મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .

અજયભાઈ મો.નાયક દ્વારા

અનાવિલ જ્ઞાતિ અંગે થયેલા સંશોધન પરથી ઈતિહાસની જાળવણી માટે દરેક જ્ઞાતિ માટે આવી પ્રવૃત્તિ આવકાર્ય

જ્ઞાતિ વારસો જાળવવા ગામ સ્તરે સ્મૃતિ ઘર સ્થાપવા જરૂરી

અજય મો. નાયક

દરેક જ્ઞાતિના મહાનુભાવોના પ્રદાન અંગે નવી પેઢીને જાણ થાય એ માટે લાઈબ્રેરી અથવા મ્યુઝિયમ મદદરૂપ બની શકે

વર્ષો પહેલાં વિખ્યાત સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતની વિવિધ જ્ઞાતિઓ અંગે મહાજાતિ ગુજરાતી નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં ગુજરાતની અગ્રણી જ્ઞાતિઓ અંગેની લાક્ષણિક્તા હળવી શૈલીમાં લખી હતી. એ પુસ્તકમાં બક્ષીએ ગુજરાતની અગ્રણી જ્ઞાતિનો સમાવેશ કર્યો હતો. મોટા ભાગે તેમનું અવલોકન બધી જ્ઞાતિ માટે લગભગ સાચું હતું. દરેક સમાજ, જ્ઞાતિ વિશે સમયાંતરે આવાં સંશોધનો થતાં રહે છે અને એ આવકાર્ય પણ છે. હાલમાં આવું જ એક સંશોધન વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવસારીનાં ધરા ભટ્ટે અનાવિલ જ્ઞાતિ વિશે કર્યું છે. જોકે એ માત્ર અભ્યાસ જ છે. કદાચ ટીકાત્મક અભ્યાસ નથી. ધરા ભટ્ટે દક્ષિણ ગુજરાતના અનાવિલ : એક અભ્યાસ હેઠળ તેમનો મહાશોધ નિબંધ લખ્યો છે. તેમાં અનાવિલોનો ઈતિહાસ 1000 વર્ષ જૂનો છે અને મોગલકાળમાં પણ લશ્કરમાં ઉચ્ચ પદે હતા એવું નોંધ્યું છે. આઝાદ હિન્દ ફોજના કેસ સમયે બાહોશ વકીલ ભુલાભાઈ દેસાઈએ કહ્યું હતું કે તેમના પૂર્વજો મોગલકાળમાં સેનામાં ભાઠેલા જનરલના નામે સરસેનાપતિ હતા.મતલબ કે અનાવિલ પહેલેથી જ આગળ પડતી જ્ઞાતિ છે. આઝાદીની ચળવળ હોય કે વડાપ્રધાન પદ હોય કે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસની વાત હોય કે કોઈ કંપનીનો વડો હોય, અનાવિલ બધે છે. ધરા ભટ્ટ આગળ લખે છે કે અનાવિલ અગ્રણી કેમ ? તેના જવાબમાં લખ્યું છે કે અતૃપ્ત મહત્વાકાંક્ષા, ધ્યેયસિધ્ધિ પાછળની અવિરત દોડ, અદમ્ય ઉત્સાહ, હઠીલી સમસ્યા ઉકેલવાની તીક્ષ્ણ બુધ્ધિ, અવરોધોનો સામનો કરવાની હિંમત વગેરે લક્ષણોને કારણે અનાવિલો તમામ ક્ષેત્રે આગળ છે.

આ નિબંધમાં કદાચ ઉત્તમ સૂચન કરવામાં આવ્યું છે. ભાવિ પેઢીને જ્ઞાતિ વારસા અંગે અવગત કરાવવા અનાવિલના શહેરોમાં કે ગામડામાં સ્મૃતિઘર, મ્યુઝિયમ બનાવવા જણાવાયું છે. જ્ઞાતિગત સંશોધન, લેખનને ઉત્તેજન આપવા ઉપરાંત દેશ વિદેશમાં વસતા અનાવિલ વતન સાથે સંબંધ જાળવી રાખે તે માટે પ્રવાસ અને ગામડામાં લાઈબ્રેરીનું સૂચન પણ કર્યું છે. આ વાત દરેક જ્ઞાતિને લાગુ પડે છે. શહેરીકરણને કારણે દરેક કોમમાં સમસ્યા છે. નવી પેઢીને ખબર જ નથી કે તેમના પૂર્વજો કોણ હતાં અને કેવાં હતાં ? આ માટે આ દિશામાં નક્કર કામ થાય એ જરૂરી છે.

આ સાથે જ 1963-1964ના અરસામાં હોલેન્ડના એક સંશોધકે પણ પોતાના પી.એચ.ડી. સંશોધન માટે અનાવિલ જ્ઞાતિની લગ્ન પ્રથાને ધ્યાનમાં લઈ અદભૂત કાર્ય કર્યું છે એનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ સંશોધન પછીથી 'કન્યાદાન દાતા પ્રતિગ્રહીતા'ના નામે ગુજરાતીમાં પુસ્તક રૂપે અનુવાદિત થયું હતું. નેધરલેન્ડના ક્લાસ ડબલ્યુ. વાન ડર વીને આ સંશોધન કર્યું હતું. તેનો ગુજરાતી અનુવાદ મગનભાઈ નાયકે કર્યો હતો. દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠનના નેજા હેઠળ 1987માં આ પુસ્તક પ્રસિધ્ધ થયું હતું. ' I give thee my daughter ' મૂળ પુસ્તકનું નામ છે. તેની પ્રસ્તાવના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અને એ સમયના કાયદા પંચના અધ્યક્ષ ડી.એ.દેસાઈએ લખી હતી.

પ્રસ્તાવનામાં જસ્ટિસ ડી.એ.દેસાઈએ લખ્યું છે કે અનાવિલ આત્મકેન્દ્રી વ્યક્તિત્વ ધરાવે છે, એવું મનાય છે. સફળ થવા માટે પણ નમશે નહીં. ઝડપથી પરિવર્તન પામતા સમાજમાં કદમ મિલાવી પ્રગતિ સાધવા માટે આ ખાસિયત અવરોધક છે એમ મનાય છે. આ વિશે મતમતાંતર હોઈ શકે છે પણ અદમ્ય પુરુષાર્થ ગમે એવાં અવરોધોનો સામનો કરવાની પ્રબળ શક્તિ કદાચ આ જ ખાસિયતમાંથી જન્મે છે. પરિણામે સર્વશ્રેષ્ઠ પુરુષાર્થનું જન્મસ્થાન બીજરુપે એમાં જ સંગ્રહાયેલું હોય છે એમ માન્યા વિના છૂટકો નથી. કઠોર પરિશ્રમ અને સિધ્ધિ માટે ગમે તેવા ભોગ આપવાની શક્તિ પણ કદાચ એ જ ખાસિયતનું વરવું સ્વરૂપ છે. એ બધા ગુણોનું સુભગ સંમેલન અનાવિલોને વિશિષ્ટ બનાવે છે.

હકીકતમાં તો હોલેન્ડના સંશોધકે અનાવિલ જ્ઞાતિમાં ચાલતા કુરિવાજો અંગે બૃહદ અભ્યાસ કરી આ પુસ્તક લખ્યું છે. તાપીથી વાપી સુધી સીમિત અનાવિલ જ્ઞાતિ વિશે આવાં સંશોધનો થતાં રહે એ આવકાર્ય જ છે પણ સાથે જ સમાજને આગળ લઈ જવા માટે ઉપયોગી સૂચન કરવામાં આવે છે એ વધુ હિતાવહ છે. ઘણી વાર અનાવિલ જ્ઞાતિને પારસીઓ સાથે ચિંતા દર્શાવવામાં આવે છે એ પણ ખોટું છે. અનાવિલ ભલે નાની જ્ઞાતિ હોય પણ ઝડપથી ભૂંસાઈ જાય એવી સ્થિતિમાં પણ નથી. વાન ડર વીને અનાવિલ જ્ઞાતિના આચાર વિચાર, વ્યવહાર, સંસ્કાર, પ્રણાલિકા અને ગુણોના તલસ્પર્શી અન્વેષણ કરી અદ્વિતીય ગ્રંથ આપ્યો છે. અનાવિલો જેનાથી સારા એવા વગોવાયા તે લગ્નવિધિ સાથે સંકળાયેલા કુરિવાજો અને દુષ્ટ પ્રણાલિકા તથા ઊંચીનીચી શ્રેણીમાં વહેંચાયેલા સમાજના ટીકાત્મક પાસાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નિર્દય રીતે ખુલ્લું પાડીને આપણા સમાજને આત્મનિરીક્ષણ કરવાની મહામૂલી તક પૂરી પાડી છે એવું જસ્ટિસ ડી.એ.દેસાઈ પ્રસ્તાવનાના પ્રથમ ફકરામાં જ નોંધે છે.

પ્રકાશન સમિતિ નોંધે છે કે અનેક ભાષા, ધર્મ અને જ્ઞાતિમાં વહેંચાયેલા ભારતવર્ષમાં અનાવિલ જ્ઞાતિનું એની વિશિષ્ટતા અને મર્યાદાઓને કારણે બહુધા આગવું તો ક્યારેક અળખામણું સ્થાન રહ્યું છે. અલ્પસંખ્યક જ્ઞાતિ હોવાં છતાં પોતાની બુદ્ધિ પ્રતિભા તેમજ અન્ય વિશિષ્ટતાઓને કારણે વિવિધ ક્ષેત્રે સર્વોચ્ચ શિખરો સર કર્યા છે. તો બીજી તરફ વાંકડા પ્રથાને કારણે સર્વત્ર વગોવાતી પણ આવી છે. આવાં વિરોધાભાસી પરિબળોથી પ્રેરાઈને નેધરલેન્ડની એમસ્ટર્ડમ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના એક વિદ્વાન વિવેચક ડૉ. ક્લાસ ડબલ્યુ. વાન ડર વીન અનાવિલોના ગામડેગામડાં ખૂંદી, જ્ઞાતિ- પરજ્ઞાતિના આબાલવૃદ્ધને તેમજ ઠેઠ હળપતિવાસ સુધી પહોંચી, સૌને મળી પોતાની રીતે નિરક્ષીર વ્યવહારથી, તટસ્થભાવે, રસપ્રદ સંશોધન કરી સુંદર ગ્રંથનું નિર્માણ કરે છે. આવો અમૂલ્ય ગ્રંથ નેધરલેન્ડની યુનિવર્સિટી સુધી સીમિત ના રાખતા લોકો સુધી પહોંચે એ માટે ગુજરાતીમાં અનુવાદિત કરી પ્રસિધ્ધ કર્યો છે.

જે રીતે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે, આંતરજ્ઞાતિય લગ્ન વધી રહ્યા છે, ગામડામાંથી પલાયન થઈ રહ્યું છે ત્યારે નવી પેઢી માટે આવાં સંશોધનો અને લાઈબ્રેરી, મ્યુઝિયમ જ દીવાદાંડીની ભૂમિકા ભજવશે.

અજય મો. નાયક

(M) 9825464481

ajaynaik63@gmail.com