અભિયાનમાં રુ. 10 લાખ કરતા વધારે દાન આપનાર દાતાઓનું જાહેર સન્માન કર્યું એ બદલ અભિનંદન...

અતિથી વિશેષ મહાનુભાવો, અનાવિલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓ ઉપરાંત અનાવિલ મેડિકલ મંડળનાં ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને મંડળના ઓડિટરોને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું અને સન્માન કર્યું એ બદલ ખુબ ખુબ અભિનંદન.

એજ દિવસે મંડળ દ્વારા આયોજીત સ્નાતક ગૌરવ સમારોહના આયોજનમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું અને એ દિવસે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં 3 અનાવિલ મહિલાઓને અતિથી વિશેષ તરીકે સ્ટેજ ઉપર સ્થાન આપી શાલ ઓઢાડી અને બુકે આપી સન્માન કર્યું અને અનાવિલ મહિલાને કાર્યક્રમના એન્કર તરીકે પસંદ કરી મહિલા દિવસે અનાવિલ મહિલાઓનું સન્માન વધાર્યું એ બદલ અભિનંદન...

બપોરે 3 વાગ્યાથી (કાર્યક્રમ શરૂ થયો એ પહેલાથી) ચા અને બિસ્કિટ થી શરૂઆત કરી અને સ્નાતક ગૌરવ સમારોહ દરમ્યાન ગરમાગરમ નાસ્તો અને જ્યુસ હાજર રહેલ દરેક સભ્યોને પોતાના સ્થાન પર આપવા બદલ અભિનંદન....

રાત્રે સ્વાદિષ્ટ ભોજન.....અને ત્યાર બાદ સંગીતની સુરીલીબમહેફિલ અને એ સંગીતની મહેફિલ દરમ્યાન આઈસ્ક્રીમ with ફાલુદા....અપ્રતીમ વ્યવસ્થા, અપ્રતીમ ભોજન બદલ અભિનંદન...

આ સંપૂર્ણ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા બદલ મંડળના ટ્રસ્ટીગણ, પદાધિકારીઓ અને કારોબારીના સભ્યોને અઢળક અભિનંદન...

લિ.

અનિલ ભુલાભાઈ દેસાઈ

પંડોર-કાંદીવલી નાં જય અનાવિલ.

9320035367

10.03.2025

અનાવિલ કેળવણી મંડળ ના ૧૦૦ વર્ષ નિમિત્તે

લેખ-2

અનિલભાઈ ભુલાભાઈ દેસાઈ દ્વારા

લેખ -૩

અનિલભાઈ ભુલાભાઈ દેસાઈ દ્વારા

[27/07, 14:09] Anavil Khabardar: વ્યક્તિ વિશેષ શ્રી કનુભાઈ

આપ સૌ જાણો છો કે આપણો પારડી તાલુકો રાજકીય દ્રષ્ટિએ પછાત વિસ્તારમાં આવતો હતો અને કોઈ પણ ઉજળીયાત વિધાનસભાની બેઠક માટે લાયક થતા ન હતા.

૨૦૧૨ માં પારડી તાલુકો સામન્ય કેટેગરીમાં આવતા ઉજળિયાત લોકો માટે વિધાનસભાના દરવાજા ખુલી ગયા અને એનો સૌથી પહેલો લાભ ભારતીય જનતા પાર્ટીએ અનાવિલ સમાજને આપવાનું ઠરાવ્યું અને ઉમરસાડીના વતની શ્રી કનુભાઈ મોહનભાઇ દેસાઈ ને વિધાનસભા ની ટિકિટ આપી અને ૨૦૧૨ માં શ્રી કનુભાઈ દેસાઈ અનાવિલ સમાજના પારડી તાલુકાના પ્રથમ વિધાન સભ્ય બનીને ઇતિહાસ સર્જ્યો.

એમની ગયા ૫ વર્ષની કામગીરી જોઈને એમના પક્ષે ૨૦૧૭ માં પાછી ટિકિટ આપી. ગુજરાતમાં ૫૦% કરતા વધારે વિધાનસભ્યોને ટિકિટ પાછી મળી ન હતી એ મેળવીને અને જ્યારે અડધોઅડધ વિધાનસભ્યોએ પોતાની બેઠક ગુમાવી ત્યારે શ્રી કનુભાઈએ એમની કામગીરી દ્વારા પોતાની બેઠક પર ૨૦૧૭માં પણ અનાવીલનો દબદબો જાળવી રાખીને પ્રતિસ્પર્ધીને લગભગ ૫૦,૦૦૦ જેટલા મતોથી પછડાટ આપીને અનાવીલનું નામ રોશન કર્યું છે.

માંડ ૧૫૦૦૦ ની વસ્તી ધરાવતો આપણો અનાવિલ સમાજ અને એમાં પણ ૫૦% કરતા વધારે અનાવિલો તાલુકા બહાર વસતા હોય ત્યારે આ વિજય આપણા અનાવિલો માટે ગૌરવ લેવા જેવી ઘટના છે અને એનું સંપૂર્ણ શ્રેય શ્રી કનુભાઈને જાય છે.

આપણો સમાજ રાજકીય દ્રષ્ટિએ ખુબજ પાછળ છે ત્યારે શ્રી કનુભાઈ જેવી વ્યક્તિના નેતૃત્વમાં બીજા અનાવિલો પણ રાજકારણમાં આગળ આવે એ આપણા સમાજ માટે લાભદાયી રહેશે.

ફરી એકવાર સમગ્ર અનાવિલ સમાજ તરફથી શ્રી કનુભાઈનેખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

લિ.અનિલ ભુલાભાઈ દેસાઈ પંડોર/કાંદીવલી

19.10.2017

લેખ -4

મૂળ લેખ- દિલીપભાઈ દેસાઈ -ઊમર સાડી

અનિલભાઈ ભુલાભાઈ દેસાઈ દ્વારા

કેરી અને ચીકુ એ આજથી 50 વર્ષ પહેલાં તાલુકાના અનાવિલો ની આવક નો મુખ્ય સ્ત્રોત હતો. આજે કેરી ની ખેતી ચિંતન ની સાથે સાથે ચિંતા નો વિષય બની ગયો છે, ચીકુ નો પાક પણ છેલ્લા પાંચેક વર્ષ થી ઓછો થઈ રહ્યો છે. વર્ષો પહેલા કેરી ની સિઝન એક થી દોઢ મહિનો ચાલતી હતી, તેનો સમય વર્ષો વર્ષ ઘટતો ગયો . મને યાદ છે ત્યાં સુધી ફક્ત ઉમરસાડી ગામ માંથી જ રોજની ત્રણ થી ચાર ટ્રક કેરી ના ટોપલા ભરાઈને કાર્ફડ માર્કેટ મુંબઈ જતી હતી, આજે કેરીની સિઝનના સમયમાં ઘટાડો થતાં થતાં આ વર્ષે એટલે કે 2025 મા 20 જ દિવસ માં માર્કેટ બંધ થઈ ગઈ તે ઘણી જ દુઃખદ બાબત કહેવાય. ગ્લોબલ વોર્મિંગ ના કારણે ખેતી અને માનવ જીવન ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે.

એમાં પણ આ વર્ષે એટલે કે 2025 માં મે મહિના ના પ્રથમ અઠવાડિયા માં 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો અને ખેડૂતો માટે તો પડતાં પર પાટુ હોય એમ મે મહિના ના ત્રીજા અઠવાડિયા પછી પાછો વરસાદ પડ્યો એટલે ખેડૂતો ને કેરી ની આવક તો છોડો પોતાની વાડી ની કેરી પણ ખાવા ન મળી અને કેરી બગડી ગઈ.

હાલ ના સમય માં કેરી ચીકુ નો પાક ઓછો થાય તો પારડી તાલુકાના લગભગ 10 થી 15% અનાવિલોની આવક ને જ અસર થતી હશે કારણ કે અનાવિલો માં શિક્ષણનું પ્રમાણ વધતાં અને શહેર તરફ પ્રયાણ કરતાં ખેતી પર નભતાં અનાવિલો ની ટકાવારી ઘણી ઓછી થઈ ગઇ છે, પરંતુ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે આજ કેરી ચીકુ ની આવક માંથી આપણા બાપદાદા ઓએ એમના દીકરાઓને 5 થી 10 હજાર માં પાઘડી સિસ્ટમથી મુંબઈ માં રૂમો લઇ આપી હતી એમાં અનાવિલો એ એમની સૂઝ બુઝ, હોશિયારી અને મહેનત થી પ્રગતિ કરી ને સુખ-સંપન થયા.

આજે પારડી તાલુકાના અનાવિલો ના ગામમાં ચણોદ, છીરી, કરવડ, રાતા, ટુકવાડા, મોરાઈ જેવા ગામોમાં અનાવિલો દ્વારા કરવામાં આવતી ખેતી નું પ્રમાણ નહિવત થઈ ગયું હોય એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. હવે પરિયા, ડુંગરી અને ઉમરસાડી જેવા ગામો માં પણ ઇન્ડસ્ટ્રીઝ નો પગપેસારો થઈ રહ્યો છે.

જે રીતે આજ થી ત્રીસેક વર્ષ પહેલા અનાવિલો ની પ્રિય એવી વાલનીદાળ અને વાલ માટે વાલની ખેતી કરવાનું લગભગ બંધ થઈ ગયુ અને આ જ રીતે ચાલતું રહેશે તો આંબાવાડી ની ખેતી પણ અનાવિલો દ્વારા ધીમે ધીમે નહિવત થઈ જાય તો નવાઈ નહીં, કારણકે આંબા ની ખેતી હવે ખર્ચાળ સાબિત થઇ રહી છે જેથી આજનો યુવાન ખેતી થી દૂર જઇ રહ્યો છે અને ઇન્ડસ્ટ્રીઝઓ ગામ માં આવવાના કારણે જમીનો ના ભાવ ઉંચા જવાથી અનાવિલો જમની વેચી રહ્યા છે, એટલે વાલ ની જેમ કેરીની (ખેતી) આંબાવાડીથી અનાવિલો દૂર થઈ જશે એવું મને લાગી રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગ ના કારણે માનવજીવન પર અને ખેતી ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે અને દિવસે દિવસે એમાં વધારો થઇ રહ્યો છે, આજે વિશ્વ પર્યાવરણ ના દિવસે આપણે સંકલ્પ લઈએ કે દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉગાડે જો એ પણ શક્ય ના હોય તો જ્યારે આપણે ટ્રેન માં કે કાર માં જતાં હોય ત્યારે કેરી નો ગોટલો કે અન્ય કોઈપણ વૃક્ષ કે જેનો ઠળિયો જમીન પર નાખવાથી વૃક્ષ ઉગી નીકળે તે રોડ ની બાજુમાં જ્યાં માટી હોય ત્યાં નાંખીએ. પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે, તો ચાલો આજે આપણે સંકલ્પ લઈએ અને આપણા માટે અને આવનાર પેઢી માટે પર્યાવરણનું રક્ષણ કરીએ.

દિલીપ જી દેસાઈ

ઉમરસાડી /પારડી

તારીખ: 5-6-2025

લેખ-5

અનિલભાઈ ભુલાભાઈ દેસાઈ દ્વારા

27/07, 14:42 - Anavil Khabardar:  

અનાવિલ ગૌરવ 

શ્રી રમેશભાઈ મણીભાઈ વશી ગામ વલવાડા હાલ વાપીના રહેવાસી , "સિનિયર સિટીઝન કાઉન્સિલ ના પ્રમુખ" ને અખિલ ભારતીય વરિષ્ઠ નાગરિક મહાસઁઘ દ્વારા તા.૪.૧૧.૧૭ ના રોજ BEST SENIOR CITIZEN MALE (URBAN AREA) AWARD થી નવાજવામાં આવ્યા છે.

સિનિયર સિટીઝન કાઉન્સિલના દેશવ્યાપી ૧૮લાખ સભ્યો છે અને હજારોની સંખ્યામાં કાઉન્સીલ છે તેમાંથી વાપી જેવા નાનકડા નગર ની કાઉન્સીલના પ્રમુખ ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા એ પણ એક પ્રથમ અનાવિલ તરીકે નામના મેળવી એ ધન્યવાદ ને પાત્ર છે.

શ્રી રમેશભાઈ ૨૦૧૧થી કાઉન્સીલના પ્રમુખ તરીકે સતત ચૂંટાતા આવ્યા છે અને ૨૦૧૭થી ૨૦૨૦ માટે બિનહરીફ ચૂંટાયા છે.

એમના પ્રમુખપદ હેઠળ કાઉન્સીલે ધર્માદા દવાખાનનું મકાન નવેસરથી તૈયાર કરીને કાઉન્સીલના સભ્યો માટે વિશાળ હોલ બનાવ્યો જેનો લાભ અનાવિલોને પ્રાર્થના સભા માટે રાહતના દરે ઉપલબ્ધ કરાવી આપ્યો.

આ ઉપરાંત કાઉન્સીલના નેજા હેઠળ ભાગવત કથા અને શિવકથાનું આયોજન કર્યું અને આ ડિસેમ્બર માં રામ કથાનું આયોજન પણ કર્યું છે.

કાઉન્સીલના નેજા હેઠળ જરૂરિયાતમન્દ લોકોને રાહતના દરે દવા ઉપલબ્ધ કરાવી, વિધવા સહાય, શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને ગામડાઓમાં મચ્છરદાની વિતરણ જેવી અનેક સમાજ ઉપયોગી સેવાઓ કરી છે.

(*આજે ૭૮ વર્ષની ઉંમરે સતત પ્રવૃત્તિશીલ જીવન જીવીને એક ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે.*

સામન્ય રીતે માણસની જિંદગીમાં ટેસ્ટ મેચ ની જેમ બે ઇનિંગ હોય છે , એક પ્રવૃત્તિમય જીવન અને બીજું નિવૃત જીવન.

જ્યારે શ્રી રમેશભાઈ એ વાપી હાઈસ્કૂલમાં લગભગ ૩૦ વર્ષ શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ નિવૃત થઈને એક સફળ TOUR OPERATOR તરીકે દેશ વિદેશમાં TOURનું સફળ આયોજન કરીને નામના મેળવી.

આ ઉપરાંત ૧૯૯૫ થી ૨૦૦૦ સુધી વાપી નગરપાલિકામાં નગરસેવક તરીકે સેવા આપી અને અત્યારે ૨૦૧૧ થી સતત કાઉન્સીલના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે.

આમ એઓ જીવનમાં હમણાં સુધી ૪ ઈંનિંગ રમી ચુક્યા છે અને દરેક ઈનિંગમા શાનદાર દેખાવ કરીને અણનમ રહ્યા છે.

ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ.

અનિલ ભુલાભાઈ દેસાઈ પંડોર/કાંદિવલી. 9320035367.

16.11.2017

લેખ -6

શ્રી અનિલભાઈ ભુલાભાઈ દેસાઈ દ્વારા

હનન લઇ જવાની પ્રથા

આપણા સમાજે ઘણી પ્રથાઓને સમય પ્રમાણે બદલાવ આપીને સમયને અનુરૂપ નવી પ્રથા અપનાવી છે.

દા. ત. પહેલા મૃત્યુ થાય પછી રવિવાર અને મન્ગળવારે સાદડી રાખતા ન હતા અને સાદડી પણ મરણના ત્રીજા, પાંચમા અથવા સાતમા દિવસે રાખતા હતા જે હવે સન્જોગો અનુસાર બીજા દિવસથી લઈને રવિવારે પણ રાખે છે.

આ ઉપરાંત પહેલા સાદડી જેવુ રાખતાજ ન હતા સગા વ્હાલાઓ ૧ મહિના સુધી સમય કસમયે મૃત પામનાર વ્યક્તિના ઘરે જતા હતાઅને પિયર અને સાસરે અલગ અલગ જગ્યાએ જતા હતા હવે એકજ સ્થળે એકજ દિવસે અને એકજ સમયે સઁયુક્ત સાદડી રાખવામા આવે છે જે ખુબજ આવકારદાયક પગલુ કહી શકાય.

હવે એક બીજા સુધારાની આવશ્યકતા છે જે હનન લઈ જવાની પ્રથા. અગાઉના જમાનામાં સન્દેશ વ્યવહારની વ્યવસ્થા ખૂબજ ખુબજ ઓછા પ્રમાણમાં હતી એટલે મરનારના સંબંધીઓ સાસરામાં કે પિયરમાં જઈને સ્નાન કરતા અને ગામ વાળાને સ્નાન કરીને સમાચાર આપતા જે સ્નાન* નું અપભ્રંશ થઈને હનન થયુ જે આજની તારીખમાં પણ ચાલુ છે જેનું આજના સમયને જરાપણ અનુરૂપ નથી અને સમયનો વેડફાટ છે.

જરૂર છે કોઈ વ્યક્તિ પહેલ કરીને આ પ્રથા બન્ધ કરે અને એને આ માધ્યમ પ્રસિદ્ધિ આપીએ તો આ પ્રથા પણ બન્ધ થાય જે સમાજના હિત માં છે.

આ મારો અંગત અભિપ્રાય છે જે મને આવકાર્ય લાગે છે કદાચ બીજાઓને ન પણ લાગે તો માફ કરશો.

અનિલ ભુલાભાઈ દેસાઈ પંડોર/કાંદિવલી.

9320035367

21.11.2017

લેખ-7

વિભુતિબેન દેસાઈ ઘાસવાલા - બિલીમોરા

અનાવિલોનાં વર્ષો પૂર્વેના કેટલાક રિવાજો જો કે હવે આવું થતું નથી. આપણી જ્ઞાતિમાં દરેક પ્રસંગે કન્યા પક્ષ વાળાએ પૂરી, વડા, લાડવા વર પક્ષની માંગણી મુજબ આપવાના હોય. વર પક્ષની મહિલા વૃંદમાં, ખાસ તો વરની માને માગણી કરતાં ઓછું જણાય તો ત્રાજવે તોકતાં અને ઓછું નીકળે તો વહુને ઉંબર બહાર ઊભી રાખતાં, જ્યાં સુધી

માગણી મુજબ પૂર્ણ ન થાય ત્યાં સુધી.આ અંગે મારી માતાએ કહેલી વાત યાદ છે. એમના પિયરનાં ગામમાં સીમંત પ્રસંગે વહુના પિયરથી આવેલા લાડવા પૂરી વડામાં વડા ઓછા લાગતા સાસુ એ તોકેલા અને ખરેખર ઓછા નીકળ્યા એટલે જ્યાં સુધી વડા માંગણી મુજબ ન આવ્યા ત્યાં સુધી વહુ ને બહાર ઉભી રાખેલી આમાં કદાચ કન્યા પક્ષે એવી ગણતરી હશે કે વડામાં કોણ ધ્યાન આપવાનું ? સામાન્ય રીતે લાડવા પૂરી જ જોવાય એટલે પાંચ શેર વળા ઓછા મુકેલા.

આપણી જ્ઞાતિમાં બીજો એક રિવાજ સુવાવડ શેત્રંજી આપવાનો હતો જાન માંડવામાં આવ્યા અને જાનૈયા સ્થાન ગ્રહણ કરે ત્યારે દીકરાની માને જ્યાં સુધી સુવાવડ શેતરંજી ન આપે ત્યાં સુધી એ સ્થાન ગ્રહણ ન કરે શેતરંજી એટલે સરસ મજાનો કિંમતી ગાલીચો.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા

બીલીમોરા.

લેખ 8

આ લેખ એક ગ્રુપમાં હતો પણ સુંદર છે - અજ્ઞાત

અનાવિલ સમાજમાં વાલ નો ઈતિહાસ

વાલનો પણ જમાનો હતો, કોણ માનશે? એક સમય હતો ત્યારે ગામડાંના દરેક ઘરમાં અઠવાડિયામાં એક સાંજે વાલનું શાક બનતું.અઠવાડિયામાં બીજી એક સાંજ વાલની દાળના શાકના નામે હતી. જ્યારે સિંચાઇની સગવડ નહોતી ત્યારે ડાંગર કાઢયા પછી ખેડૂતો ક્યારામાં વાલ કે મગ વાવતા. બે મહિનામાં વાલ અને મગનો પાક ઉતરતો. ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોમાં વાલ,વાલની દાળ,મગ,મગની દાળના શાકનું ભારે ચલણ હતું. ચણાની દાળનો ઉપયોગ દૂધી સાથે મિશ્ર શાક બનાવવામાં થતો જ્યારે મગ,મગની દાળ,વાલ અને વાલની દાળનું શાક તરીકે સ્વતંત્ર અસ્તિત્વ હતું.

વાલનું શાક સૂકું અને રસાવાળું બંને રીતે થતુ. વાલના સૂકા શાકની સાથે કાંદો પણ પીરસાતો.વાલ અને કાંદાનો સબંધ જોડિયા ભાઇ જેવો હતો.વલના સૂકા શાક ઉપર તેલની ધાર રેડવી પણ અનિવાર્ય હતું. વાલની સાથે રોટલો જ શોભતો. રસાવાળા વાલનું શાકનો એક જમાનામાં ભારે ઠાઠ હતો. વાલનું શાક તૈયાર થાય એટલે વઘારિયામાં તેલમાં ચપટી હીંગની સાથે આખા લાલ મરચાંનો વઘાર થતો. આ વઘારની સુગંધ ઘરના આગલા ઓરડા સુધી પહોંચતી અને આખા ઘરમાં ‘વાલ ખાઉં,વાલ ખાઉં’નો સમો બંધાઇ જતો. રસાદાર વાલના શાકમાં તેલની ધાર પાડીને,બેત્રણ ચમચી દહીં મીક્ષ કરીને વાલ અને રોટલાને બરાબર ઝાપટવામાં(ખાવામાં) આવતા. રસાદાર વાલનું શાક હોય,તેલ હોય,દહીં હોય એટલે બે રોટલા ખાનારો ત્રણ રોટલા ખાઇ જતો.વાલનું શાક ખાધા પછી મોડી રાતે વાછૂટનો અવાજ થતો એટલે ‘વાલ બોલે છે’ એમ કહેવાતું. વાલનું શાક ગોળ આમલી નાખીને પણ બનાવાતું અને એનો ટેસ્ટ કાંઇ જુદો જ રહેતો. જો કે વાલ મોહતાજ હતા ફક્ત દહીં અને તેલના.વાલ અને દહીં એટલે જાણે ગંગા જમુનાનો સંગમ..લાડુની સાથે પણ વાલ સિતાર અને તબલાની જેમ સંગત કરી જાણે...! કાળી પાપડીના વાલ અને કતારગામની પાપડીના વાલ,બંનેનો સ્વાદ જુદો.કતારગામની પાપડીના લીલવાની વાત જ જુદી.નવી પેઢીને પણ લિલવાના શાકમાં હજુ રસ ખરો ! કઢી,ભાતની સાથે લીલવા જમવાનો આનંદ પણ બ્રહ્માનંદ જેવો..! જો કે વાલ આરોગવાના શોખીન કતારગામની પાપડીના વાલને બદલે કાળા વાલની પાપડીના વાલ વધારે પસંદ કરે.

વાલની જેટલી વાત કરીએ એટલી ઓછી પણ વાલની દાળની વાત કરવી જ પડે એમ હોવાથી વાલની વાત કરવાનો લોભ જતો કરીએ.રસ,પુરીનું જમણ હોય અને વાલની દાળનું શાક ના હોય તો એ જમણ અધુરૂં જ..! વાલની દાળના શાકમાં તેલનો છાંટો ના હોય તો એ શાક નકામું.મને વાલનું શાક અને રોટલા આરોગવાના ગમે પણ એક તરફ વાલ અને રોટલો હોય અને બીજી તરફ તેલના છાંટાવાળી વાલની દાળ અને રોટલો હોય તો મારો જમણો હાથ એ તરફ જ વળે.દહીં મીશ્રિત વાલ અને તેલના છાંટાવાળી વાલની દાળ હોય તો મનની સ્થિતિ ‘‘મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં ’’ જેવી બની રહે.વાલને બે દિવસ ભીના કપડાંમાં ભીંજાયલા રાખીને વાલને અંકુર(ફણગો) ફુટે પછી વાલના છોતરાં કાઢીને(તારાં છોતરાં કાઢી નાખા..! યાદ કરો) જે વાલની દાળનું શાક બને એને સિબ દાળ કહેવાતી.ભૂલ ના પડતી હોય તો ઘણાં એને સળંગ દાળ પણ કહે છે.એ પણ જમાનો હતો જ્યારે ઘરવાળી થાળી લઇને વાલમાંથી વાલની દાળ કાઢતી હોય ત્યારે ઘરનો પુરૂષ એની સામે બેસીને,ઢળતી સાંજે સિબદાળ અને રોટલા ખાવાના આનદં માણવાની મધુર કલ્પનામાં વિહરતો જોવા મળતો.વાલની જેમ વાલની દાળ સાથે પણ થાળીમાં કાંદાની હાજરી અનિવાર્ય.વાલની દાળ હોય,કાંદા હોય પણ મેથિયું અથાણું ના હોય તો બે ચાર જણા ‘અલ્યા,મેથિયું અથાણું લાવો તો ’ એવી બુમ જરૂર પાડે...!

વાલ,વાલની દાળની વાત કર્યા પછી વાલની દાળના ખાટુંની વાત કરીને વાત પૂરી કરીએ. ખાસ કરીને અનાવિલ જ્ઞાતિમાં વાલની ભાત,દાળનું ખાટું અને કઢી જમવાનો મોટો મહિમા હતો.રોજ તુવરની દાળ અને ભાત જમીને કંટાળેલો દેસાઇ પુરૂષ વર્ગ ‘આજે વાલની દાળનું ખાટું અને કઢીભાત બનાવ’ એવી ફરમાઇશ કરે. આવી ફરમાઇશ સાંભળીને દેહણ પણ ખુશ થઇ જતી. પતિની ભૂખને પ્રદીપ્ત કરવા માટે સાંજનું વાળુ કર્યા પછી પતિને પૂછતી : કાલે કઢી અને વાલની દાળનું ખાટું કરૂં?’ નેકી ઔર પૂછ પૂછ?’ એવા ભાવ સાથે અનાવલો હા પાડતો અને બીજો દિવસ ઊગે ત્યારથી ખાટું,કઢી અને ભાત ઝાપટવા ઉત્સુક બની રહેતો. વાલની દાળનું ખાટું (કે મગનું ખાટુ) હોય એ બપ્પોરે રોટલીની જરૂર ના પડે..! થાળીમાં ભાતનો ડુંગર,એના ઉપર ખાટું,ઉપર ઘીનો છાંટો અને જાડી નહીં-પાતળી નહીં એવી અને તલવારની ધાર જેટલી જ ખટાશ બહાર પડે એવી કઢી હોય તો જમવામાં જે ઘાટ પડે એવો ઘાટ,લખી રાખો બત્રીસ પકવાનમાં પણ ના પડે..!

પણ...બિચારા એ વાલના વાલ હવે વેરાઇ ગયા છે..! પહેલાં કોઇ ડોસો મૃત્યુ પામે ત્યારે કહેવાતું કે ફલાણા કાકાના વાલ વેરાય ગયા..! કોઇને ધંધામાં મોટી ખોટ જતી ત્યારે કહેવાતું કે એના વાલ વેરાય ગયા..! હવે ખુદ વાલના વાલ વેરાય ગયા છે.