મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.
મેથિયું એટલે મેથિયું એટલે મેથિયું :
બાળપણમાં બપોરે રિસેસમાં એક જ નાસ્તો હતો તે ચા સાથે પૂરી કે ભાખરી અને સાથે મેથિયું અથાણું.આ જ ટેવ મારા દીકરાને પણ રહેલી. હવે સમય પલટાયો છે એટલે પૌત્રોને એ નાસ્તો ન ગમે પરંતુ મેથિયાનાં સંભારના થેપલા કદાચ ખાઈ નાંખે. અનાવિલ ઘરોમાં ઉનાળાની મોસમ શરૂ થાય એટલે પાણીચા કે મૂળામાંના અથાણાથી શરૂઆત થાય. નાની નાની કાચી કેરીને રાઈ, દિવેલ,મીઠું, હળદર, લીમડીના પાન અને થોડું તેલ લઈ મોઈ લઈ બરણી ચોપડી આથી દેવાનું. મને નાની કેરીમાં ટોટાપૂરીનું પાણીચું જ ગમે. તે પાણી અથાઈ એટલે તેમાં ધોઈને સ્વચ્છ કરેલી ગરમેલ,ગૂંદા, કરમદાં,ગુવારસિંગ પણ આથવાની.ટોટાપૂરી કેરી તો ફણસના ચાંપાં જેવી લાગે એવું અમારાં કૈલાસકાકી હમેશાં કહેતાં. આ અથાણું પછી ખાસ નાગ પાંચમે ખીચડી તથા નોળી નોમે વરડું- રોટલા સાથે ખવાય અને જ્યાફત થઈ જાય.દહીંમાં મેથિયુંનો રસો મેળવો પછી માણો અસલી સ્વાદ.
જોકે મારે મેથિયાંની વાત કરવી છે. કેટલી મેથીનું અથાણું કરવાનું એમ પુછાય. તે રીતે માપ હોય. એક શેર ભરડેલી મેથીએ અઢી શેર મીઠું,પાંચસાત વઘારનાં મરચાં,એક શેર લાલચટક ડબલ રેશમપટ્ટી જાડું ઓછું તીખું મરચું,પાશેર વાટેલી સૂકી હળદર અને પાશેર ઊંચી જાતની ગંધવાળી હિંગ, નવટાંક રાઈનાં કુરિયાં ,જરૂર મુજબ તલનું તેલ અને નવટાંક( ૭૫ ગ્રામ) દિવેલ આટલું મસાલાનું માપ. હવે જો તમે કેરીના ટૂકડા કરો તો સાડા બાર શેર રાજાપુરી કે પછાતિયાની કેરી જોઈએ અને ઘૂઘરા ભરવા હોય તો પંદર શેર. જોકે હવે ખાસ કોઈ ઘૂઘરા ભરતું નથી.આ અઢી શેર મેથીમાંથી અડધો શેર મીઠું કેરી આથવા કાઢી લેવાનું.જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે મસાલો આગલા દિવસે કે બે-ત્રણ દિવસ આગળ બનાવી લેવો. એક જાડું તળિયું હોય તેવી થોડી મોટી તપેલી ગેસ કે સગડી પર મૂકી તેમાં પહેલાં દિવેલ મૂકવું. દેશી દિવેલ હોય તો એની વરાળ નીકળી જવા દેવાની પછી તેમાં તલનું તેલ ઉમેરવું. ગરમ થાય એટલે તેમાં વઘારના મરચાં નાખવા. મરચાં તતડે એટલે બે ચમચી હિંગ નાખવી અને બશેર મીઠું નાખવું. મીઠું સેકાય એટલે મેથી ઉમેરવી અને થોડોવાર હલાવી તપેલું ગેસ કે ચૂલેથી ઉતારવું. બરાબર હલાવી લેવું. એકદમ ઠંડું પડે પછી તેમાં હળદર, હિંગ, મરચું , રાઈના કુરિયાં ઉમેરી બરાબર ભેળવવું. મસાલો તૈયાર. તેને વ્યવસ્થિત, સ્વચ્છ, સૂકી બરણીમાં ભરી લેવો. આ મસાલો થેપલાં, રોજની તુવર દાળ, દેસાઈ વડામાં પણ વાપરી શકાય. ખાખરા સાથે ખાઈ શકાય.
અથાણાની કેરીને બરાબર ભીના અને સૂકા કપડાંથી લૂછીને તેના થોડા મોટા ટૂકડા કરાવી લેવા ને તેમાં બાકી રાખેલું અડધો શેર દળેલું મીઠું નાંખી ભેળવી લેવું ને થોડો થોડો વારે ઉછાળવું. પાણી પડે એટલે અથાવાની શરૂઆત થશે.બેત્રણ કલાક એ રીતે ઉછાળતા રહેવું. અથાય એટલે પાણી નિતારવું ને બરાબર પાણી નીતરે પછી જ એને થોડો વાર તડકે સૂકવવું. આ રીતે સૂકવવા માટે એને સ્વચ્છ કપડાં પર પાથરવું. બરાબર પાણી સુકાયું હોય પછી એને મોટી થાળીમાં લઈ તેમાં તેલ નાંખી બધી ટૂકડા કેરીને મોઈ લેવી, થોડો મસાલો કાઢી લેવો.બાકીનો મસાલો કેરીમાં બરાબર ભેળવવો. જરૂરી તેલ લેવું પરંતુ તેલમાં લથપથ ન થવા દેવું. હવે જે બરણીમાં ભરવાના હોય તેમાં પહેલાં થોડો મસાલો ભભરાવવો. પછી મસાલાવાળી કેરીનું લેયર( સ્તર) કરવું. આ રીતે ત્રણચાર લેયર કરવા ને છેવટે ફરીથી ઉપર સંભાર( મસાલો) ભભરાવવો. બરણીનું મોઢું ઢાંકણ અને કપડાંથી બાંધી લેવું. હવે એ બરણીને યથા સ્થાને રાખી બીજે દિવસે સવારે અથાણું દબાવી લેવું.આ દિવસે લગભગ લિટર જેટલું તલનું તેલ ગરમ કરી તેમાં ચમચી હિંગ નાંખી ઠંડું પાડવું ને તેના પર જાળી કે કપડું ઢાંકવું. તેલ ઠંડું પડે પછી ત્રીજે દિવસે( અથાણું ભર્યા પછીના) સવારે ફરીથી અથાણું દબાવી ડૂબે એટલું તેલ રેડવું. આ અથાણું તેલ ડૂબતું જ રાખવું જરૂરી છે. કુલ લગભગ દોઢથી બે લિટર તેલ જાય છે છતાં વધઘટ જોઈ લેવી. આ અથાણું પંદરવીસ દિવસમાં બરાબર અથાઈ જાય છે. જ્યારે ખાવું હોય ત્યારે નાની બરણીમાં રાખવું પરંતુ એને હવા ન લાગવી જોઈએ. હવા લાગે તો કેરી પોચી પડે. જેમને જે સાઇઝના ટૂકડા ગમે તેવા ટૂકડા કરી રસા સાથે જ કાઢવું. આ અથાણું સામાન્ય રીતે ડૂબતું તેલ રાખીએ તો પોચું પડતું નથી ને ફૂગ પણ લાગતી નથી. હવે કેટલાકને પ્રશ્ન નડે તો તે કેરી કે સ્વચ્છતાનું કારણ હોઈ શકે.
આ તો અથાણું બનાવવાની રીત કહી પરંતુ અમે જેમની પાસે શીખેલાં તે અમારાં સાસુમા ‘ બાઈ ‘ ગુરુ તરીકે કડક. તમને પૂરું માપ ક્યારેય ન બતાવે. શેરના માપમાં પણ “ ચપટી ઈંગ(હિંગ) ને ચેંગરું તેલ ( ચાર આંગળાંનો એક હાથનો ખોબો તે ચાંગળું એટલે કે ચાર આંગળાંનું માપ) “એમ બોલે ત્યારે આપણે મોઢું વકાસી સામે જોઈએ તો એનાં તેવર બદલાય ને પારો ઊંચો જાય! સગડી કે ગેસ પાસે બધું જ તૈયાર જોઈએ. જો તમે તે સમયે દીવાસળીની પેટી કે લાઈટર શોધવા નીકળો તો તમારી ખેર નથી.બપોરે મસાલો તૈયાર કરવાનો સમય પકડે ત્યારે આપણને જો બગાસું આવ્યું તો પછી ગયા કામથી! બાઈની પાન પટ્ટી પતે ને તૈયાર રસોડે એની પધરામણી થાય ને મસાલો બને ત્યારે એની છટા જોવાની! આપણે ભૂલમાં પહેલાં મેથી કે મીઠુંની મૂંઝવણ અનુભવીએ તો ખલાસ! બરણી પર બાંધવાનો કટકો સ્વચ્છ, સફેદ ધોયેલો જોઈએ જ. નાડું પણ સામે જ જેથી બાંધવાનું સરળ પડે. જે બાઈનો તે સમયે ડર લાગતો તે બાઈ આજે એટલી યાદ આવે કે ન પૂછો વાત! આજે જે કાંઈ ઘરગથ્થુ આવડત છે તેમાં એનું પ્રદાન નોંધનીય. બીજી પણ વાત કરવી જોઈએ કે બાઈ ગુસ્સેબાજ હતાં પરંતુ આસુતોષ. તરત રીઝે પણ ખરાં. શોખીન તો એટલાં જ. આજે બાઈ પુરાણ નથી એટલે અહીં અટકું.
નવું અથાણું બને તે પહેલાં બરણી સાફ કરવા જૂનું અથાણું ખાલવે તે ઘરકામ સહાયકોને યાદ કરી કરીને બાઈ આપે. નવું અથાણું પણ બધાંને ખવડાવે. હું હજી આજે પણ અથાણું ખાઉ કે ન ખાઉં પરંતુ બનાવું તો ખરું જ. અમારાં લગ્ન થયાં ત્યારે તો બધાં કાકાના ઘરે સાથે અથાણું બનતું એટલે વાડીએ કેરી લેવા જવાનું.જેને જેટલી જોઈએ તેટલી કેરી મળે તો ખરી પરંતુ કડવી કે મીઠી રકઝક તો ચાલુ જ રહે. ઘરની વાડી પણ છીણ કે છૂંદા તો ફૂટિયાંનાં જ બને. ‘ ફૂટિયાં ‘એટલે પડેલી કેરી, તોડેલી નહીં! મુરબ્બો ‘હાખિયા ‘ નો ઓય તો બો’ હારો! ( મુરબ્બો ‘સાખિયા ‘ નો હોય તો બહુ સારો: સાખ(આંબા) પર અડધીપડધી પાકેલી કેરી તે ‘ સાખિયું ‘ જે પછી તૂટી પડે)સાખિયાની વાત નીકળી એટલે એક અનાવિલ રૂઢિ પ્રયોગ કહું. જે વરરાજા પરણવા એકદમ તૈયાર હોય તેને ‘ હાખિયું‘
કહેતાં પોરીવારાને( છોકરીવાળાને)સલાહ અપાય કે તમતમારે પૂછો ,”હાખિયું જ છે રે, તૂટી પડહે ! “( તમારું નક્કી થઈ જશે.)
આ મેથિયું પરથી એક ગાળ છે તે એ કે વાતે વાતે ચીડ વ્યક્ત કરવા બોલાય, “મેથિયા જમ્મા( જમવા) અર્થ એ કે મેથિયું જરા ગરમ એટલે ખાય તો પિત્ત થાય ને દાઝરો બરે( બળે) એટલે કોઈ તરફ કટાક્ષ કરવો હોય તો આવું બોલાય કે મેથિયાં જમવાં!
ખીચડી, રોટલા, પૂરી, ભાખરી સાથે તો મેથિયું હંમેશ જાય પરંતુ એનો ખરો રંગ વાલની હીપ( સીપ: સળંગ) દાળ, રોટલા ને કાંદા સાથે પ્રગટે. હવે તો આચારી પરોઠાં પણ પ્રખ્યાત છે. તો આ મેથિયાં ઉર્ફે અવેજિયાં પુરાણ અહીં સમાપ્ત! હજી તડકાછાંયડાની છીણ, મેથંબો, મુરબ્બો, બફાણું, ગોળિયુ, કેરીચણા, કટકીના અથાણાની કથા બાકી રહે છે!
અમારી ઉંમરના અનાવિલોનું પ્રિય ભોજન : જુવારનો રોટલો , સીપદાળનું શાક , મેથિયું અથાણું , પાપડ અને કાંદાની કચૂંબર અને કેરીની મોસમમાં કેરીનો રસ કે ચીરિયાં .
અથાણું તૈયાર (જૂનો ફોટો )
બકુલાબેન ઘાસવાલા .






લેખ -1 બકુલાબેન દેસાઈ ઘાસવાલા


લેખ-૨ બકુલાબેન દેસાઈ ઘાસવાલા
આ કાવ્ય છે.
દેહાઈને તો દેહણ જ વેઠે,
દેહણ જ એને ઓળખે ને પારખે,
બીજાં તો થાકે ને હાંફે,
ને વટના કટકાથી રહે આઘે….. દેહાઈને તો દેહણ જ
હોય સંજય,વિજય કે અશોક,
એ તો ખાંડણિયામાં માથારામ,
ડગલું ભરે ને ના હટે ને,
જ્યારે પુછાય એમ પાંચમા
ત્યારે બી’ દેહણને તો રાખે તાપમાં,
માપમાં ને જાતના હાથમાં,
બોયલો તે બોયલોની ભમરી ને
દેહણ પર એની તમરી!
વાતે વાતે વદે સ્વસ્તિ !
ને દેહણ પર એની મસ્તી!
દેહણ બી’ જાણે,માણે ને ખૂંદ્યા ખમે!
પણ દેહાઈને તો દેહણ જ વેઠે!
બકુલા ઘાસવાલા
આકાશવાણી- વડોદરા પર સાહિત્ય પત્રિકામાં પઠન : જાન્યુઆરી: ૨૦૧૯
લેખ ૩ બકુલાબેન દેસાઈ ઘાસવાલા
કવિતા
હું અનાવલિ ને મારી બોલી અનાવિલ :
બાર ગાઉએ બોલી બદલાય તેમ બોલી મારી અનાવિલ
વાપીથી તાપીમાં બદલાતીને બોલાતી કેટકેટલી અનાવિલ
પણ ઉં* તો એડીચોટીથી આકંઠ અનાવલિ તે અનાવલિ
નિર્ દોસ* ને નિસ્પાપ* એમ ઓરખાય તે અનાવિલ
પણ ભરમસાટ બોલે ને બોલથી ના ફરે તે અનાવિલ
એવી જ દેહણ જે બી’ * બોલી તે બોલી ને કદી ના બીધી
જે છેડે તેને પાણીથી પાતરો* કરે ને લાગ આવે દાવ આપે
આગરપાછર* ઈસાબકિતાબ* પૂરા કરે તે દેહણ જ ઓય*
હૈયે તે હોઠે ને જે કીધું તે હામે* કે’ઈ પાઈડું* તે જ હાચી* દેહણ
કામને ખાઈ જાય ને કામના કોટને પોંચી વરે તે હાચી દેહણ
જા, જા, અવે* કોની માએ હવા હેર હૂંઠ ખાધેલી છે એમ
લલકારી ને હામે* અંફાવે* તે જ હાચી દેહણ ને દેહણ
અનાવલિ કે’વ કે ભાઠલી જાત ઝરકાવે* તે જ હાચી દેહણ
હામે* તીન પચ્ચીનો તાલેવાન ઓય* તો’ બી પોંચી* વરે*
જેને બોચી પર આંખ ને જીબે* કાતર!
પણ પે’લાં ખખડાવે ને પછી ખવડાવે
- તે જ હાચી દેહણ!
: અનાવિલ સ્ત્રીઓની લાક્ષણિકતા અને મિજાજને પ્રગટ કરતું કાવ્ય:
આ બકુલિકા દરેક દેહણને નામ:
બકુલા ઘાસવાલા
લેખ-4 બકુલાબેન દેસાઈ ઘાસવાલા
ઘેરૈયા: લોકનૃત્ય: ગીત
આજે સવાર સવારમાં એક અગત્યનું દસ્તાવેજી પુસ્તક મળ્યું. વાસ્તવમાં હું રાહ જોતી જ હતી. ડો. ઈશ્વરચન્દ્ર દ્વારા શબ્દાંકિત, સીએ વિનોદભાઈ દેસાઈ દ્વારા ગરબાગીતો સંકલિત , સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તક સોમનાથ મંદિર પ્રાંગણ, બીલીમોરામાં પચીસ વર્ષથી (૨૫) આયોજિત ઘેરૈયા સ્પર્ધા નિમિત્તે પ્રાપ્ય બન્યું છે. ડો. જયાનંદ જોષીની પૂરક માહિતી પણ પુરવણી રૂપે સામેલ છે. ૯૬ પાનાંમાં ૧૪ પ્રકરણ અને ૪ પુરવણીના સંચયમાં ઘેરૈયા નૃત્ય, ગીતો અને ગરબાની ઝાંખી મળે છે.
દક્ષિણ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ કઈ એમ પુછાય તો એમાં ઘેરૈયા નૃત્ય- ગરબાનું નામ ઝટ યાદ આવે. આદિવાસીઓ અને માછીમારોની સાંસ્કૃતિક ઓળખ પણ છે જ. એમ તો અનાવિલ , પારસી, જૈન સંસ્કૃતિની પણ વિશિષ્ટતાઓ વણાયેલી છે. એ પાસાને ધ્યાનમાં રાખીને જ વાત કરવી જોઈએ છતાં કહેવું જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં હજી સંશોધનનો ઘણો અવકાશ છે.
આજે તો આ સંકલનમાં સમાવિષ્ટ સામગ્રીની વાત કરીએ. ઘેરૈયા નૃત્ય છે તો સાથે ગરબા , ગીત અને હાસ્યરસ સભર નૌટકી પણ છે.પારણાંથી પાલખી સુધીની યાત્રાની ઝલક પણ છે. સરળ લોકપ્રિય લોકગીતો- ગરબા સાથે એમાં , નિજી સંવેદનાઓ, હાસ્ય, માગણી, વ્યંગ, કટાક્ષ, રૂદન સમેત ગીતો- પવાડા- ગરબા ગવાય છે જેમાં પારણું, લહેરિયું, ઝેરિયું સામેલ છે. વિશિષ્ટતા એ છે કે એમાં પુરુષો સ્ત્રીઓનો વેશ પરિધાન અને સાજશણગાર કરે છે. સ્ત્રીઓ એમાં સામેલ થતી નથી . પરશુરામના સમયથી એના મૂળ શોધવાનો પ્રયાસ અહીં દેખાયો છે. એને યુદ્ધમાં જતાં લશ્કરીઓ સાથે પણ સાંકળીને જોવાય છે કારણ કે એમના ગાયનમાં એ વાત આવે છે. જેમ કે લશ્કર કોનું કહેવાય રે? પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળ્યો નહીં પરંતુ ઘેરૈયા માટે મને જાણ છે ત્યાં સુધી ઘેરૈયા આગળ જ જાય, એક વાર તમારા ઘર પાસેથી પસાર થઈ જાય તો પાછળ ફરીને આવીને નહીં. કારણ એ કે તેઓ યુદ્ધમાં પીછેહઠ ન કરે. તે રીતે ઘેરૈયા મોટાભાગે હાળી હોય. ધણિયામાના વેવાઈઓને ત્યાં ‘ઘેર’લઈને જાય અને દીકરીની ભાળ કાઢી આવે. ત્યાં વેવાઈએ કેટલું દાપું આપ્યું અને કેવું સ્વાગત કર્યું તે ઉપરથી પરખ કરે! જોકે મારા માટે આ સંશોધનની બાબત છે. પુસ્તકમાં ગરબાના વિશ્લેષણ દ્વારા વેવાઈને ત્યાં જવાની વાત છે. શેઠની મનોવૃત્તિને આંકવાની વાત પણ છે. પારિવારિક સંબંધની વાત તો ઘૂંટી ઘૂંટીને કહેવાયેલી છે. મનોરથો પૂરા કરવા બાધા રાખવી અને ખાસ કરીને પુત્ર થકી વંશવેલો વધે તે આશા માટે પારણુંથી શરૂઆત થાય. આનંદ અવસર અને લગ્ન જેવા રૂડા પ્રસંગે ઘેર બોલાવવી, નવરાતમાં ગરબા ગાવા, દિવંગતની યાદમાં તાર મારવો અને અંતે દાપુ માંગી ‘ઘેર વધાવવા’ સુધીના પ્રક્રિયાનું વ્યવસ્થિત દાખલાદલીલ સાથે આલેખન કરવાની ચીવટાઈ અહીં નજરે ચડે છે.
વાપીથી તાપી સુધીમાં વસેલા હળપતિઓના મૂળ સમેત ઓળખ અહીં આપી છે. દુર્વલ- વટવાળા, વળે નહીં તેવા, અને દુર્બલ એટલે કે દૂબળાં- નિર્બલ એવા બે અર્થ અહીં અભિપ્રેત છે પરંતુ એક બાજુ લશ્કરી મિજાજ અને બીજી બાજુ આજની વાસ્તવિકતાનો મેળ પાડવો થોડું કઠિન છે પરંતુ બન્ને તર્ક અને વાસ્તવિકતા સાચા છે. આખી વાત સમજવા માટે તો પૂરું પુસ્તક વાંચવું જોઈએ.
મને અહીં એક ઉમેરણ કરવાની ઈચ્છા થાય છે. અસ્તિત્વમાં એક વાર મને અને જશવિકાને વિચાર આવ્યો કે ઘેરૈયા ગરબા લયઢાળનું સ્ત્રી કેન્દ્રિત રૂપાંતર કરવું જોઈએ. મનમાં એવું કે પુરુષો જ કેમ ગાય અમારાથી પણ ગવાય. તે રીતે ‘ પરખ’ જૂથમાં મારાં માતા ઈરાબાએ ઘેરૈયા આશીર્વચન ગીત ગવડાવવાનું શરૂ કરેલું અને સભ્યબેનોને એ ખૂબ ગમતું. ઈરાબા પાસે એમાં પણ સમાનતાનું ઉમેરણ કરવા મેં પ્રયાસ તો કરેલો જેમાં આંશિક જ સફળતા મળેલી.
ઘેરૈયા લોકનૃત્ય પ્રકાર અદ્રશ્ય થવાને આરે હતો અને એને જીવતદાન આપવામાં સીએ વિનોદભાઈ દેસાઈ , ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના સંચાલકો સક્રિય થયા અને પરિણામ સામે છે. વયોવૃદ્ધ ગાંધીવાદી ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ અનાવિલ સર્વ સંગ્રહ જેવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ સાકાર કરવા પ્રતિબદ્ધ છે એની હું પણ સહભાગી છું તેનો મને આનંદ છે કારણ કે એ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે જેમાં સંકુચિતાપણું નથી પરંતુ ગુણઅવગુણ, લાક્ષણિકતાઓ, સામાજિક- શૈક્ષણિક- સાંસ્કૃતિક ‘ગતિપ્રગતિ, અધોગતિ’ સમજવાનો પ્રયાસ છે.
આ પુસ્તકને આવકારતા આનંદ થાય છે.
- બકુલા ઘાસવાલા
લેખ-5 -લાટ પ્રદેશની વાર્તા અને નિબંધ - series
બકુલાબેન દેસાઈ ઘાસવાલા - દેહણની ડાયરી -1
૧/૧/૨૦૧૧ ભમરી તો એવી ભાંગી!
આજે હવાર હવારમાં જ એના પપ્પા હાથે જામી પડી. પોરીને એવી માથે ચડાવી મુકેલી છે કે મારી બેટી કોઈનું હાંભરે જ ની’! આ ભણાવી હું ને બે પૈહા કમાતી હું થેઈ તેમાં એની આ બાપ લાખ ચાલીની વણ્ણાગી તો ભારે પડી જવાની છે. એક તો જાતે હોઈધું ની’ મલે અવે ઉપરથી દાદાગીરી(દાદીગીરી)!બર્યુ હું કે’યા કરે કે પોયરાને મલીને વાયબ્રેશન હારાં ની’ આયવાં!પાછી કે’ય કે ક્લિક ની’ થીયું !ઇન્ટ્યુસન ની’ થાય! તે આ બધું કાંથી આવતું ઓહે? અનાવલાંમાં પણવું છે ને ઉપરથી આવી લાયરી ચાલે કે?જેમેતેમે આ મારો ભાઈ દેહાઈનો પોયરો હોધી લાયવો તેની તો બાપ દીકરીને કદર ની’ મલે ઉપરથી મસ્કરી કરે!
૫/૧/૨૦૧૧
તે દા'ડાથી મોઢું ચડાવીને બાપ દીકરી ફઈરા કરતાં છે. છો ને ફરતાં! મારે કેટલી હાડીબારી?હાચી વાત કરે તેમાં પેટમાં હાનું દુખે? કઈ યુનવરસિટીની ડીગ્રી છે?એનું પેકેજ હું? એના ઘરમાં એલ્ડર કેટલાં? એના માઈબાપ હાથે જ રે’હે કે? આવા વાહિયાત સવાલ તે કાંઈ પૂછાય? પણ મારી બેટી આવી જ વાત કરે ઉપરથી કે’ય કે આ ડીલ ની’ ચાલે! કેમ તો કે’ય કે આને સેટલ થતાં વાર લાગે, એના બાયોડેટામાં બો’ કાંઈ લેવાનું ની’ મલે! બાપા તો કે’તા કે ભોંય ઑય એટલે અડધો બેડો પાર! ને આ પોરી તો કે’ય કે ભોંય ની’ ઑય તો કંઈ ની’,માણહ બેઝીકલી હારા જોઈએ.જો એનું પેકેજ હરખું ઑય તો ઘર ને ભોંય બધ્ધું લેવાહે. આવા ને આવા પોરાં કાઈડા કરે ને પછી બધ્ધું પડી ભાંગે. કોઈ દા'ડો પેલું હું ની આઈવું?અં , ઈન્ટ્યુસન પછી વાયબ્રેસન પછી ક્લિક ની’ થાય? કાં’થી થવાનું છે બધું? પાછું “હાઈફાઈ” જોઈએ.એના કરતાં ની’ પરણે તો ચાલે. લેઈ જવાવારો બી હરો જ થૈ જાય જો!આ તો જાતની જણતરની પરોજણ છે એટલે બાકી તેલ લેવા જાય બે’વ જણ! હમજ ની’ પડે કે પછી કોઈ પોઈરા બતાવહે બી’ ની’!
૧૧/૧/૨૦૧૧ આજે જીજાએ જે પોઈરો બતાઈવો તે બાપ દીકરી ને ડીલ કરવા જેવો લાઈગો!જીજાએ જ બાજી આથમાં રાખી છે.મેં કીધું કે તમારા હાડુભાઈ ને તો પાડતા જ નો’! ની’તો વરી કંઈ અડોર વારી આવહે! ને જીજા જો વંકાય જહે તો વૅવાનું બારમું કરે તેવા પિત્તળ ભેજાના છે.પોરી બી અમણાં તો હીધી ઉતરહે ઍવું લાગતું છે. આસા તો છે કે ઘાટ પડી જહે. એ લોકોને કોણ હમજાવે કે અનાવલાંતાં તો પૂછવા જાવ તાં હુધી જ હીધા,જેવા એ લોકોને બારણે ગીયાં કે લાગમાં જ લેવા માંડે!ગમતું છે એટલે પેલું બધું તો ભૂલી જહે રે!આ વખતે તો વાયબ્રેસન ને ઈન્ટ્યુસન ને ક્લિક બધ્ધું બરોબર થેઈ જાય તો હારું. ની તો બધ્ધી ડલોથ પાછી માંડવાની!
૨૦/૧/૨૦૧૧
ચાલો, પેલો પડાવ પાર પઈડો. જીજાએ બરાબર ગોઠવણ કરેલી ઉતી એટલે પે’લી મિટિંગ તો નિર્વિઘ્ને પાર પડી.પોઈરો તો ગઈમો! આવીને ખુસ લાગી. બેનપણાં બાઈપણાં ને ફોનાફોની બી’ થેઈ ગેઈ!
૨૫/૧/૨૦૧૧
આ ચારપાંચ દાડા બેનબાએ ડેટિંગ તો કીધું! મેં જીજાને કઈ તો મૂકેલું કે વિચાર કરવામાં પચ્ચી દાડા ની’ કાડે તે જોજો.ની'તો ટેબ્લો પડી જહે!પાછી તે જ અલામણ કરવી પડહે!પણ અવે પોઈરો ટાઈમ માંગતો છે! આપડા વારી બી ઉસીયાર તે પાછી એમ કે’ઈ કે માહાજીને કે’જે કે આપડો ગર ની’ આપે!મન્તો અક્કલની બારદાન જ હમજે!
૩૦/૧/૨૦૧૧
અવે પોઈરો વાંકો થીઓ!એમ કે’ઈ કે તું જેટલું વરહે કમાહે તેટલો પગાર તો મારો મઈનાનો એટલે તારે લોકને તાં’ ચાકરી કરવાની કાંઈ જરુર ની’ મલે!ઘરના વેપારધંધામાં મદદ કરજે તો બી’ બો’ થેઈ ગિયું. ને છતાં બી’તારે નોકરીચાકરી કરવી જ ઓય તો તું તારે રસ્તે ને ઊં મારે! ઓત્તારી ની’! આ તો ખરૂં કે’વાય!પોરી ની’ બી’ બોલતી બંધ ને એના બાપની બી’! અવે જ ખબર પડી કે આ તો અનાવલાની જાત છે.આપણી લાયરી ચલવે તે બીજો કોઈ બી ઑય અનાવલો તો ની’ જ! અવે બાપ દીકરીનાં મોઢાં વીલાં થીયાં! અનાવલાંતાં આપણી ચાતરમ ની’ ચાલે તે હમજાયું ઓય તો હારૂં!
૫/૨/૨૦૧૧
જે ઑય તે પોરી તો મારી જ કે’ની! અવે આ પોયરો એને જેમેતેમે ગમેલો ઉતો કે એણે ગમાડેલો ઉતો!મને તો એમ કે બધું હીધુંહુતરૂં પાર પડી જહે ને ગંગા નાયા પણ આપડું ધારેલું કાંઈ ની’ થાય. પોયરો અવે અડી ગીયો કે ડીલ ક્લીયરકટ્ જ થવું જોઈએ! મારી પોરી કાંઈ ગાંઠવાની નથી. એટલે આ સંઘ કાશીએ ની પોંચે! વરી આ ડીલબીલ હું છે મારી બાઈ? ખરૂં ડીલ તો અનાવલામાં આ(હા) પડે ને ચાંલ્લાની વાત આવે તિયારે શરૂં થાય! લગન હુધીમાં તો કેટલી વૈતરણી પાર પાડવાની તે તો માઈબાપનું મન જાણે!
૮/૨/૨૦૧૧
છેલ્લે બી કન તો ની’ જ ચઈડો!ડીલબીલ બધ્ધું ફેઈલ! આપડી પોરી હોના જેવી ઓય તો બી’ હું? ને આપડે જગોવારા ઓઈએ તો બી’ હું? પોયરાવારાંતાં આ પડાવવા થોડું જ જવાવાનું ?ના પડી ગૈ,અવે નવી ગીલ્લી નવો દાવ!જીજા બી’ હું વાત લાવહે તે રામ જાણે!મારી પોરીનો વાંક ની’ કાઢે તો હારૂં.આ વખતે અમારા એ તો દૂર જ રૅયલા એટલે વધારે પોરાં કાડહે!કાંઈ ની’ આપણે ચૂપ જ રેવાનું ! આ ઘડી હો વીતી જહે! પોરી હો એનું નસીબ લેઈને આવી ઓહે કે ની?ધાર્યું ધણીનું થાય.આપડે તો નિમિત્ત માત્ર,ખરું કે ની’?
દેહણની ડાયરી -2
- -તો એમને મરઘે હવાર!
- ૧/૩/૨૦૧૧
- આજે એણે પરણવા માટે આ પાડી ને મારે તો ઓચ્છવ થેઈ ગીયો . બાકી હવાર પડે ને અમારા એના વાગ્બાણ ચાલુ કે બોલો દેહણ, તમારા કાનકુંવર હું કે’ય? અવે મારી બાઈ, રોજરોજ નવું હું કે’વાનો ઉતો ? એને અમણાં લગન ની’ કરવા ઉતા તો તેમ, તેમાં વરી મારુ હું ઉપજવાનું ઉતું ! આમ તો મારો કુંવર ડાયો પણ પરણવાનું નામ જ ની’લે ને મને તો ઘભરાટ થાય કે આ પોયરાએ કે’થે હોધી મૂકેલું ઓહે કે કેમ? હોધેલું ઓય તો બી’ અમારી તો આ જ ઓય , આપણે હું વાંધો ? એનો સંસાર એ જાણે પણ ઘરમાં તો જાતજાતનાં ભેજાં એટલે એકાદ તો વાંધો વચકો પાડે ને વાતાવરણ ભારેખમ ! અવે વાત થેઈ ગેઈ એટલે ઘરમાં સાંતિ! એમણે તો કે’ઈ દીધું કે એ બે-ચાર મેગેજિનમાં જાહેરખબર આપી દેહે ને પેલું હું કે’ય ? અં….., વેબપેજ પર પણ મૂકહે .
- ૫/૩/૨૦૧૧
- અવે કુંવરને એ વાંધો પઈડો કે પણવાનું તેમાં જાહેરખબર હું કાં હારું આપ્પાની ? અવે તો પોરીવારા બી’ આપતાં થેઈ ગેઈલા ને આને અજી વાંધો ? ભાઈને ખબર જ નથી કે અવે એમનેમ કોઈ પોરીવારાં તૂટી પડતાં નથી ! કેટલે ગરણે ગારે પછી પૂછવાં આવે ને તે’બી ગમે તિયારે ખહી ઓ જાય ! એના પપ્પા બી’ આમાં તો હીધા ઉતરેલા કે જાહેર ખબર તો આપ્પી જ પડે ! જેમતેમ હમજાઈવો ને બધું બરાબર પાર પાઈડું ! બેચાર જણને કાને વાત બી’ લાખી કે અમે બી’ અવે પોઈરાને પણ્ણાવાનાં છે. તે પાછી મારી મોહિયન તો કેઈ’ કે તારો પોયરો પેલા તો બો’ અલકોભારી થતો ઉતો પણ અવે જોવા કોઈ ઓઈ તો ! ને ઉં ઓપ્ફર લાવું પણ જીજાને તો તારે જ વાત કરવાની ! એના તેવર તો વધારે ઊંચાં ! મેં તો એને કીધું કે બેન, પેલા તું ઓપ્ફર તો લાવ! પછી જીજાને અને કુંવરને બદ્ધાંને પોચી વરહું ! એન્તો મેં કીધું જ ની’ કે પોયરો એખલો થોડો આખી જમાત અલકીભારે થહે ને પછી બી’ કન ચડે તો હારું !
- ૧૦/૩/૨૦૧૧
- ટાઈમસર જાહેરાત આપેલી તે આ મઈને જ આવી બી’ ગેઈ ને ફોનની ઘંટડી રણકવા હો લાગી ! મારી મોહિયન ને અમારા ‘ એ ‘ ની ફુઈઅન હો બે વાત લાઈવા . આ વાત લાઈવા એટલે કાંઈ ઓફર આવી ની’ ગેઈ પણ ભઈલાએ મથાવવાનું સરૂં હો કરી દીધું ! મને ઓપ્ફિસમાં જોવા આવે ને તાં મારી તપાહ કરે તે ની’ ચાલે ! મને આમ ની’ ફાવે ને તેમ ની’ ફાવે ! ભેંહ ભાગોળે,છાહ છાગોળે ને ઘરમાં ધમાધમ! અરે ભઈલા ! હરખું ઓફર કે’વાય તેવું થવા તો દે ! અમારા કુંવરે તો ભઈણાં કરેલું ને લાડ કઈરા કીધેલા તે હાચેહાચ હું થાય તેનું એને હું ભાન પડે ? એને તો એટલી હો ખબર નથી કે એની બેનને કેમ કેમ પરણાવેલી છે !
- ૧૪/૪//૨૦૧૧
- ફરતીમેરથી વાત તો સરૂં થેઈ પણ કઈ હવાદ ની’ મલે ! આપણું ધ્યાન પોંચે તો કુંવરજી હુધી વાત પોંચાડાયને ! દા’ડા નીકરતા વાર ની’ લાગે ! મઈનો નીકરી ગીયો તિયારે માંડ બેતણ વાત પર નજર ઠરી ! અવે પેલું ડીલબીલ ને ઈન્ટ્યુસન- ક્લિકબ્લિક વારું રવિતર સરૂં થહે ! પોરીને ઠેકાણે પાડતા તો નવનેજાં ઉતરેલાં , અવે એના ભઈલાને ઘોડે બેહાડવાનો છે ! ને તે તો અમેરિકાથી પ્ફોન પર પ્ફોન કરે કે નક્કી કરોને જણાવો તો બુકિંગ કરાવું ! પછી એને કીધું કે બેન , ટાઢી પડ! પે’લા વાત આગળ તો ચાલવા દે ! એના પપ્પાએ હારી રીતે વાતને હેન્ડલ કરી તે કુંવરજી આગળ વધવા તિયાર તો થીયા ! અવે બે વાતમાંથી જાં પાકું થાય તાં !
- “ આ તારા કાનકુવરનું મોડું ચડેલું કેમ ? ”,એના પપ્પા તો આઈવા તિયારથી પાછળ પઈડા ! ભાઈ , ટાડા તો પડો ! એને એમ થોડું કે’ વાય કે તમારા જેવા જ લખ્ખણવારો છે તિયારે તો મારે એમ જ કે’વું પડે કે કોણ જાણે આ મારા જેવો કાંથી ! જવા દે જીવડા , બધી વાત , મૂળ વાત કરું કે ભાઈને બે-ચાર વાર પોરી હાથે મલવાનું થીયું તે પોરી તો કે’ઈ કે ઉં મારા મમ્મીપપ્પાને છોડીને આવ્વાની , અમે બી’ બે જ બેનો એટલે મારાં મમ્મી-પપ્પાએ રે’વા આવવું ઓય તો મુસ્કેલી ની ’ પડે એટલે આપણે નવું ઘર લેવાનું ને જાત પર સેટલ થવાનું ! ઉં બી’ કામ કરતી છું ને તમે તો કરતા જ છો , આપણે પેલા જોઈએ તો ફલેટમાં રેહું . તમારે ને મારે કામ વેંચી લેવાનું , બધું જ ફિફ્ટી- ફિફ્ટી ! એટલે અમારો લાટસાહેબ તો ટાઢો જ થેઈ ગીયો ! મને કે’ઈ કે ઉં ગાડીમોટર- બંગલા ને આ સાહ્યબી છોડી ફલેટમાં જાઉં કે ? ચાલો , આના પર તો ચોકડી ! બાકી મને તો પોરીમાં અક્કલ લાગી કે જાતે પગ પર ઊભા થવાની વાત કરતી છે ને એને પોતાનાં મમ્મી-પપ્પાનો વિચાર બી’ આવતો છે . તો પછી કોઈ દા’ડો આપડો બી’ વિચાર કરહે કે’ની ! પણ મારો પોયરો તો કે’ઈ કે આ સપોર્ટ સ્ટ્રક્ચરનો લાભ લઈ જલદી બે પાંદડે થવાય ને આપણાં મમ્મીપપ્પાને હાથે રાખીને આગળ વધીએ તેના ફાયદા આને કેવી રીતે હમજાવું ? એના પપ્પા કે’ઈ કે આ વાત પર આમ ચોકડી ની’ મુકાય . ઉં બેઉને હાથે બેહાડીને હમજાવા કે બે માણહ ને કુટુંબે સંબંધ બાંધવો એટલે હું ને હાથે મલીને કેવી રીતે જીવાય ? અનાવલા તો લગન વખતે હાત પેઢીનો સંબંધ બાંધે તે કંઈ એમનેમ ? અને આમ ગાડું પાટે તો ચડ્યું .
- ૩૦/૪/૨૦૧૧
- ને આમ કાનકુંવરને રાધા મળી ! હાચ્ચી વાત છે , આ પોરીનું નામ રાધા જ છે ને છે પણ મીઠડી ! જરા મિજાજી છે પણ વઉના લખ્ખણ બારણેથી જાણતી જ છું ને પોયરાને તો પારણેથી જ જોતી ઉ’તી . મારા ઘોડિયાંને કેટલા દાંત તે મને ખબર ! અમે ચારેચારે મળીને બરાબર હમજાઈવાં કે સરૂઆતમાં હાથે રે’વ , મે ‘ નત કરો ને પગભર થાવ . અમે કડેધડે છીએ તો અમારો સાથ-સહકાર લેવ . એ તો એ લોકોને એવું લાગે બાકી કામ પર જવાનું , જાતનું કરવાનું , હાજાંમાંદાં થવાય , ભાવિમાં વેલો આગળ વધે તિયારે અમારાં જેવાં જ કામ લાગે ! રાધાને પણ એનાં મમ્મીપપ્પાએ વાસ્તવિકતા હમજાવી કે હૌનો હાથ એટલે હું ? ને એની માએ એને કે’ઈ દીધું કે જાતનું ઘર છોડીને અમે હું કામ તારતાં રે’વાં આવીએ ! મન થાય તો તમારે આવી જવાનું . પછી મેં હો મમરો મૂઈકો કે બેનબા , તારે એખલાં રે’વાનો લા’વો લેવો ઓય તો વરહમાં બેચાર વાર ફરીઆવાનું. મિલકત બી’ વહાવવી ઓય તો વહાવવાની ! કોણ ના પાડવાનું છે . જાતે ઠરો ને બીજાંને ઠારો . તો ચાલ , અવે તો ગોઠવાઈ ગીયું ને આ પોરીવારાં પૂછવાં આવેલાં તે એના પપ્પાએ કઈ દીધું કે બધું ફિફ્ટી ફિફ્ટી એટલે લગ્નનો ખર્ચો બી’ તેમ જ ! અવે,ચાંલ્લાની તૈયારીમાં પડું .આપણે તો સુધારા ને હાદાઈમાં લગનમાં માનીએ પણ કાનો ને રાધા કે’ઈ કે પાંચપચ્ચીની આજરી તો જોઈએ . હારું મારી બાઈ , તો એમને મરઘે હવાર !
- બકુલા ઘાસવાલા
- વલસાડ.
દેહણની ડાયરી -૩
મા-દીકરીનો ફોનાલાપ:
એના પપ્પાને ઘરમાંથી જતા જ વાર. આપણે તો રાહ જોઈને બેઠેલાં જ હોઈએ કે ક્યારે એ ઘરમાંથી ગચ્છન્તિ કરે ને હું મારી દીકરીને ફોન ગગડાવી કાઢું! જોકે સવાર સ્વરાજે કામ તો બહુ જ હોય પણ જ્યાં સુધી દિવસમાં બે વાર એની સાથે વાત ન કરું ત્યાં સુધી પેટમાં વાત ચરવર્યા કરે.આમ તો એ એનાં ઘરે સુખી, પોપટ ભૂખ્યો નથી , તરસ્યો નથી ને આંબલિયા ડાળે ઝૂલતો ફરે…..અને આમ પણ મારી દીકરી નાની નાની વાતે ગભરાઈ જાય તે વાતમાં માલ ન મળે પરંતુ એનાં સાસરિયા ંુણ હારેલાં તો ખરાં! મથાવી તો કાઢે! મને તો એમ કે એણે જાતે શોધેલું છે અને આપણે રંગેચંગે પરણાવી આપી એટલે હવે એ જાણે ને એનો સંસાર જાણે! એ પણ જક્કી તો ખરી કે મારો કક્કો ખરો પછી બેનબાને કોઈ છેડે તો પછી જોવાનું !
આજનો એનો ને મારો આ ફોનાલાપ:
ઉં: હલ્લો…… દીકા, કેમ છે?
બેનાં: ડોન્ટ આસ્ક મી,મા! આ તે ઘર છે કે સરકસ?
ઉં: કેમ હું થ્યું?
બેનાં: હું હું થવાનું? મન્તો મારાવારાએ કેયલું કે મારું ઘર સંગીતની વાજાપેટી જેવું છે, બદ્ધા સૂર જુદા ને બેસૂરા છે તિયારે ઉં તો ખુસ થેઈ ગયેલી કે આની ભાસા તો બો’ હારી ને મજાકિયો છે પણ અવે ખબર પડી કે પેલ્લા તો એ જ દિવેલ પીધેલું ઓય તેવો ભારેખમ જ દેહું! હવાર થી “ પીકુ” જ ઓય! બાકીનું પૂરું ઓય તેમ આ ઘરમાં કોઈ અહીને વાત કરતું ઓય એવું તો લાગે જ ની’!બધાંનાં જ તેવર ઊંચાં!
ઉં: બેનબા, ટાડા પડો! ઘર ઘરની વાત જુદી બી’ ઓય.
બેનાં: કેમ તું તો પે’લાં એમ કે’તી કે ઘર ઘરની રામ કહાણી એક જ!
ઉં: દીકા, જરા જરા ફરક તો ઓય કે’ ની?
બેનાં: અરે, જરા જરા હું ફરક? હવારથી ઊઠો તિયારથી બદ્ધું જુદું! ચાથી જ સ્ટારટિંગ થાય! માણહ માણહે ચાનો ટેસડો જુદો! એકને મસાલાવારી જોઈએ તે એવી કે વઘાર કરવાનો બાકી જ રાખવાનો! બીજાંને કડક બાદસાહી! તીજાને દૂધવાળી! ચોથાને ખાંડ વધારે ને દૂધ ઓછું ને પાંચમાંને દૂધ વધારે ખાંડ ઓછી ને છઠ્ઠાને આદુ વગરની મસાલા વારી ને સાતમાને ……. જા … ઉં તો ભૂલી ગેઈ!
ઉં: એ તો ધીરે ધીરે યાદ રે’ઈ જહે!
બેનાં: ધૂર ને ઢેફાં યાદ રે’ હે! આપણાં કરતાં દારનો રંગ સિક્કે જુદો! ભાખરી- રોટલીના લોટની મોકાણની તો વાત જ નો’ કરતી! મોમ, આઈ એમ ટાયર્ડ! આ તે મેં લગન કીધેલાં છે કે ગુસલખાનામાં જોબ લીધેલી છે ને તે બી’ વગર પગારની!દાદી પેલું હું ક યા કરતી કે…….
ઉં: કોડી ની’ કમાણી ની’ ને ઘડી ની’ ફુરસદ ની’ ! પણ જો દીકા, એમ ની’ વિચારાય! આ તો આપણે હાત હાત જનમનો સંબંધ બાંધેલો છે એટલે નાલ્લી નાલ્લી વાતમાં અપસેટ ની’ થવાનું ! બધું ઠેકાણે પડી જહે! જોને મારી જ વાત કરું કે ઉં પણ્ણીને………
બેનાંએ અધવચે જ વાત અટકાવીને પ્ફોન મૂકતાં : મોમ, ડોન્ટ ગીવ મી સલાહનાં પોટલાં! ને તારા જમાનાની વાત ની’ જોઈએ!
બોલો,આ પોરીની વાત આમ તો હાચી પણ એને હમજાવતાં તો નવનેજાં ઉતરવાનાં છે.મારી બાઈ,ઘેર ઘેર માટીના ચૂલા.જો કે અવે ગેસના ચૂલા.તેથી હું બદલાયું ? વાત તો તેની તે જ રે’ઈને! એના પપ્પા તો કે’ ઈ કે પ્ફોન હું માથું પ્ફોડવાં કઈરા કરે? અરે મારા ભાઈ ! જો એને ઠેકાણે ની’ રાખું તો રીટર્ન વીથ થેન્ક્સ થેઈ જાય કે’ ની ?
મારી વાત હાચી કે’ની ? તમને હું લાગે?
બકુલા ઘાસવાલા
આ સંવાદ કાલ્પનિક છે!
દેહણની ડાયરી -4
ગીતા, તને પ્ફ્ઑમ્( ફોમ: યાદ) છે?
આ અતીતરાગ ભારે કથાવટ ઊભી કરે. “ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર”ની જેમ યાદોની બારાત ઉમટી પડે અને પછી સ્વીચ ઓફ થાય જ નહીં. ફિલમની પટ્ટીની જેમ એક પછી એક સીન સામે ભજવાય ને પછી ઊંઘને નામે અલાયો! ગીતા, તું તો અઢાર વરહે પરણીને અમેરિકાની મોહમાયામાં લપેટાવાં ચાલી ગેઈ ને મારા ભાગે તો જનમ જનમથી વઉને હાથે બાંધેલું હાંબેલું( સાંબેલું) તેમ વલહાડ જ રીયું. આપણી ઘરઘરાઉ મસ્તી, નિહાર (નિશાળ) ને કોલેજ તો એટલી યાદ આવે કે ન પૂછો વાત.
આપણાં ઘરની પાછળ વાડી, આપણે વાડીમાં રમતાં ને તું તો સડસડાટ જમરૂખના ઝાડ પર ચડી જતી, મારે ખાસ નીચે ઊભા રે’ઈને તે વણવાનાં ! તને ઉપર ચડીને જમરૂખની જ્યાફત ઉડાવતી હજી પણ હું જોઈ સકું છું. પેલું પ્ફઑમ છે કે વાડીની કાચી ટોટાપુરી કેરીનું કેસરવારું સરબત બનાવીને પીવા માટે આપણે ખાંડ અને કેસર ચોરીછૂપીથી લઈ જતાં ને મસ્ત સરબત બનાવી મજા કરતાં. ઘરની પાછળ તબેલામાં ઘોડાના ચણા રહેતાં તે ચણા ઘોડાની ડોલમાં પલાળેલા હોય , એક વાર આપણે પાણીપૂરી બનાવેલીને પોચ્ચીપટ્ટ પૂરીમાં બાફેલા ચણા નાંખી ઝાપટી ગેઈલા તેનું તને પ્ફઑમ છે કે?
સોનગઢ જતાં ને દરેક ગાડી આવવાની ઓય તિયારે સ્ટેશન પર જેઈને આથના હંચાનું લીલા પાતરાંના દડિયામાં મલતું આઇસક્રીમ, બોર, કમદાં( કરમદા), જાંબુની જ્યાફતની કંઈકેટલી યાદ આપણા ખજાનામાં છે તે તને યાદ કે? આપણે આ મિજબાની માટે પૈહા જોઈએ તે કડાવવાનું કામ કિસનભાઈ અને મા’ દેવ- અર્જુનનું ને નાથુકાકા- ધીરુકાકા- છોટુકાકા પૈહા ની’ પરખાવે ત્યારે કેવી કેવી રીતે એ લોકો પૈહા કડાવતાં તે તને પ્ફઑમ કે?
અલૂણા ને સંકરાતનું ચાંલ્લા વ્રત કરવાના, નવરાત ને દિવાળી, ઑરી( હોળી) ને હરાદનાં ( શ્રાદ્ધ) જમણમાં થતી ધમાચકડીના તો મજા જ જુદી હતીને? વેકેસનમાં આપણે મામાફુઈનાં બદ્ધાં ભાંડરડાં હાથે જ રે’તાંને અગાસીમાં રામપથારામાં સૂઈ જતાં ને મોડી રાત સુધી ગપ્પાં મારીએ ને મોટીકાકીની ચાવી ખખડે એટલે હુવાનો ( સૂઈ જવાનો) ઢોંગ કરતાં તે તને પ્ફઑમ કે? એ ચાવીના ખખડવાની બીક તો પરીક્ષા ઓય તિયારે વાંચતી વખતે પણ રે’ તી !આપણી ટોળકીને મામાની પલટણ કે’ ઈને એક વાર કદાચ સુધાએ હપપનગીત ગાઈલું ને બધાં બો’ અહેલાં ( હસેલા) તે !
આજે બીજી જગાએ વાડીઓ તો છે પણ આપણી પલટણ ભેગી થતી નથી, મોટાભાગનાં તો બધાં આસપાસ રે’ઈ છતાં કોઈને ફુરસદ નથી!વેકેસનમાં ફોરેને ટ્રીપ ઈન થિંગ છે કે જરૂરિયાત છે તે મને હમજાતું નથી! જોકે જે રીતે તમારાં અમેરિકામાં પણ મળે તેમ અંઈ પણ અવેનાં દોતરાંપોતરાં પણ એમનાં મોહારમાં ભારોભાર પપલોટાયેલાં છે એટલે અફસોસ કરવા જેવું નથી. જૂની પેઢીના સંબંધો ઘસાય પણ નવા બંધાય છે તેય હાચું છે.
કાલે મને ગણિતના સર યાદ આવી ગેયલા! એક દા’ડો કેવું થેયલું?વિજ્ઞાનના ટીચરે આપણને ચીનાઈ માટી લેવા મોકલેલાં ને રિસેસ પૂરી થેઈ ગેઈલી ને એમનો ગણિતનો પિરિયડ ચાલુ થેઈ ગેઈલો. આપણે પોંઈચાં ને સર પાહે ક્લાસમાં દાખલ થવાં પરમીસન માંગેલી ને પૂછેલું ,”સર આઉં, સર આઉં “, એટલે સરે હાંભર્યું( સાંભળ્યું) , “સરાઉં સરાઉં “ , સર ઉવાચ: કોનું હરાવવાની! ( અર્થ એ કે કોનું શ્રાદ્ધ કરવાનું છે? )એટલે બધે અહાઅહ( હસાહસ) ને આપણી કેવી ગિલ્લી ઊડેલી! સર એટલેથી જ કાં અટકેલા? પૂછેલું કે રિસેસમાં સવારી કાં ઉપડેલી? આપણે જવાબ આપેલો કે ચીનાઈ માટી લેવા. વળી સરે કેઈલું કે કેમ? અંઈઆ ખોટ પડી કે માટી લેવા છેક ચીન હુધી જવું પડે!( આ શ્લેષ એવો કે માટી એટલે માટેડો : વર: પતિ.) ફરી પાછી અહાઅહ!
ને એકવાર ભૂગોળનાં ટીચરે આપણને એટલાસ લાવવા કેઈલુ ને પૂરું હમજાવેલું બી’ કે એટલાસ કેવો આવે? ત્યારે પેલી…. નામ ભૂલી ગેઈ, જે ઓય તે એણે કેવું કરેલું કે બદ્ધું પઈતું પછી પૂછે કે એટલાસ એટલે હું? ને ટીચરને એમ લાગેલું કે એણે મસકરી કરી પછી તો જે આલત!
( હાલત)
ને પેલી આપણી બેનપણી તો સરટીચરની ઉડાવવામાં પે’લો જ નંબર. ગણિતના સરે દાખલા આપી મજાક કરેલી કે જો જો તમાર તાં મેતાજી( મહેતાજી) ઓય તો તેની પાહે લેસન નો’ કરાવતા દાખલા જાતે ગણજો.એણે બોર્ડ પર લેસન લખવાનું તો ગણિતના લેસનમાં લખેલું કે દાખલા મેતાજી પાસે ગણાવી લાવવા! પછી કોઈ સરને ચાડી પણ કરી આવેલું ને સરે ક્લાસમાં પૂઈછું તો બી’ કોઈ એનું નામ તો ની’ જ બોલેલું! કેટલી મજા આવતી, હેં ને?
ને ગીતા, ભઈની વાત યાદ કે? આપણે કઈએ કે બો’ ( બહુ) કંટારો( કંટાળો) આવે એટલે એ કે’ તા કે કંટારો આવે તો ઝાડુ પકડો ને બંગલા ફરતે સફાઈ કરવા જાવ ને ની’ તો પછી વાડીએ ચીકુ પાડવા જાવ, કંટારો નાહી( નાસી) જહે ( જશે). આ તો એમનો તકિયાકલામ કે તમારે બધી “માતેલાની મસ્તી” છે, જંગલમાં આદિવાસીઓને જોઈ આવો તો હમજ ( સમજ) પડે કે રોટી, કપડાં ને મકાન વગર હું( શું) આલત ( હાલત) થાય ને કેમ જીવાય?
ગીતા, હવે તો એ ઘર પણ ની’ રીયું ને આપણે બી’ કોન જાણે કેટલો વખત રે’હું પણ એમ થાય કે કાં ગીયાં તે દિવસો ને કાં ગીયાં તે લોકો? હે અલી, કે’ની? આ બધું તને યાદ કે?
- બકુલા ઘાસવાલા
દેહણની ડાયરી -5
બાલમાનસમાં મેઘધનુષી રંગારંગ:
આજે કામિની કોઠારીની એક રંગોળી જોઈ એ ઘટના વારંવાર યાદ આવી. આમ તો બે
દિવસ પર કરણનું વૃક્ષ જોઈને પણ યાદ આવતી હતી. મારી ફુઈની દીકરી નાની હતી ત્યારથી જ સ્વભાવે મનમોજી અને હાજરજવાબી. એ નાની હતી ત્યારે એમનાં ઘરની સામે જે પરિવાર રહેતો એમની સાથે એમને ઘરોબો સારો. ત્યારે એક ગુજરાતી ગાયન ખૂબ પ્રચલિત. એની એક પંક્તિ કંઈક આ પ્રકારની હતી,
“ નજરના જામ છલકાવીને ચાલ્યાં કયાં તમે?
પ્રણયનાં ફૂલ કરમાવીને ચાલ્યાં કયાં તમે?”
એ ગાયન સામેવાળાનાં ઘરની નાની દીકરી ગાતી ગાતી સામે આવી. એટલે સુધા ઉવાચ:”
એ તારે છેને
પ્રણયના ફૂલ ની’ ગાવાનું,
તાર તાં તો કરણ ઊગે એટલે તારે ગાવાનું કે
“કરણના ફૂલ કરમાવીને ચાલ્યા કયાં તમે? “
પછી પેલી નાની છોકરી પૂછે કે પણ મારે તાં તો ટગરીનાં( તારી) ફૂલ બી’ ઊગે તે?
તો તે બી’ ગાવાનું કે
“ ટગરીનાં ફૂલ કરમાવીને ચાઈલાં કાં તમે? “
બન્ને નાનકીઓને ગાયનનો અર્થ ખબર નહીં એટલે બન્નેએ મનઘંડત આવી રચના કરી. કોણ જાણે કેમ પણ મને એ વાત યાદ આવે ત્યારે હસવું તો આવે જ કે બાળમન કેવું હોય છે, એમને જે વિચાર આવે તે કેવાં રંગ દર્શાવે ,નહીં?
બાળક અને કિશોરવર્ગની વાત શરૂ કરી છે તો બીજી ઘટના પણ યાદ આવે છે.વર્ષો પર એકવાર રૂપા મહેતા દૂરદર્શનની ટીમ લઈ વલસાડ અસ્તિત્વનાં વીડિયો રેકોર્ડિંગ માટે આવેલાં. અમે એક શાળામાં ગયાં. વિદ્યાર્થિનીઓ સાથે વાર્તાલાપનું રેકોર્ડિંગ કરવાનું હતું. કાર્યક્રમમાં જે વક્તાબહેન હતાં એમણે સરસ શરૂઆત કરી ‘ પ્રેમ શબ્દ ‘ ની મીમાંસા કરી પછી એમનો બીજી બાજુનું દર્શન કરાવવાનો ઈરાદો પણ ખરો. ત્યાં તો એક કિશોરી ઊભી થઈ (તે સમયે Camera was on.) અને પૂછવાં લાગી કે બેન, તમે રાધા કૃષ્ણનાં પ્રેમની સરસ વાત કરી પરંતુ અમે જો કોઈના પ્રેમમાં પડીએ તો કેમ ઘર,સમાજ ને બધાં જ પાછળ પડી જાય? જો રાધા કૃષ્ણનો પ્રેમ સાચો તો અમારો કેમ નહીં! બાકીની વિદ્યાર્થિનીઓ તો તાનમાં ને તાળીઓનો ગડગડાટ! સભામાં હસાહસ ! ને કેમેરા ઑફ!
હમણાં મને એક બેનપણીએ એના Grand Child વિશે વાત કરી કે તે પૂછે કે તમારા સમયમાં” ફર્સ્ટ ક્રશ “ જેવું હતું કે?
જવાબ: હા.
સવાલ: તો પ્રપોઝ કેવી રીતે કરતાં?
જવાબ: મૂંઝવણ!
પછી સવાલો મારો!
સવાલ: તો પછી તમને કોઈએ પ્રપોઝ કરેલું? કેવી રીતે? પછી એ રિલેશનશીપ રેઈલી કે? ત્યારે ઓલ રિલેશન્સ રાખતાં કે? બ્રેક અપ થતું કે?
દાદી કે નાનીની બોલતી બંધ!
બકુલા ઘાસવાલા
( જોકે આ પ્રકારનાં અનુભવો પછી જ બારે બુદ્ધિ સોળે સાન જેવું પુસ્તક હું લખી શકી અને હવે મારા જ પૌત્રો અને કાર્યક્ષેત્રમાં પણ કિશોરીઓ જે સવાલ ઉઠાવે છે તે પરથી લાગે છે કે ઘણું ઉમેરી પણ શકાય.)
(૬) : પાપડ પંચાત :
આજે અંકિતે પાપડનો પૂરો યુગ યાદ કરાવ્યો. એ પાપડ પ્રક્રિયાની યાદોનો મારી પાસે પૂરાં ત્રીસબત્રીસ વર્ષોનો ખજાનો સંચિત. રામજી ટેકરેનાં સાતઆઠ વરસથી શરું કરું તો પહેલાંમાં પહેલી યાદ આવે પાલીબાની.( મારી માની આજી) પછી યાદી લંબાતી જાય. કમુબા(મારી) આજી અને એની બેનપણીઓ. કમ્મામી, પાલી માહી,લલીબામાહી,મણિમાહી,તુરજામાહી, રાણીકાકી,ભાકુમાહી, સવિતામાહી, ગજરામાહી, ઝીણી માહી,બાબેન,ઈન્દુ ને બીજા કંઈકેટલાં! કોઈ માહી, મામી, કાકી. પછી કૃષ્ણ નિવાસના સાતઆઠ વરસ ને સાસરવાસે ગોદામનાં બારતેર વરસ.
પાપડ કરવા ભેગા થવું એટલે વહુવારુઓ માટે “મોકળાશની જગા”. અહીં સાસુનણંદના ત્રાસની વાત તો થાય ને સાથે સાસુને ન ગાંઠતી વહુના છાજિયાં પણ લેવાય.પાપડ ફક્ત વણવાનાં જ નહીં પણ એનો લોટ દળાવવો, બાંધવો, ખાંડવો,ગૂંદો ને ખેંચવો, વણવો, સૂકવવો ને પીપળે ભરવો સુધીની વાતે કલાકસબ ને કારીગરી! નવી નવી વહુની પરીક્ષા થઈ જાય પણ મને ઝાંખુંપાંખું યાદ આવે છે કે રામજી ટેકરે સૌથી બળૂકી ગણાતી મણિમાહી જ સૌની વહારે ધાતી.કોણ, કેટલું વહેલું ઊઠ્યું ને પાપડ વણવા હાજર થયું તેનો કેટકેટલો વિચારવિમર્શ! જોકે મારે કહેવું જોઈએ કે મને એ સમયની બધી વાતો ઊજળી જ હતી એવું લાગતું નથી!
કૃષ્ણ નિવાસમાં વાતાવરણ થોડું આધુનિક. નવા જમાનાની વહુદીકરીઓને પાપડ વિશે ઓછું જ્ઞાન હોય તો તેની લાંબીટૂંકી ટીકા નહીં પરંતુ શીખવવાનો આગ્રહ તો ખરો જ.જોકે વીરુફુઈ, પુષ્પામાસી, શાન્તામમ્મી,લલીબેન, બાફુઈ, મોટીકાકી ને ઈરાની અરસપરસની મીઠી નોકઝોક તો યાદ આવે. ત્યારે ભણવાનું મહત્વ વધેલું એટલે ઘરકામમાં આવી રીતે ગારિયું કાડી કામમાંથી છટકવાનું સહજ હતું! ભઈ હંમેશાં ઉપરાણુ લેતા!
તો ગોદામે બાઈના પ્રતાપમાં પાપડ એટલે અગ્નિ પરીક્ષા.પાપડ વણવાં તો બાઈ છીપવાડથી સવેતન વણનારાંને બોલાવે પણ પછી પાપડની લોલ બનાવવા તેનો ખેંચી ખેંચીને ઊજળો કરવાની, સૂકવવાની ને પીપળે ભરવાની વાતે બાઈ બોલાવી કાડે( કાઢે)! બાઈ આખી સિઝનમાંથી વરસમાં પચીસત્રીસ કિલો ( મણદોઢમણ) પાપડ કરે ને કરાવડાવે પણ કોલિટીમાં( ગુણવત્તા) બાંધછોડ નહીં!બાઈની આકરી પરીક્ષામાં ચૈતરનો એ આકરો તાપ ભળીને બેવડાઈ જતો ત્યારે તો પાપડ એવો અકારો લાગતો કે ન પૂછો વાત! આજે ક્યારેક એ જ દિવસો મીઠી યાદની જેમ ઘેરી વળે છે! “ ચાલ,પોરી તારે પિયર કેવું તલિયું બનાવે કહી કાચાં ગુંદિયાં( પાપડના લોટને ગૂંદી ગૂંદીને બનાવેલાં),સેકેલા પાપડમાં તલ ને તેલમાં ઘૂંટી ઘૂંટીને બનાવેલું ને ઉપરથી કાચી કેરીની કટકી મેળવેલું લિજ્જતદાર “તલિયું” તો બાઈનું જ! જોકે મને તો ઈરા બનાવે તે ભાવતું કારણ કે મા જે કરે તેનો ભાર ન લાગે!હિંમતભાઈના, મીરાને સાસરેનાં, કોઈવાર કતારગામની માસીનાં પાપડ તો ઘરના પાપડ સાથે બનાવે ઉપરાંત વખતોવખત આવતાં બીજા મહેમાનો માટે બાઈનો પાપડ- મેથિયાં અથાણાંનો ખજાનો ખુલ્લો.એ જ તો એની ચાહતનું વિશિષ્ટ સ્વરૂપ. બાઈ અને દાદા તથા અમૂલકાકાની ખરી રકઝક પાપડ વણનારાં ને પૈસા ચૂકવતી વખતે થતી! બાઈ કસી કસીને આપે ને દાદા ( મોટાકાકા) તથા અમૂલકાકા કહે કે એમને એમની મહેનતનું વળતર બરાબર મળવું જોઈએ! બાઈ કહે કે કેમ સરબત તો પાયું! એણે ગુંદિયાં તો ખાધા! વગેરે વગેરે વાત કરે ને દાદા કે’તા કે રૂપિયો વધારે આપ, તારું લુટાઈને ખજાનો ખાલી થવાનો નથી પણ આ લોકોને તાં ચૂલો હલગહે તે નક્કી! (કહે કે રૂપિયો વધારે આપ,તારો ખજાનો ખાલી થવાનો નથી પણ એમની ઘરે સાંજે ચૂલો સળગશે! )
પછી એ તાપ ન જીરવાયો ને સંયુક્ત પરિવારમાંથી જ્યારે વિભક્ત રહેવાંનું બન્યું। ને પહેલી છૂટ્ટી પાપડથી કરી ત્યારે “હાશ” જ થયેલી! “મેથિયું” જોકે હજી વળગી રહ્યું છે તે વાત જુદી!હવે તો પાલીબા, આજીબા ને બાઈ પણ એવાં વળગી પડે છે કે એમની યાદો દિલમાં ટીસ ન જગાડે તો જ નવાઈ! આજે હવે તૈયાર પાપડ આવે છે ને પાપડ પંચાયતનું નામનિશાન જડતું નથી!
ને યાદ આવે છે આજીબાનો પુણ્યપ્રકોપ. મેં અસ્તિત્વ સાથે નાતો બાંધ્યો ને સ્ત્રીઓ પર હિંસાને મહત્વ આપ્યું ત્યારે આજી કહેતી કે દીકરી મારી ઘરની વાત ગામને ચોતરે ન કરાય! પે’લા તો બૈરાં હેવવડીપાપડ( સેવવડી, પાપડ, પાપડી વગેરે) કરવાં ભેગાં થતાં, કૂવે પાણી ભરવા જતાં ને તળાવે લૂગડાં ધોવાં જતાં ત્યાં એમનું હૈયું ઠલવાઈ જતું ને એનો બરાપો( બળાપો) ઓછો થઈ જતો. કૂવે તળાવે ગવાતાં કેટકેટલા લોકગીતો! આ રીત પણ ગામને ચોતરે કરાતી વાત ન હતી?પણ આજીબાને તો નવી રીતનો જ વાંધો હતો! સ્ત્રીઓના કેસની ફાઈલ બનાવવી, કેસ સ્ટડી કરવા, રીસર્ચ કરવા,વર્કશોપ કરવી,કાયદા બનાવવા, ઘરની વાત રાજદરબારે લઈ જવી, ન્યાયની લાંબી લડત માટે ઝઝૂમવું,સાહિત્ય અને સંસ્કૃતિ માટે લેખન કરવું ને સંસ્થામાં પણ મરદોની નકલ કરી રાજકારણના અખાડા ઊભા કરવા તે તમારી આધુનિકતા! આવું બા ધરાર કહેતી ! મારી આજી અને બાઈ જેવી સ્ત્રીઓની કોઠાસૂઝ સામે આપણે શું દલીલ કરવી? આપણે તો કામ ચાલુ રાખ્યું ને આવડત પ્રમાણે થાય તેટલું કર્યું પણ આજીની એ વાત સાચી કે છેવટે તો સિવિલ સોસાયટીની વાત કરનારાં દરેક એમ જ કહે કે બને તો ઘરમેળે( બને તો સંસ્થા કે મંડળમાં)ઉકેલ લાવો! આ વકીલોની ફી અને ધક્કા તે કાંઈ આપણી હેસિયતની વાત છે? તો પણ મને તો સ્વતંત્રતા,સમાનતા ને સ્વનિર્ભરતાની વાત ગમે જ છે.
તો હવે ઘડિયાળના કાંટા પાછા ફેરવવા?શ્રમજીવી, મધ્યમવર્ગની ને મેનેજમેન્ટની શ્રીમંત સ્ત્રીઓ માટે પણ પાપડનો મસમોટો ઉદ્યોગ ધમધમે છે અને સિઝન શરુ થાય ત્યારે કે બારેમાસ તાજા પાપડની લિજ્જત હાથવગી છે ત્યારે શું હવે “પાપડ પંચાત” શક્ય છે? જુઓને વાત તો કયાંથી કયાં ગઈ?
- બકુલા ઘાસવાલા.
- વલસાડ.
(૭) : પાપડ/ પાપડી ને સેવ પંચાત :
મીઠું, લિંબુ, ચટણી, પાપડ, અથાણાં વગર અનાવલાની થાળી પૂરી ન થાય તેમાં પણ કેરીનાં જાતજાતનાં અથાણાં પર દેહણની ભારે હથોટી. ગઈ કાલની મારી પાપડ પંચાતમાં એકાદ- બે અગત્યની વાત ઉમેરવાની રહી ગયેલી. કેટલી જાતના પાપડ મળે? તો લાલ મરચાં,ધોળા મરચાં,લસણ,લીલા લસણ,મરી,જીરું,કારિયાં( કાળી અડદની દાળ). ઘઉંની વણેલી સેવ સાથે મરીના પાપડ ખાસ દીકરીના લગ્ન સમયે અપાય જે શુકન ગણાય.
કાળી અડદની દાળના પાપડ” ધમટા” કહેવાય જે ખાસ પુત્રવધૂઓ કે ઘરના હાળી માટે હોય! એ પાપડને ભૂતકાળમાં” વહુ ધમટા” કહેવાતા! કોઈક સાચુકલી અનાવિલ સ્ત્રી જ્યારે ખીજવાય જાય ત્યારે બળાપો કરતાં બોલે પણ ખરી કે મને ઊધ્ધડી( ઊધડી) લાવેલા છે કે? આ શબ્દપ્રયોગ હવે આધુનિક સમયમાં કાને ન પડે પરંતુ એ એક પ્રકારની લિવ- ઈન કે મૈત્રીકરારની સમજને મળે ખરી! હવે મૂળ વાત પર પાછા ફરીએ. વહુ ધમટા પાપડ વણાય પણ જાડા.કેરીના રસની સિઝનમાં એનું મહત્વ ખાસ વધી જાય.હજી પણ ગ્રામીણ અનાવિલ ગૃહિણીઓ પાપડ ઘરે તો બનાવે પરંતુ આસપાસ મદદ કરવા પણ જાય.
પાપડની સાથે ચોખાના લોટની પાપડીનું પણ એટલું જ મહત્વ.હું અને મહાશ્વેતા ઉર્ફે બકુ એ જ વાત પર સંમત હતાં કે એને વેઠ સમજવા કરતાં સ્ત્રીઓનું મિલન સ્થાન કે મોકળાશની જગા સમજવું વધારે તર્કસંગત છે.પાપડી કે સેવ બનાવવાનું પણ એટલું જ કસબનું કામ. તમે કયાં ચોખાની પાપડી બનાવવાનાંથી શરૂઆત થાય તે અમે તો ખુશબોઈની જ બનાવીએ અને અમારે નાઈરોબીમાં- (આફ્રિકા) તો એમાં તજલવિંગ નાંખવાની પ્રથા પણ ખરી ત્યાં સુધીની ચર્ચા મે સાંભળી છે.પાપડીનું ખીચું તો એક વખતનું જમણ તે નાસ્તામાં પણ ખવાય જાય.ઘણાં અનાવિલ ઘરોમાં શિયાળામાં પાપડીનું ચલણ વધારે.ગરમીની મોસમમાં રાત્રે કે મળસ્કે ઊઠી પાપડી વણી રાખી પછી તડકો ચડે એટલે સૂકવવા મૂકવાની પ્રથા પણ હતી.પાપડી ને પાપડનો લોટ ખાઓ એટલે પાણીની તરસ તો લાગે. મિત્ર વિભૂતિએ લખ્યું કે કેળના પાણીમાં પાપડનો લોટ બાંધવાની પ્રથા પણ હતી. મને યાદ છે કે એ પાણીમાં લોટ બાંધે તો મીઠું(નમક) સાચવીને નાખવું પડે તેવું મે અનુભવ્યું છે. જૈનો મગના પાપડ બનાવે જેની સાઇઝ મોટી હોય.હવે તમને પાણીપૂરી પાપડ, ચાટ મસાલા પાપડ,પાંઉભાજી પાપડ, પિઝા પાપડ,સંભાર પાપડ, મેક્સિકન, ઈટાલિયન,ચાઈનિઝ, જાપાનિઝ, બર્મિઝ, દાબેલી પાપડ જેવી વિવિધતા મળે તો નવાઈ ન પામવી. શેરડીના રસના પાપડ તો મળે જ છે.
પાપડપૌઆ,મસાલા પાપડ, પાપડ રોલ, પાપડ ચૂરો જેવી વાનગીઓ હવે મળે છે, જોકે પાપડપૌઆ જૂની વાનગી છે.
પાપડ- અથાણા પર રજસ્વલા સ્ત્રીનો ઓળો( પડછાયો) પડે તો એ બગડે એવી માન્યતા હજી છે પરંતુ મારો અનુભવ છે કે એ બગડતાં નથી! ક્યારેક બગડે તો એ અસ્વચ્છતાનાં કારણે જ.
સેવ વણવાની કલા બધાંને સિદ્ધ ન હોય. ઘઉંનો લોટ કેળવી કેળવીને પોચો પડે પછી એને સેવના સંચા પર મુકાય અને મોટાભાગે તો કોઈ પુરુષ એ ફેરવે ને ગૃહિણી એને ઊંધા ચારણા પર ઝીલે.મને એ ઝીલતા આવડતું હતું પરંતુ વરસોથી જાતે બનાવી નથી. હવે તો મારો જમણો હાથ મને ખાસ સાથ આપતો નથી.સુકવેલી સેવ ઘીમાં સેકીને પણ બનાવાય અને બાફીને પણ બનાવાય.હવે તો તૈયાર ઝીણી મશીનમાં બનેલી સેવ બજારમાં મળે જેનો ઉપમા પણ બનાવાય છે. સેવનો દૂધપાક પણ બને. કાળી ચૌદસે સેવનો દૂધપાક કે ખીર બનાવવાની પ્રથા હજી મારા ઘરમાં સચવાયેલી છે. એની સાથે પૂરી અને દેસાઈ વડાનું મેનું હોય .
મારી ઈચ્છા તો સેવનો સંચો, સેવ બનાવવાની પ્રક્રિયાની વીડિયો, પાપડ- પાપડીની મહેફિલની ઝલક આપવાની પણ હતી. હવે તો ગોદામ કે કૃષ્ણ નિવાસ નથી એટલે એના ફોટા પણ નહીં મળે! એ તસવીરો તો નજર સમક્ષ પરંતુ જ્યારે કરતાં ત્યારે ફોટાની પ્રથા જ ન હતી ને મોબાઈલ કેમેરા પણ કયાં હતા? હવે તો એ દિવસો ગયા તે ગયા!
બકુલા ઘાસવાલા.
વલસાડ.
(૮)મેથિયું એટલે મેથિયું એટલે મેથિયું :
બાળપણમાં બપોરે રિસેસમાં એક જ નાસ્તો હતો તે ચા સાથે પૂરી કે ભાખરી અને સાથે મેથિયું અથાણું.આ જ ટેવ મારા દીકરાને પણ રહેલી. હવે સમય લપટાયો છે એટલે પૌત્રોને એ નાસ્તો ન ગમે પરંતુ મેથિયાનાં સંભારના થેપલા કદાચ ખાઈ નાંખે. અનાવિલ ઘરોમાં ઉનાળાની મોસમ શરુ થાય એટલે પાણીચા કે મૂળામાંના અથાણાથી શરૂઆત થાય. નાની નાની કાચી કેરીને રાઈ, દિવેલ,મીઠું, હળદર, લીમડીના પાન અને થોડું તેલ લઈ મોઈ લઈ બરણી ચોપડી આથી દેવાનું. મને નાની કેરીમાં ટોટાપૂરીનું પાણીચું જ ગમે. તે પાણી અથાય એટલે તેમાં ધોઈને સ્વચ્છ કરેલી ગરમેલ,ગૂંદા, કરમદાં,ગુવારસિંગ પણ આથવાની.ટોટાપૂરી કેરી તો ફણસના ચાંપાં જેવી લાગે એવું અમારાં કૈલાસકાકી હમેશાં કહેતાં. આ અથાણું પછી ખાસ નાગ પાંચમે ખીચડી તથા નોળી નોમે વરડું- રોટલા સાથે ખવાય અને જ્યાફત થઈ જાય.
જોકે મારે મેથિયાંની વાત કરવી છે. કેટલી મેથીનું અથાણું કરવાનું એમ પુછાય. તે રીતે માપ હોય. એક શેર ભરડેલી મેથીએ અઢી શેર મીઠું,પાંચસાત વઘારનાં મરચાં,એક શેર લાલચટક ડબલ રેશમપટ્ટી જાડું ઓછું તીખું મરચું,પાશેર વાટેલી સૂકી હળદર અને પાશેર ઊંચી જાતની ગંધવાળી હિંગ, નવટાંક રાઈનાં કુરિયાં ,જરૂર મુજબ તલનું તેલ અને નવટાંક( ૭૫ ગ્રામ) દિવેલ આટલું મસાલાનું માપ. હવે જો તમે કેરીના ટૂકડા કરો તો સાડા બાર શેર રાજાપુરી કે પછાતિયાની કેરી જોઈએ અને ઘૂઘરા ભરવા હોય તો પંદર શેર. જોકે હવે ખાસ કોઈ ઘૂઘરા ભરતું નથી.આ અઢી શેર મેથીમાંથી અડધો શેર મીઠું કેરી આથવા કાઢી લેવાનું.જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે મસાલો આગલા દિવસે કે બેત્રણ દિવસ આગળ બનાવી લેવો. એક જાડું તળિયું હોય તેવી થોડી મોટી તપેલી ગેસ કે સગડી પર મૂકી તેમાં પહેલાં દિવેલ મૂકવું. દેશી દિવેલ હોય તો એની વરાળ નીકળી જવા દેવાની પછી તેમાં તલનું તેલ ઉમેરવું. ગરમ થાય એટલે તેમાં વઘારના મરચાં નાખવા. મરચાં તતડે એટલે બે ચમચી હિંગ નાખવી અને બશેર મીઠું નાખવું. મીઠું સેકાય એટલે મેથી ઉમેરવી અને થોડોવાર હલાવી તપેલું ગેસ કે ચૂલેથી ઉતારવું. બરાબર હલાવી લેવું. એકદમ ઠંડું પડે પછી તેમાં હળદર, હિંગ, મરચું , રાઈના કુરિયાં ઉમેરી બરાબર ભેળવવું. મસાલો તૈયાર. તેને વ્યવસ્થિત, સ્વચ્છ, સૂકી બરણીમાં ભરી લેવો. આ મસાલો થેપલાં, રોજની તુવર દાળ, દેસાઈ વડામાં પણ વાપરી શકાય. ખાખરા સાથે ખાઈ શકાય.
અથાણાની કેરીને બરાબર ભીનાશને સૂકા કપડાંથી લૂછીને તેના થોડા મોટા ટૂકડા કરાવી લેવા ને તેમાં બાકી રાખેલું અડધો શેર દળેલું મીઠું નાંખી ભેળવી લેવું ને થોડો થોડો વારે ઉછાળવું. પાણી પડે એટલે અથાવાની શરૂઆત થશે.બેત્રણ કલાક એ રીતે ઉછાળતા રહેવું. અથાય એટલે પાણી નિતારવું ને બરાબર પાણી નીતરે પછી જ એને થોડો વાર તડકે સૂકવવું. આ રીતે સૂકવવા માટે એને સ્વચ્છ કપડાં પર પાથરવું. બરાબર પાણી સુકાયું હોય પછી એને મોટી થાળીમાં લઈ તેમાં તેલ નાંખી બધી ટૂકડા કેરીને મોઈ લેવી, થોડો મસાલો કાઢી લેવો.બાકીનો મસાલો કેરીમાં બરાબર ભેળવવો. જરૂરી તેલ લેવું પરંતુ તેલમાં લથપથ ન થવા દેવું. હવે જે બરણીમાં ભરવાના હોય તેમાં પહેલાં થોડો મસાલો ભભરાવવો. પછી મસાલાવાળી કેરીનું લેયર( સ્તર) કરવું. આ રીતે ત્રણચાર લેયર કરવા ને છેવટે ફરીથી ઉપર સંભાર( મસાલો) ભભરાવવો. બરણીનું મોઢું ઢાંકણ અને કપડાંથી બાંધી લેવું. હવે એ બરણીને યથા સ્થાને રાખી બીજે દિવસે સવારે અથાણું દબાવી લેવું.આ દિવસે લગભગ લિટર જેટલું તલનું તેલ ગરમ કરી તેમાં ચમચી હિંગ નાંખી ઠંડું પાડવું ને તેના પર જાળી કે કપડું ઢાંકવું. તેલ ઠંડું પડે પછી ત્રીજે દિવસે( અથાણું ભર્યા પછીના) સવારે ફરીથી અથાણું દબાવી ડૂબે એટલું તેલ રેડવું. આ અથાણું તેલ ડૂબતું જ રાખવું જરૂરી છે. કુલ લગભગ દોઢથી બે લિટર તેલ જાય છે છતાં વધઘટ જોઈ લેવી. આ અથાણું પંદરવીસ દિવસમાં બરાબર અથાય જાય છે. જ્યારે ખાવું હોય ત્યારે નાની બરણીમાં રાખવું પરંતુ એને હવા ન લાગવી જોઈએ. હવા લાગે તો કેરી પોચી પડે. જેમને જે સાઇઝના ટૂકડા ગમે તેવા ટૂકડા કરી રસા સાથે જ કાઢવું. આ અથાણું સામાન્ય રીતે ડૂબતું તેલ રાખીએ તો પોચું પડતું નથી ને ફૂગ પણ લાગતી નથી. હવે કેટલાકને પ્રશ્ન નડે તો તે કેરી કે સ્વચ્છતાનું કારણ હોઈ શકે.
આ તો અથાણું બનાવવાની રીત કહી પરંતુ અમે જેમની પાસે શીખેલાં તે અમારાં સાસુમા”બાઈ” ગુરુ તરીકે કડક. તમને પૂરું માપ ક્યારેય ન બતાવે. શેરના માપમાં પણ “ ચપટી ઈંગ(હિંગ) ને ચેંગરું તેલ ( ચાર આંગળાંનો એક હાથનો ખોબો તે ચાંગળું એટલે કે ચાર આંગળાંનું માપ) એમ બોલે ત્યારે આપણે મોઢું વકાસી સામે જોઈએ તો એનાં તેવર બદલાય ને પારો ઊંચો જાય! સગડી કે ગેસ પાસે બધું જ તૈયાર જોઈએ. જો તમે તે સમયે દીવાસળીની પેટી કે લાઈટર શોધવા નીકળો તો તમારી ખેર નથી.બપોરે મસાલો તૈયાર કરવાનો સમય પકડે ત્યારે આપણને જો બગાસું આવ્યું તો પછી ગયા કામથી! બાઈની પાન પટ્ટી પતે ને તૈયાર રસોડે એની પધરામણી થાય ને મસાલો બને ત્યારે એની છટા જોવાની! આપણે ભૂલમાં પહેલાં મેથી કે મીઠુંની મૂંઝવણ અનુભવીએ તો ખલાસ! બરણી પર બાંધવાનો કટકો સ્વચ્છ, સફેદ ધોયેલો જોઈએ જ. નાડુ પણ સામે જ જેથી બાંધવાનું સરળ પડે. જે બાઈનો તે સમયે ડર લાગતો તે બાઈ આજે એટલી યાદ આવે કે ન પૂછો વાત! આજે જે કાંઈ ઘરગથ્થુ આવડત છે તેમાં એનું પ્રદાન નોંધનીય. બીજી પણ વાત કરવી જોઈએ કે બાઈ ગુસ્સેબાજ હતાં પરંતુ આસુતોષ. તરત રીઝે પણ ખરાં. શોખીન તો એટલાં જ. આજે બાઈ પુરાણ નથી એટલે અહીં અટકું.
નવું અથાણું બને તે પહેલાં બરણી સાફ કરવા જૂનું અથાણું ખાલવે તે ઘરકામ સહાયકોને યાદ કરી કરીને બાઈ આપે. નવું અથાણું પણ બધાંને ખવડાવે. હું હજી આજે પણ અથાણું ખાઉ કે ન ખાઉં પરંતુ બનાવું તો ખરું જ. અમારાં લગ્ન થયાં ત્યારે તો બધાં કાકાના ઘરે સાથે અથાણું બનતું એટલે વાડીએ કેરી લેવા જવાનું.જેને જેટલી જોઈએ તેટલી કેરી મળે તો ખરી પરંતુ કડવી કે મીઠી રકઝક તો ચાલુ જ રહે. ઘરની વાડી પણ છીણ કે છૂંદા તો ફૂટિયાંનાં જ બને. “ફૂટિયાં”એટલે પડેલી કેરી, તોડેલી નહીં! મુરબ્બો “હાખિયા”નો ઓય તો બો’ હારો! ( મુરબ્બો “સાખિયા”નો હોય તો બહુ સારો: સાખ(આંબા) પર અડધીપડધી પાકેલી કેરી તે “સાખિયું” જે પછી તૂટી પડે)સાખિયાની વાત નીકળી એટલે એક અનાવિલ રૂઢિ પ્રયોગ કહું. જે વરરાજા પરણવા એકદમ તૈયાર હોય તેને “ હાખિયું” કહેતાં પોરીવારાને( છોકરીવાળાને)સલાહ અપાય કે તમતમારે પૂછો ,”હાખિયું જ છે રે! , તૂટી પડહે. “( તમારું નક્કી થઈ જશે)
આ મેથિયું પરથી એક ગાળ છે તે એ કે વાતે વાતે ચીડ વ્યક્ત કરવા બોલાય, “મેથિયા જમ્મા( જમવા) અર્થ એ કે મેથિયું જરા ગરમ એટલે ખાય તો પિત્ત થાય ને દાઝરો બરે( બળે) એટલે કોઈ તરફ કટાક્ષ કરવો હોય તો આવું બોલાય કે મેથિયાં જમવાં!
ખીચડી, રોટલા, પૂરી, ભાખરી સાથે તો મેથિયું હંમેશ જાય પરંતુ એનો ખરો રંગ વાલની હીપ( સીપ: સળંગ) દાળ, રોટલા ને કાંદા સાથે પ્રગટે. હવે તો આચારી પરોઠાં પણ પ્રખ્યાત છે. તો આ મેથિયાં ઉર્ફે અવેજિયાં પુરાણ અહીં સમાપ્ત! હજી તડકાછાંયડાની છીણ, મેથંબો, મુરબ્બો, બફાણું, ગોળિયુ, કેરીચણા, કટકીના અથાણાની કથા બાકી રહે છે!
બકુલા ઘાસવાલા .
(૯) : મકુ, મોટીબેન!:
એ મંછી… મકુ મોટીબેન છે કે? એમ કરતાંક ગજરીમાહી ઘરમાં આવે. આવવાનું કારણ ગામગપાટા જ ઓય. મોટીબેન બી એની રા’ જોતી જ ઓય.મંછી બી જાણતી જ ઓય કે ગજરીમાહી આવહે એટલે બેઉ બેને એવી વાતે વરગહે કે દુનિયા ડોલાવી મૂકહે. એ પાનદાની હામે મૂકી જ દેઈ. ગજરાબા આવે એટલે કોન્તાની વઉ હૂપડે આવવાની ને કોન્તાની પોરી હૂપડે જવાની તેની યાદી લાવેલી જ ઓય. મકુ મોટીબેન, આ હવલીની તો ખરી દસા છે, એની જ પરજા વધારે તે એક પછી એક વઉ ને પોરીની હુવાવડમાંથી જ એ તો ઊંચી ની’ આવે. મકુ, મને મલી તે મે તો કીધું કે અવે તું એમ કર કે વઉને હુવાવડ કરવા પિયર મોકલ, એની માઈ જુવાન છે તે કરહે ને મકુ, પોરીને કે’ કે હાહુને માથે પડ! મારી બેટી જ્યારે ઓય ત્યારે અલ્લંગ નીકરી જતી છે તે! મકુ મોટીબેન, આ હવલી તું કે’ઈ કે ની’ કે’ઈ પણ નરમ જ પડે એટલે હું થાય કે નબરી બોરડીને બધાં જ ઝૂડે!
એટલે મોટીબેન ઉવાચ: મકુ, ગજરી, તારી વાત તો હાચી! ઓ ભરી, હવલીન્તા તો તત્તણ જણીને પોયરું આવવાનું છે. મકુ, તું જાણે કે ની’ કે એની મોટી નણંદ તો આમ બી અરામખોર જ છે તે વરી પોતાની પોરીને લેઈને અંઈઆ કૂટાવાની છે એટલે હવલીએ વરી ચોથી પરોજણ બી) લેવી પડવાની કારણ હું ગજરી કે તારી એક બી’ સલ્લાહ હવલીથી ની’ મનાય. એને તો પોતે બો’ હારી દેખાડવાનો સોખ ઓછો થોડો? મકુ, તું તો જાણે કે’ની કે હવલીના પોયરાની મોટી ઓસ્પિટલ તે બધા મફતિયાં એન્તાં જ ધામા લાખે! પોયરો મફત મોતિયા કાડી આપે ને વઉનું હુવાવડખાનું તે મફત હુવાવડ થેઈ જાય પછી વરી હવલીની ઓય કે તારી ની’ તો મારી વિલાત ઓય લાલા લાભ છોડે? રામ રામ ભજ, હવલીનો પત્તો ની’ પડે! જવા દે એની વાત!
મોટીબેનના આથમાં માઈક આવે પછી એ છોડે ની’ એટલે એ જ બોલે: મકુ, તું પેલી પાલીની પોઈતરી ને સાન્તિના દોઈતરની વાત ચારવતી ઉતી તે તલમાં કંઈ તેલ છે કે ની’? ગજરીનાં પેટમાં તો એ વાત ચૂંથાયા જ કરતી ઓય એટલે માંડીને વાત સરૂં કરે. મકુ મોટીબેન, મૂકની એ પડપૂછ! આજકાલની પરજાને તું કા ની’ જાણે? ઓસ્ટેલમાં મૂકેલી ને પાછી ભણવામાં ઓસિયાર એટલે પોરી તો માઈબાપને ગાંઠે ની’ ને એમ કે’ય કે એન્તા ગારબેજ કેટલું છે? મકુ, આ તે કેવું ભણતર? મકુ મોટીબેન, મેં તો પછી એને કીધું કે તું ને પાલી ઓ ઘરડાં જ કે’ની? તે તમે બી ગારબેજ ખરાં કે’ ની? મકુ મોટીબેન, લાવ તારી તપકીરની ડબ્બી ને પાન બનાવ. આજે આખ્ખી બપોર એ બેઉ હાથે માથાકૂટ કરીને ઉં તો એવી લેભાઈ ગેઈ કે ન પૂછો વાત! મકુ, તું તો જાણે કે પાલી તો કેવી મોટામાની આઈટેમ છે? એની પોરી ને જમાઈની ચાતરમ વરી કાંઈ ઓછી કે? અમારું ઘર તો અનાવલામાં અવ્વલ નંબરનું તેન્તો મગજમાં એટલી અવા કે ન પૂછો વાત! મકુ મોટીબેન, અવે એટલું હીખી કે વે’વા લગ્ન કરાવ્વામાં પડવા જેવું ની’ મલે!
બેઉ બેનોએ પાનપટ્ટી ને તપકીરનો હડાકો લીધો ને મોટીબેન ઉવાચ: ઓ ભરી…. મકુ ગજરી , ઉં હો એમ જ કે’વાની ઉતી કે બેઉ પાલટીને મેરવી આપ્પાનાં! પછી છો કૂટાયાં કરતાં! તે ગજરી , મકુ મેં હાંભર્યું કે તારતાંની મોટી વઉ તો મુન્સિપાલ્ટિનાં ઈલેક્સનમાં ઊભી રે’વાની દેહું ને? ને તે હો પાછી હામે પક્સે? મકુ, તે તારી તો બાઈ બોલાઈ જવાની! ગજરી ઉવાચ: મોટીબેન, આ તેંત્રી ટકાનું આઈવું ને તે હામાં પક્સવારા એને ટિકિટ આપ્પા કરે ને તારા બનેવી તો જૂના જોગી તેં કાંઈ ખુરસી છોડે? મૂર પાલ્ટીનો સ્થાપક વટલાઈ જાય પણ મારાવારા તો પાલટીને જ વફાદાર! સિદ્ધાંતનું પૂંછડું! આ બાપદીકરા હામહામે થેઈ ગેઈલા છે. મકુ, મોટીબેન, તું તો જાણે કે’ની કે આપણું તો કિયારે ઉપજેલું કે અવે ઉપજવાનું? રોજેરોજ ચાના પવાલાથી તોપ્ફાન સરૂં થેઈ જાય! વઉ બી બચાડી ના પાડે કે ઘરમાં આ બબાલ નો’ કરો પણ મારો કુંવર તે વરી કોઈને ગાંઠે કે? મકુ, તું તો જાણે કે વઉના પિયરિયા ખમતીધર ને વરી હામા પક્સમાં , ભારે લાગવગિયાં બી એટલે મારો વછેરો તો બો’ કૂદે! નાલ્લો ઉતો તિયારથી જ બાપની હામે થતો તે તું તો જાણે જ કે’ની? મકુ, મારતાં ( મારે ત્યાં) તો વઉ બરાબર હમજે કે પિયરમાં એમ ભરાયા કરવાથી કોઈ સુક્કરવાર વરે ની’ પણ એટલી હાદીહીધી વાત મારો કાનકુંવર ની’ હમજે તેમાં મેં હું કરવાની? લડહે, બદ્ધાં હામહામે તો છો લડતાં!
મકુ મોટીબેન, આ રામાયણ તો એવી જ રે’વાની, આપણે હું કરવાનાં?ચાલ, અવે મને ઉઠવા દે, મોટાના બાપા આવી લાગહે તો વરી મારે પાછી એની હાથે તું તું મેં મેં થેઈ જહે! મકુ, કાલે મલીએ, તું મારી હાથે ભાગડે આવ્વાની હું?તું જો આવતી ઓય તો ભાઈએંતા ડોકિયું કરી આવીએ. મોટીબેન તૈયાર: મકુ અવે પછી ભાગડેનો ચિતાર!
- બકુલા ઘાસવાલા
- આ ચિત્ર દીપક દેસાઈની વોલ પરથી લીધું છે.
૭/૩/૨૦૨૧: ફેસબૂક
- (૧૦) : ચા કરતાં પવાલાં ગરમ!:
બોલ સીતુ , તને હું વાત કરું? આ છ મઈનામાં મને હૌથી વધારે ત્રાસ પઈડો ઓય તો ઓસ્પિટલોમાં કામ કરતાં સ્ટાફ મેમ્બરોનો! આપણે બી’ જાણીએ કે આપણે કાંઈ તીન પચ્ચીનાં તાલેવાન નથી કે બાલના બિછાના મલે ! એમની મુસ્કેલી હમજીને વાત કરીએ તો જ આપણો કેથે ઘાટ પડે! ઘાટ પડે એટલે એવું કે કોઈ આપડી હાથે ગમે તેમ વાત ની’ કરે!ઓસ્પિટલોની ચિક્કાર ગીરદી,હેસિયત કરતા વધારે પેસન્ટ જોવાની લાહ્યમાં ડોક્ટરો હુધી તો જેમતેમ પોંચાય! આમ તો પોંચ બા’ર જ ! વોચમેનથી જ સરૂઆત થાય, પેસન્ટ ગાડીમાં કે રિક્સામાં બેઠેલું ઓય તિયારે કંઈ પારકિંગમાં ગાડી ઊભી રખાય કે? અજી તો જેઈને ઊભા ની’ રીએ કે દોડે!હટો, હટો! અરે! બેઉ ઉંમર લાયક માણહ ઓઈએ તો ઉતરતાં વાર તો લાગે કે’ની? મન્તો અવે આ વોચમેનોનો “ફોબિયા” થેઈ ગેઈલો છે! બીજાની હું વાત કરું?આપણાં હગાંવા’લાન્તા મલવા જીએ તો તેને બારણે હો આપણે તો ગાંડાં જેવાં ઓઈએ તેવું જ લાગે! મેં તો નક્કી જ કઈરું કે જેન્તાં વોચમેન ઊભા રેઈલા ઓય તેન્તાં કામ વગર કૂટાવાનું જ ની’! જાતની ફેક્ટરીના વોચમેનને બી’ કે’વું પડે કે ઉં કોણ છું ! ને તારા જીજા તો કે’ઈ કે એ તો એની ફરજ બજાવે એમાં આપણે અકળાવાનું હું કામ? તે ફરજ દંડાગીરી, દાદાગીરી, તોછડાઈ કરીને જ બજાવાય કે? એટલું તો આપણને બી’ ભાન ઓય કે કોઈ આપણે હારું આંખમાં કાજર આંજીને બેહી નથી રેઈલું! ને ગરજ આપણને બી’ ઓય! આ લોકો હરખી રીતે વાત કરતાં થાય તેના ક્લાસ ઓહે કે’ની?
આટલી વૈતરણી પાર કરીએ કે લિફ્ટમેન હામે આવે! તેનો મિજાજ તો આસમાને જ ઓય! અમણાં મારો પગ મોચવાઈ ગેઈલો એટલે મને દાદર ચડઉતર કરતાં તકલીફ પડતી ઉતી’! આપણે જો પે’લા મારે( માળે) જવું ઓય કે પે’લા મારથી નીચે આવવું ઓય તો તો જાણે હું ગુનો કઈરો ઓય તેવું મોડું( મોઢું) કરે! રિસેપ્સન પર બેઠેલાં તો ડોકું પ્ફોનમાં કે કોમ્પ્યુટરમાં જ ઘાલીને બેઠેલાં ઓય! બેતણ બેઠેલાં ઓય તો કોણ જવાબ આપ્ફે તે નક્કી ની’! મોટા ભાગે તો દાક્તર ઓરખીતા ઓય પણ એના હુધી પહોંચતાં તો નવનેજાં ઊતરે! ગમ્મે તેટલું આગરથી નામ નોંધાવી આવેલાં ઓઈએ કે એપોઈન્ટમેન્ટ બી’ લીધેલી ઓય તો બી’ એક ઓસ્પિટલ કે એક દાક્તર પાહે જવાનું ઓય તો અડધી વેર થવાની તે તો નક્કી જ ! આપણે બી ’ જાણીએ કે પેસન્ટ કાં કાં થી આવે તે લોકની હું આલત થતી ઓહે! આટલી ઓરખાણે જો આવા અનુભવ તો વગર ઓરખાણવારાંને તો કંઈ બોલવાનું રે’તુ જ ની’ ઓહે! એમ તો લોકોને સાન્તિથી બેહી રેતાં જોઈલાં જ છે! એ બીજું યાદ આઈવું કે તેં દાક્તર આપણાં રૂમમાં વિજિટે આવે તે લાવલસ્કરનો અનુભવ કરેલો કે? એ આટલી ફોજ લેઈને આ દાક્તરો હું કામ ફરતાં ઓહે?દાક્તરને મનમાં રામ વહે ને જો હરખી રીતે ભાવ આપીને આપણી હાથે ( સાથે) બે વાત વધારે કરે કે ઓળખાણ કાડે ત્યાર પછી જેણે આપણી હાથે તોછડાઈ કરેલી ઓય તે ગરમ પવાલું જરાક ઠંડું પડે! મન્તો એવું લાગે કે જેમ લાવલસ્કર મોટું તેમ વટ વધારે પડે એવું એ લોકો માનતા ઓહે કે?
આપણે બી’ હમજીએ કે આ બધાં લોકોનું કામ કાંઈ નાનુંહૂનું ની’ મલે! રોજેરોજ કંઈકેટલાં માણહો હાથે એમના બી’ પનારા પડે! જોઈતાં ઓય તેનાં કરતાં માણહ તો ઓછાં જ ઓય ને કામ વધારે ઓય! નાઈટ ડયૂટીવારાનું તો આવી જ બને! રાતદા’ડો જોયા વગર કામ કરવાનું ને એમનો ખાવાપીવાનો ટાઈમ નક્કી ની’ ઓય! ઘરમાં કેટલાં કામ કરીને આવવાનું ઓય! ઈમરજન્સીમાં તો દોડવું જ પડે! એમને બી’ ઇન્ફેક્સન લાગવાનું જોખમ તો ખરું જ ને? દાક્તરો બી’ કદાચ આપણે મોડે ( મોઢે) હરખી વાત કરે ને પછી આ લોકોને કે’તા બી’ ઓય કે બદ્ધાંને લાઈનમાં જ બેહાડી મૂકવાનાં તો બી’ નવાઈ પામ્મા જેવું ની’ મલે! અમે તો ભલભલાને લાઈનમાં બેહાડીએ ને રાહ જોવડાવીએ એવું બી’ મનમાં ઓય તો કોને ખબર? એટલે જ કદાચ પવાલું ચા કરતાં ગરમ લાગતું ઓહે કે?
એ સીતુ, અજી તો આ અનુભવની જ વાત કરી બાકીની દાસ્તાન કાંઈ ઓછી ની’ મલે! તું કે’હે કે હારાં અનુભવ થીયા જ ની’ કે? તો હાચ્ચું કેઉં કે થીયાં પણ ઓછાં! બાકી આ વખતે તો કેરવાઈ જ પડી! મને બદ્ધી જગાએ ઓરખાણ આપી આપીને ઘૂસવાનું ની’ ગમે! આપણે સામાન્ય માણસ જ છીએ તે વાત ઉં મનમાં ઘૂંટી ઘૂંટીને જ જીવું! આ તો તારા બનેવીને તકલીફ ની’ પડે એટલે ઓરખાણ કાડવી જ પડે એવી આલત ઉ’તી તો હું કરું? ને એમ ઓરખાણ કાડી કાડીને જ આ બે બે મોટી માંદગી પંજેલી! મને બી’ આંખે મોતિયા ને ઝામર! વરી તાં ઓસ્પિટલમાં હફલી પડેલી! અવે ઘૂંટણ ઘહાઈને પગ મોચવાઈ ગેઈલો તે દાદરા ચડઉતરની ભાંજગડ! તાં પાંચ પાંચ દાક્તરો , ચારપાંચ ઓસ્પિટલો, બેપાંચ લેબોરેટરીઓવારા હાથે કામ પાર પાડવાનું, બદ્ધું કામ બાજુએ મૂકી આ બધાંને ભેગાં કરવાનું, ઈન્ટરનેટ દાક્તરો, અમેરિકા ને આહાંપોરનાં દાક્તરોની હાથે હગાંવા’લાં, દાઈદોસ્તારોની ઢગલો સલાહ હાંભરવાની! જો કેથે આપણે બી’ વાંકું બોઈલાં તો બદ્ધી ધાડ બોયકોટ ની’ કરે તેના બીક તો ખરી જ!
તે સીતુ, મારી વાત હાચ્ચી ને કે’ ચામાં તો ગરમી ઓય પણ પવાલાંમાં વધારે ઓય!
- આ દાસ્તાન આમ તો કાલ્પનિક છે છતાં એમાં અનુભવનું સત્ય વધારે મુખર છે!
- બકુલા ઘાસવાલા.
(૧૧) :વ્રતધારિણી:
એ તો સવારથી ભૂલી જ ગયેલી કે આજે વટ સાવિત્રી વ્રત છે!વરસોથી એને કોઈ જપતપવ્રતઉપવાસ યાદ રહેતાં નથી.એને મન કેવડાત્રીજ,કરવાચોથ કે ઋષિપંચમી…. બધું સરખું! એ પોતે બરાબર ખોરાક લે, દવા વગેરે કરે અને પોતાની તબિયત સારી રાખવા પ્રયત્ન કરતી રહે ! એણે ક્યારેય કપડાંઘરેણાં ખરીદવા,હરવાફરવા માટે કે હોટલ- સિનેમા માટે પતિ પાસે માગણી કરી નથી! પોતાની વરસગાંઠ કે લગ્નદિન મનાવ્યો નથી કે તે દિવસે હીરાઝવેરાતનો આગ્રહ રાખ્યો નથી!
તો આ વટ સાવિત્રીએ એણે શું કર્યું? સવાર સવારમાં પતિ પરમેશ્વરને એ ડોક્ટર પાસે લઈ ગઈ કારણ કે એ જ જરૂરી હતું.છેલ્લા પાંચસાત વરસથી તો એમ જ સંભાળતી આવી છે પરંતુ છ માસથી તો બીજું કંઈ જ વિચાર્યું નથી!
જોકે કેટલાક લોકો તો રીતસર એની પાછળ બોલતાં જ રહે છે કે એકદમ નાસ્તિક છે! એને થાય છે કે સાચી વ્રતધારિણી કોણ?
- બકુલા ઘાસવાલા.
(૧૨)
એક ગામના સરપંચ ગામના લોકોને સંબોધતા હતા......
ભાષણ આપતા હતા,
ભાઈઓ અન બોનો,
ગોમના વિકાસ હાતુ ચેટલાક આકરા પગલોં લેવાનુ મુ વિચારી રયો છું,
એમ તમાર બધાયે સહકાર આલવો પડશે.....
આવ કોઈ લુલું લંગડું બોબડું મોણહ અશે એન આપણ વીકલાંગના બદલે દિવ્યાંગ કૈશું,
જાઝરા ન સંડાસન આપણ ઈજ્જત ઘર કૈશુ,
અવ આપણાં ગોમમ અન આખા દેશમ ગરીબ જે અનાજ ખાય છ એ મકઈ ન આપણ દીવ્ય અન્ન કઈશું,
આવા ચેટલાય શબ્દો ગોમના વિકાસ હાટુ બદલી નાછ્યા છે એ તમન કૌ....
સાયકલ ન દરિદ્ર રથ કેવાનું.....
ગાય ભેશ ના પોદરાન પશુપ્રશાદ
ટ્રેકટર ન ભુમિરથ.....
ગામ બસસ્ટેન્ડ ન નગરનાશીકા..
સ્રીઓના ઘાઘરા ન લજ્જાવસ્ત્ર...
પુરુશના લેંધા ન વિરપાયજામો...
દુધ ન શ્વેત ગંગા......
છાશ ન શ્વેત ગંગા નિર......
માખણ ન શ્વેત ગંગા વિર.....
ઘી ન શ્વેત ગંગા પતિ.......
દાતરડા ન ક્રુષિ શમશેર....
ખરપડી ન ક્રુષિ કટાર.......
પાવડા ન ક્રુષિ ઢાલ.......
ખેતિ ની જંતુનાશક દવાઓ ન ક્રુષિ વૈધ.....
જોવો આવ ગોમના બધાય મોણહોએ આ ગોખી નાખવાનુ
અન આવા નામેજ આ બધી વસ્તુન બોલવાની,
એનાહી દુનિયાની કોય તાકાત આપણો ગોમનો વિકાશ રોકી નૈ શકે......
મિત્રોઓઓઓઓઓઓ…
તૃપ્તિ શેઠે જગદીશભાઈ ( સત્ય શોધક) લિખિત આ ગદ્ય ખંડ મને વોટ્સ એપ પર forward કરેલો પછી મને થયું કે લાવ, એનું અનાવિલ,લાટ બોલીમાં રૂપાંતર કરું.છેલ્લે મારું ઉમેરણ પણ સામેલ છે. તો એની જગદીશભાઈના આભાર સાથે પ્રસ્તુતિ:
એક ગામના સરપંચે ગામલોકને ભાસણ આપતાં કે’યું કે-
બેનો ને ભાઈઓ,
આપણે આપણાં ગામનો વિકાસ કરવો છે
એટલે કેટલીક હારી વાત મનમાં આવતી છે.
તમને હાંભરવામાં રસ ઓય તો બોલું.
તમારા બધાંનો હાથ ઓય તો પછી પગલા લેઉ.
અવે લૂલાંલંગડાં આંધરાં બે’રાં જણને વિકલાંગને બદલે દિવ્યાંગ કેહું.
જાજરૂ ને સંડાસ કે ટોઈલેટબોઈલેટને બદલે ‘ઈજ્જત ઘર’ કે’વાનું!
મકુ, મેં હું કે’યું!હાંભર્યું કે બરાબર?
ને જારબાજરી,મકાઈ,નાગલી જે જુદા જુદા ગામમાં ને સેરમાં ને
વરી આખા દેસમાં જ ગરીબને જે ખાવાનું મલે તેને ‘ દિવ્ય અન્ન’ કે’વાનું!
મકુ , મેં હું કે’યું! હાંભર્યું કે બરાબર?
આવા તો જાતજાતની સબ્દ આપણે આગળ વધવા હારું બદલી કાઢેલા છે.
સાયકલને ‘ દરિદ્ર રથ’.......
ગાયભેંહના પોદરાને ‘ પસુપરહાદ’( પશુપ્રસાદ) ………
ગાંધીબાપુએ તો વરી એને ‘સોનખત ખાતર’ કેઈલું.
ટેક્ટરને ‘ભૂમિ રથ’.........
ગામના બસસ્ટેંડને ‘ નગરનાહિકા’(નગરનાશીકા) ……….
બૈરાંના લૂગડાંને ‘ લજ્જાવસ્ત્ર’.........
મરદના લેંઘા કે ધોતિયાને ‘ વીર પાયજામા’..........
દૂઝાણાંને ‘ શ્વેત ગંગા’ ……..
દૂધને ‘ધવલનીર’............
છાસને ‘ ધવલતક્ર’
માખણને ‘ ધવલ ગંગા વીર’...........
ઘીને ‘ ગૌ-ગંગા પતિ’...........
હાંભરતાં છે કે ?
મકુ, મે હું કે’યું?
દાત્તડાને(દાતરડું) ‘કૃસિ સમસેર’કૃષિ સમશેર’………..
ખરપડીને ‘ કૃસિકટાર’( કૃષિ કટાર).............
પાવડાને ‘ કૃસિ ઢાલ’( કૃષિ ઢાલ)............
ખેતીમાં વપરાતી જંતુનાશક દવાને’ કૃસિ વૈદ’( કૃષિ વૈદ) …….
મકુ, મે કે’યું તે હમજ પડી કે?
ને યાદ રેહે કે?
ની’ તો મે હું કેઉં કે
બદ્ધાંએ ગોખી કાડવાનું……….
ને આમ જ બોલવાનું…….
આમ કરવાથી આખી દુનિયામાં ડોલવા વિકાસને કોઈ રોકી ની’ હકે
આપણો વિકાસભાઈ દુનિયામાં ગાજવાનો તે નક્કી……..
હું કે’યું હરખી હમજ પડી કે’ની?
એઈ………તમે તો બધાં મારા જ છો!
ને જુઓ ,
મે જાગા ને તમતમારે ઊંઈઘા કરજો!
એટલે પ્ફટાપ્ફટ વિકાસ થેઈ જહે………..
ઓ ભાઈઓ…….. અમણાંથી જ કા ઘોરવા માઈડું…………
મકુ, મે કે’યું તે હાંભર્યું કે બરાબર…………………………………………………………..
- જગદીશભાઈની ( સત્ય શોધક) સૌરાષ્ટ્રીયન બોલીનું અનાવિલ - લાટ બોલીમાં મે કરેલું રૂપાંતર.
(૧૩) આપવું હતું માને સરપ્રાઈઝ!
જીવનમાં ક્રાન્તિનું સરપ્રાઈઝ!
બન્યું અવનવું,
સમજાયું અનોખું,
મળ્યું નવતર સરપ્રાઈઝ!
18- એ…….. ! તારતાં((તારે ત્યાં) આજે હું બનાઈવું ને હાનું હાક?:
- બોલો, હવારહાંજનો આ યક્ષપ્રશ્ન ખરો કે ‘ ની ? હવારથી ઊઠીને આજે હું બનાવવું ને ઘરનાં લોકો ને ખુસ કરવા તે જાણે દરેક ગૃહિણીના જીવનમરણનો સવાલ ! અવે વિચાર કરો કે આમ તો દારભાત કે ખાટુંકડી કે બો’ થાય તો ખીચડીકડી( કઢી ), હાક ને રોટલી કે ભાખરી જ બનાવવાનું ઓય એમાં હું ધાડ મારવાની ? ને હાંજે વરી રોટલા કે ભાખરીને કઠોર(કઠોળ) . અનાવલાને તો હાંજે વાલની દાર કે હીપ ( સીપ ) ને રોટલા મલે એટલે જાણે પાંચ પકવાનની
- મે’ ફિલ( મહેફિલ ) થેઈ જાય ! પણ અવે ની’ પરજાને તો એ કાંઈ ગરે( ગળે ) ની’ ઊતરે . પાઉંભાજી , પાણીપૂરી ને ચાટ , ઈડલીઢોંસા ને મેંદુવડાં ,પાસ્તા ને પીઝા , થાઈ ને ચાઈનીસ , મોગલાઇ ને બર્મીઝ ને બઈરું પેલું હું કોન્ટિનેન્ટલ ! કોન જાણે અવે ની વઉપોરીઓ બી’ આપડી પાહે કાંઈ હીખવા ની’ માંગે ને કુકિંગ કલાસમાં જાય ! એમ કે’ય કે ટ્રેડિશનલ ડીશ ની’ ભાવે!
- આપણે તો અરીફરીને ગુવાર ,ચોરી , ભીંડા , ફણસી , પાપડી , તુવેર , દૂધી , તૂરિયા , કાંદા , કારેલા ને કંટોલા , ટમેટાં , વેંગણાં ને બો’ થાય તો હુરણ , હક્કરિયો ને રતાળુ બનાવીએ . બટાકા તો જાણે બારેમાસ ને હવારહાંજ ઓય જ , બીજું તો હું વરી , પાલક ને રાતા છોડની ભાજીનું હાક બનાવાય . હાંજે વરી કઠોર કે બો’થાય તો વડ્ડું ( વરડું ) ! અમાર તાં એને તો લોટની જ બધી વસ્તુ ભાવે એટલે મૂઠિયાં , ભૂકા , પૂળા , પીઠલાં તો ચાલુ જ . વરી અમારાવારા તો મસકરી કરતા ઓય તેમ પૂછે કે આજે થાર( થાળ ) માં હું( શું ) છે ? ને હું બનાવું એમ પૂછવા જીએ તો કાર કાડવાના ઓય તેમ વદે કે કંટોલા ! ભાઈ , કંટોલા એટલા મોંઘા કે એના પર તો આથની મુકાય તેનું ભાન ઓહે કે ? વરી અથાણા , પાપડ , ચટણી , કચુંબર તો થારીમાં ઓય જ .
- સિઝન સિઝનનું ફરસાણ બી’ તો બનાવીએ જ કે’ની ! દેહાઈવડાં , ભજિયાં ,પાતરાં , ઢેખરાં ,મૂઠિયાં , ઊંધિયું , ઊંબાડિયું , ખમણ , ઈદડાં ને એવું તો બઈના જ કરે ! ને દૂધપાક , બાસૂદી , સીરો , સેવ ,મગજ , લાડવા , ગોરપાપડી , શિખંડ એવું હો ની’ ખાવા કરે ! બોલો , ઉં તો ગાજર , દૂધીનો હલવો , કોપરાપાક ને ફ્રૂટ સેલેડ બી’ બનાવું પણ મોઢે લગાડે તો કે’ની!
- પછી આપડે હું કરવાના ? રસોડામાં જીએ તો બી’ બનાવતા હું આવડે ? અવે પેલાને હું કે’વાય ? ડાયેટિસિયન કે’ય કે ટ્રેડિશનલ ફૂડ ખાવું જોઈએ એટલે ભેજામાં કાંઈ ઊતરતું ઓય એવું લાગતું છે .
- બોલો , આટલું બધું યાદ કઈરું તો બી’ હાંજે હું બનાવવું તે વાત તો તેમની તેમ જ રે’ઈ ! મારતાં ( મારે ત્યાં) તો હું થાય તે ખબર કે’ની ? મારા એ કે’ય કે જા ને જો કે બાજુમાં ભાભીએ હું હાક બનાવેલું છે ? હાક તો મારતાં આજે કે કાલે બનાવેલું તે જ ઓય પણ ઘરનું ની’ ભાવે ! તે પૂછી જ મૂકું કે મકુ , તમે આજે હાંજે હું બનાવવાનાં ? આ કથા તો ઘર ઘરની છે , ફક્ત મારી વાત નથી , તમને હું લાગે ? મારી વાત ખરી કે’ની ?
- આ સાથે આપેલી તસવીર કોનું સર્જન છે તે ખબર નથી પરંતુ મારા લખાણ સાથે બંધબેસતું છે એટલે સાભાર પ્રસ્તુત કરું છું. મને Ruth Mac ની વોલ પરથી જડી.
-


લેખ 6
અનાવિલ બ્રાહ્મણ ,
દેસાઇની પ્રચલિત વાનગીઓ .......
દેસાઈ વડા -
ઢેકરા -
પાપડીમાં ઢોકળી-
તુરિયામાં પાતરા -
મેથીની ભાજીનો ભૂકો - -ભડકુ -
ગરવાંણું-
વાડીનું ઉંબાડિયું -
દૂધેલી- -
વરડૂ રોટલા -
સફેદ દળનો લાડવો -
મગનું ખાટું - -મેથીના લાડવા - રવાની પુરી- સુરણની દાળ -બફાણાં- કાંદા કરેલાનું લોટારુ
1-દેસાઈ વડા
સામગ્રી
ઘઉં -જુવારનો જાડો દળેલો લોટ
દહીં -તેલ -વાટેલા લીલા આદુ- મરચાં
મીઠું
શેકીને દળેલી મેથી
રીત :
આગલે દિવસે રાત્રે લોટને દહીં અને તેલ નું મોણ નાખી પલાળી રાખવો .
જ્યારે બનાવવાના હોય ત્યારે મીઠું ,ફરી થોડું તેલ ,વાટેલા લીલા આદુ મરચાં અને સૂકી શેકેલી મસાલાની મેથીને જાડી ગ્રાઈન્ડ કરી લોટમાં ઉમેરી દેવી .હળદર અને લાલ મરચું પણ એકદમ થોડા પ્રમાણ માં એડ કરી શકાય .
અને ફ્રાઈપેનમાં મધ્યમ તાપે તળી લેવાં. વડા બગાડતા નથી એટલે આ તહેવારમાં ખુબ પ્રચલિત વાનગી છે ,સાથે સૂકા મગનું શાક અને પુરી .
2-
ઢેકરા
સામગ્રી :
ચોખાનો લોટ અને એક ચમચી ચણાનો લોટ
લીલું લસણ વધારે ,લીલા આદુ મરચા ,મીઠું ,હળદર ,તેલ ,ગોળ
લીલી તુવેરનાં દાણા
રીત ;
જેટલા તુવેરનાં દાણા હોય એનાથી દોઢ ઘણું પાણી લઇ ઉકાળવું, તેમાં તેલ રેડવું ,આદુમરચા ,ગોળ,હળદર ,
મીઠું નાખવું .પાણી ઉકળે એટલે એમાં લોટ નાખી દેવો અને બરાબર હલાવવું .બીજી તરફ તુવેરનાં દાણાને બાફવા .ઠંડા પડે એટલે થોડા ક્રશ કરી લોટમાં ભેળવવા .પછી નાના નાના લુવા પાડી ગોળ ટીકી જેવા બનાવી ,તેલમાં ધીમા તાપે તળવા. અને લીલી ચટણી સાથે સર્વ કરવા .
3
પાપડીમાં ઢોકળી.
સાંજે બનાવવાના હોય તો ત્રણ -ચાર કલાક પહેલા ઢોકળીનો લોટ પલાળી રાખવો .
સામગ્રી :
ઘઉંનો જાડો લોટ ,દહીં ,મીઠું ,લીલા આદુ -મરચાં,હળદર ,સૂકું લસણ ,તેલ ,અડધી છોલેલી લીલી પાપડી ,અજમો
રીત :પહેલા ઘઉંનાં જાડા લોટમાં તેલનું મોણ નાંખી લીલા આદુ મરચાં ,દહીં ,મીઠું ,હળદર તથા સૂકું વાટેલું લસણ નાખી .મીડીયમ લોટ પલાળી રાખવો .પછી ત્રણ -ચાર કલાક પછી બેઠી લાગણી તપેલી કે ફ્રાઈ પેનમાં તેલ મૂકી અજમો નાખવો અને લીલી છોલેલી પાપડી નાખી દેવી .થોડી વાર તેલમાં સાંતળ્યા બાદ એમાં પાણી નાખી ઉકાળવા મૂકવું .થોડા સમય પછી પાપડી ચડવા આવે એટલે એમાં જરૂરી મીઠું ,હળદર ,આદુંમરચા,જરાક ખાંડ એડ કરવા .
પછી ઉકળતી પાપડીમાં હાથેથી નાની ઢોકળી વાળી નાખતા જવું .અને રસો ઘટ્ટ કરવા માટે ઢોકળીનો લોટ પાણી નાખી એડ કરવો .અને થોડી વાર ઢાંકીને ધીમા તાપે થવા દેવું .પછી એના પર ઝીણી કોથમીર અને લીલું લસણ નાખી પ્લેટમાં સર્વે કરવું અને ખાતી વખતે તેલ અને લીંબુનો રસ નાખવો .પાપડીને બદલે ગુવારસીંગ ,લીલી ચોળી કે સૂકી ચોળીમાં પણ બનાવાય.
4
તુરિયામાં પાતરા
સામગ્રી :
મીડીયમ સાઈઝનાં પાતરા ,ચણાનો લોટ ,થોડો ઘઉંનો લોટ ,ચોખાનો લોટ ગોળ ,તેલ ,મીઠું ,હળદર ,લાલ મરચું ,લીલા આદુ મરચાં,ગરમ મસાલો ,તુરીયા ,જીરું ખાતી આમલીનું પાણી ,સૂકું વાટેલું લસણ ,તલ
રીત :
બનાવવાનાં હોય તેનાં એકાદ કલાક પહેલા ચણાનો લોટ ,ઘઉંનો લોટ ,ચોખાનો લોટ [થોડો ]તેલ બે ચમચી ,મીઠું ,હળદર ,લાલ મરચું એક ચમચી ,ગોળ ,ખાટી આમલીનું ગાળેલું પાણી ,તલ અને જરૂરી પાણી એડ કરી પેસ્ટ બનાવી લેવી .ત્યારબાદ જ્યારે બનાવવાનાં હોય ત્યારે પાતરા પર તૈયાર કરેલા લોટની પેસ્ટ લગાડી પાતરા વાળી બાફી લેવા .
ત્યારબાદ ફાઇપેનમાં તેલ મૂકી ,જીરું નાખવું અને સમારેલા તુરીયા એડ કરી સાંતળી લેવા .પછી એમાં જરૂરી પાણી નાખી મીઠું ,હળદર ,લીલા આદુ મરચા વગેરે નાખી દેવું અને ઉકાળવા દેવું ,અને એમાં બાફેલા પાતરાનાં ગોળ ટુકડા કરી નાખતાં જવું .અને ઢાંકીને ધીમા તાપે થવા દેવું .
5
મેથીની ભાજીનો ભૂકો
સામગ્રી :
મેથીની ભાજી અથવા કોઈ પણ ભાવતી ભાજી [પાલક ,ચોલાઇ,લૂણી,] ,મૂળા ,લીલા કાંદા ,ઘઉંનો જાડો લોટ અને ચણાનો લોટ ,લીલા આદુ મરચા અને મીઠું ,ખાંડ
રીત :
સૌ પ્રથમ ભાજી ઝીણી સમારી લેવી .સાથે લીલા કાંદા અને મૂળાનાં ઝીણા ટુકડા સાથે મીઠું ,હળદર ,ખાંડ ,લીલા આદુ મરચાં ભેગા કરી લેવા .પછી ઘઉંનો જાડો લોટ એનાથી ઓછા પ્રમાણમાં ચણાનો લોટ ભેગા કરી તેલનું મોણ નાખવું .એમાં સમારેલી ભાજીનું મિશ્રણ એડ કરવું .સ્વાદ માટે કોથમીર પણ એડ કરી શકાય અને થોડા પ્રમાણમાં પાણી નાખી મિક્ષ કરી લેવું .
ફાઇપેનમાં તેલ મૂકી એ મિશ્રણને ધીમા તાપે થવા દેવું અને થોડી થોડી વારે ફેરવતા જવું . અને ચઢી જાય એટલે ઉપર લીંબુ નાખી ખાવા માટે સર્વ કરવું .
6
ભડકુ
સામગ્રી :
ચોખાની કણકી ,મગની દાળ ,મીઠું ,હળદર ,ઘી ,જીરું ,લીલું લસણ.લીલા આદુ મરચાં
રીત :
ચોખાની કણકી અને મગની દાળને બાફીને ક્રશ કરી લેવું .અને પછી ફ્રાયપેનમાં મૂકી ઉપરથી ઘી અને જીરાનો વઘાર કરવો અને મીઠું તથા આદુની પેસ્ટ ઉમેરી હલાવતાં જવું અને ઉપરથી ઝીણા કાપેલા લીલાં મરચાં એડ કરવા .અને લીલું લસણ ભભરાવી સર્વ કરવું .ભાજીનાં મુઠીયા પણ વાળીને એડ કરી શકાય .મનગમતાં શાક પણ એડ કરી શકાય.ઘઉંના ફાડાનું ભડકુ પણ બનાવી શકાય .
7
ગરવાણું
સામગ્રી :
ઘી ,ઘઉંનો લોટ કે રવો બે ચમચી ,બૂરું ,એલચી ,બદામ -પિસ્તા ,દૂધ,લવિંગ
રીત:
સૌ પ્રથમ ઘી મૂકી ઘઉંના લોટ ને લાઇટ બ્રાઉન શેકવો .પછી તેમાં દૂધ રેડવું અને હલાવતાં જવું જેથી ગાંઠા વળી નહિ જાય એનું
ધ્યાન રાખવું ,જોઈતાં પ્રમાણમાં ખાંડ અથવા બૂરું નાખવું .થોડું ઘટ્ટ થાય પછી એલચી ,બદામ ,પિસ્તા ,ચારોળી અને એકાદ લવિંગ એડ કરવું .
અને પુડા સાથે સર્વે કરવું .
8
વાડીનું ઉંબાડિયું
સામગ્રી :
કાળા વાલની પાપડી , બટાકા ,રવૈયા ,રતાળુ ,શક્કરિયા તેલ,આખું મીઠું ,લીલા આદુ મરચા ,લીલી હળદર
રીત:
પહેલા પાપડીમાં તેલ અજમો આખું મીઠું નાખી મૂકી રાખવું પછી મસાલો તૈયાર કરવો .તેલ મીઠું ,લીલા આદુ મરચા ,લીલી હળદર ,અજમો વગેરે બટાકા અને રવૈયા માં આગળ પાછળ ચીરા કરી મસાલો ભરી દેવો .શક્કરિયા {છાલ સાથે }અને રતાળુને મસાલામાં બરાબર ભેળવી દેવો .
હવે માટલામાં સૌથી પહેલા કલાર અને કંબોઇ નામની વનસ્પતિના પાન ડાળી સાથે પાથરવા.એની ઉપર પહેલા પાપડી પાથરવી .પછી મસાલો લગાવેલ શાક થોડા મુકવા ,ફરી પાપડી મુકવી અને એમ ત્રણ થી ચાર લેયર કરવા .શાક ગોઠવતી વનસ્પતિ શાકની આજુબાજુ માટલામાં પણ ગોઠવતા જવું. અને ઉપર છેલ્લે વનસ્પતિ મૂકી કંબોઇ ની ડાળીઓ બાંધી માટલું બંધ કરવું અને છાણા સળગાવી માટલું એના પાર ઊંધું મૂકવું .માટલું મુકતા પહેલા થોડી પાપડી મૂકી દેવી જેથી શાક પૂરેપૂરું ચઢી ગયું કે કેમ તે ચેક કરી શકાય .માટલા ની આજુબાજુ પણ વાડીમમાં પડેલા પાંદડા -ડાળખી સળગાવવા અને 20 થી 25 મિનિટ સુધી થવા દેવું .
અને બરાબર થઇ જાય એટલે પીરસવું અને સાથે દહીંનો મઠો અને કોથમીર -લીલા લસણ ની ચટણી તથા કડાનાં લાલ ચોખાની ખીચડી -કઢી સર્વ કરવી અને પાપડ -અથાણા -ચોખાનો રોટલો અને સૂકું લસણ +લાલમરચું +આદુ ની ચટણી
9
દુધેલી
શેરડી નો રસ ૧૦ શેર(૫ લિટર)
ઉકાળવો ,ઉપર છારી બાઝે તે કાઢતા જવી
ત્યાર બાદ ૨શેર (૧ લિટર)દુધ મા શેર (૫૦૦ગા્મ)ચોખા નો લોટ મીકસ કરી ગાંઠા ન પડે તે રીતે રસ મા નાખવુ
ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું
થાળી મા ઘી લગાવી ઠારવું
ઉપર તજ,લવિંગ ,ખસખસ ભભરાવી ટુકડા પાડવા
શિયાળા મા ખબ જ સારી થાય..
ગમ્યું હોય તો કોમેનટ મા લખશો
ફેનીલ દેસાઈ, બીલીમોરા
શૈફાલી દેસાઈ USA
ફેનીલ દેસાઈ, બીલીમોરા શૈફાલી દેસાઈ USA
બકુલાબેન દેસાઈ ઘાસવાલા દ્વારા
લેખ 7 બકુલાબેન દેસાઈ ઘાસવાલા
મૂળભૂત રીતે અનાવિલો જમીન સાથે સંકળાયેલા એટલે એમની જીવનશૈલી પર પરંપરાગત ભૌગોલિક,સામાજિક,સાંસ્કૃતિક માહોલ અસરકર્તા રહેતો વળી અનાવિલો પોતાને આર્ય વંશજ માને એટલે વૈદિક સોળ સંસ્કાર પદ્ધતિ એમની રહેણીકરણીનો હિસ્સો હતી. વરવિક્રય સહજ હતો એટલે કે દહેજપ્રથાનું અસ્તિત્વ હતું. દીકરીઓનાં માતપિતા સારો વર શોધવાની પળોજણમાં ખુવાર થઈ જતાં. મહર્ષિ દયાનંદના આર્ય સમાજની અસર હેઠળ સામાજિક સુધારાનો પ્રારંભ થયો. કછોલી એનું ખાસ મથક ગણાય છે. સુધારાની આ ચળવળમાં મોટાભાગે અનાવિલોએ પહેલ દાખવી.શિક્ષણનો પ્રસાર થતા,આઝાદી આંદોલનમાં ગાંધીબાપુનો પ્રવેશ થતા એ વેગવંત બની. જન્મથી મરણનાં રીતરિવાજોમાં પૈસાનું પાણી કરતા લોકોને સબક મળે તે રીતે સુધારાનો દોર શરૂ થયેલો. અલબત્ત,એ જુવાળની જેમ પ્રગટ્યો એમ ન કહેવાય છતાં પવન તો સાનુકૂળ હતો.
અનાવિલ સમાજમાં સતીપ્રથા ન હતી છતાં બે સતીના દાખલા નોંધાયેલા છે. તાપીથી વાપીમાં પથરાયેલી આ જ્ઞાતિમાં વાંકડાનુ ચલણ શિરમોર હતું જેનો ઉપર ઉલ્લેખ કર્યો છે પરંતુ એમાં વિશદ ચર્ચાને અવકાશ છે.વાંકડો ખરો પરંતુ મિલકતમાં ભાગ નહીં, એ લગ્નસમયનો દાયભાગ ગણાતો. તો પણ અનાવિલ કુટુંબોમાં દીકરીને દરેક પ્રસંગે મહત્ત્વ મળે અને યથાશક્તિ હિસ્સો પણ. ‘કાચી પાપડી’નો વ્યવહાર પણ ખરો.આ વ્યવહાર એટલે દીકરીને અને દોહિતરાંને કપડાંલત્તાથી લઈ ખેતરમાં પાકતાં અનાજ અને કેરી સુધી પહોંચાડવાનો રિવાજ.મૃત્યુ સમયે વસ્ત્ર પણ પિયરનું. શોક ઉતારવાનું વસ્ત્ર પણ પિયરનું.જોકે અહીં મારું નિરીક્ષણ છે કે કોઈક પિયરવાળા ચાપુચપટી કરે તો પણ બતાવે એવું કે જાણે દીકરી જ બધું લૂંટી ગઈ! ક્યાંક એવું બનતું હશે તેનો ઈન્કાર પણ થઈ શકે નહીં. આજકાલ મિલકતમાં ભાગ કાયદેસર રીતે મળે છે તેમાં દીકરીઓની જવાબદારીનો ઉલ્લેખ નથી પરંતુ સમજાય છે કે એણે પોતાની ફરજ પોતાનાં માતાપિતા માટે પણ બજાવવી જોઈએ. હવે ચિત્ર એટલું પલટાયું છે કે દીકરીઓ પોતાનાં માતાપિતા માટે જે નિસબત રાખે એટલી સાસુસસરાને માટે ન રાખે. આમ જોઈએ તો એ સાહજિક ગણાય તો દીકરો સાસરાનો થઈ ગયો એવી ફરિયાદ પણ ઊઠે તો છે! દીકરી ભાગ માંગે ત્યારે જમાઈ- દોહિતરાંનો હાથ હોય છે એવી ટીકા પણ થાય છે. એકવાર અનાવિલોની જાહેરસભામાં વાંકડા- મિલકતના ભાગ માટે ખાસ્સી ગરમાગરમી ભરેલી ચર્ચા થયેલી તે યાદ આવે છે. અગ્રણી વકીલ નટુભાઈએ કહેલું કે વાંકડો અને મિલકતમાં ભાગ બન્ને ન મળે. માતાપિતાની સેવા / જવાબદારી દીકરીએ લેવી પડે. મેં કહેલું કે વાંકડા પણ નહીં ને મિલકતમાં ભાગ પણ નહીં છતાં માતાપિતાની બધી જ સેવા કરી હોય તે દીકરીઓને શું મળે? મારે એટલું કહેવું છે કે આ કોઈ એક જ જ્ઞાતિનો મુદ્દો નથી. એનું સરેરાશ તારણ ન કાઢી શકાય . એ દરેક કુટુંબનો અલગ પ્રશ્ન હોઈ શકે છે.
સમાજના આગેવાન કહેવાય તેવા હરિભાઈ, દયાળજીકાકા, મહાદેવભાઈ, મોરારજીકાકા, મોનજી રૂદર અને ભીખીબહેન, ડાહી વકીલણ, મલવાડાના આર્યસમાજી દેસાઈઓ એમ અનેક નામો ઉલ્લેખનીય છે જેમણે સમાજના રીતરિવાજો અને પરંપરાને વળોટીને સુધારાની આલબેલ પોકારી. ખાસ કરીને લગ્ન- સીમંત, જનોઈ, મરણ પ્રસંગે થતા લખલૂટ ખર્ચ, સ્ત્રીઓ પર હિંસા, વિધવા સ્ત્રીઓ પર બંધનો, દીકરીઓને દુય્યમ ગણવાનું વલણ-વ્યવહાર પર રોક માટે રીતસર ઝુંબેશ જ થતી. જાનમાં શુભપ્રસંગે જમનારાં સ્ત્રીપુરુષો જાનૈયા, મરણ પ્રસંગે જમનારાં ધાનૈયા જેવા સંબોધનો પણ થતાં. ગાંધીમાર્ગે ચાલનારાં યુવક-યુવતીઓ વગર વાંકડે સાદાઈથી લગ્ન કરવામાં પોતાનું ગૌરવ સમજતાં.કોઈક ઉત્સાહી જમણવાર રાખે તો પણ સકટમ્ નોતરાં અને નાત સિવાય પણ ભૂખ્યાંને ભોજન મળે તેવી ગોઠવણની ખેવના પણ હતી. ત્યારે પણ ઝાકઝમાળ લગ્નો થતાં, વાંકડા પ્રથા પણ છેક નાબૂદ તો થઈ જ ન હતી, દહેજ પ્રતિબંધક કાયદા પાલન, બાળલગ્ન પ્રતિબંધ, વખતવખતે રેશનિંગ, દ્વિપત્નીત્વ પર રોક, વિધવા પુન:લગ્ન જેવા સામાજિક સુધારા માટે મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, ઝીણાભાઈ દેસાઈ- સ્નેહરશ્મિ,અમૂલ દેસાઈ, ધીરૂભાઈ અગાસીવાળા જેવા અનેક અગ્રણીઓ સક્રિય હતા.
સુધારાની લહેરમાં ત્રણ દિવસના લગ્ન મેળાવડા એક દિવસ કે અડધી વેરમાં પણ પરિણમેલા.એ લહેર મોજાંમાં પલટાવી જોઈતી હતી પરંતુ એમ ન બન્યું. સુધારાનું નામ જરૂર રહ્યું પરંતુ એણે નવા કલેવર સજ્યાં અને જૈસે થેની પરિસ્થિતિમાં લાવી મૂક્યાં એમ જ કહેવું જોઈએ. છેલ્લા દસ વર્ષમાં તો સુધારાનું બાષ્પીભવન જ થઈ ગયું છે! જમીનના ભાવ ઉંચકાયા અને પૈસો હાથ આવ્યો કે કમાણી દમદાર લગ્નપ્રસંગની હોડમાં ફૂંકાવા લાગી! જે પ્રસંગ સામાજિક મિલન માટે હતા તે જાણે દરેક માટે હોંશાતોંશી અને પોતાની જાહોજલાલીનું પ્રદર્શન માટેનુ પ્રતીક બની ગયા! સોનાચાંદી ઝવેરાતની દુકાનો ઝળહળતી રહી,ડિઝાઈનર વસ્ત્રોની બોલંબોલા વધી,બ્યૂટિપાર્લર,કેટરિંગ સર્વિસમાં ઉછાળો આવ્યો, ઈવેન્ટ મેનેજમેન્ટ માટે સર્વિસ લેવી સ્ટેટસ સિમ્બોલ ગણાવાં લાગી, ડેસ્ટિનેસન મેરેજ સહજ ગણાય છે. ડોલર- પાઉન્ડના રૂપિયા કરી ખરચવામાં તો નો પોબ્લેમ( પ્રોબ્લેમ)! રિંગ સેરેમની, મહેંદી, દાંડિયારાસ, સંગીત સંધ્યા,ગ્રહશાંતિ, લગ્ન સમારંભ, રિસેપ્શન( બન્ને પક્ષે) આટલાં functions હવે સામાન્ય છે. સંગીત સંધ્યામાં ડાન્સ માટે કોરિયોગ્રાફરને બોલાવવું કોઈ મોટી વાત નથી. મોંઘીદાટ કંકોતરી, મોંઘાદાટ હોલ,જાનૈયા ને મોસાળિયાને ઉતારા, બેન્ડવાજા, વરઘોડો, ઝાકઝમાળભર્યા લગ્નમંડપો , ફોટો સેશન, વીડિયોગ્રાફી, હવે લગભગ must છે. વરરાજાની મોટર, વરકન્યાના મેચિંગ ડ્રેસ, માથાથીપગ સુધીનું ને પર્સનું મેચિંગ પણ સહજ! પરદેશથી કેટલાં સગાંસંબંધી આવ્યાં? પરદેશ લગ્ન હોય તો અહીંથી કેટલા જવાનાં? પહેરામણીનો ખર્ચ, મોસાળું, પુત્રવધૂને છાબડી, ખાવું ને તેનાં સાજશણગાર, વરપક્ષને શાલસાડી, વરરાજા અને સાઢુભાઈને ભેટ, સગાંસંબંધીઓ માટે પેન્ટ- સાડી વગેરે, મોસાળિયાંને ભેટ,ગીતસંગીતની ભેટની ભરમાર પણ એટલી જ. જો લાડવા- વડાંપુરી ન હોય તો મીઠાઈના ખર્ચ એટલા જ! Dry fruits, Green fruits પણ ખરાં! હનીમૂન પેકેજ પણ ગણવાનું!
હવે ભાભીજીએ આજી તો મેં બી આંજી! મેરી કમીજ સે ઉસકી સફેદ કયું? લાંબા સાથે ટૂંકો જાય તો મરે નહીં ને માંદો થાય તેવો ઘાટ છે! મેં કેટલાક લોકો પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે હવે લગ્નમાં સામાન્ય ખર્ચ કેટલો થાય તો ગરીબ થી તવંગર માટે ત્રણચાર લાખથી લાખો કે કરોડ થી કરોડો! અનાવિલો માટે એક- દોઢ કરોડ લગ્નખર્ચ અ ધ ધ ધ …… કહેવાય! મને તો સાત- આઠ લાખનો ખર્ચ પણ વધારે પડતો લાગે!
હવે આ તો લગ્નની વાત થઈ. સીમંત, જનોઈ, નામકરણ, બાબરી અને બર્થ ડેનાં નાટક પણ ઓછાં નથી! હું ઘણીવાર વગર માંગેલી સલાહ આપ્યા જ કરું છું કે જો કન્યાપક્ષ વિવાહ વખતે ચાંલ્લામાં ઓછાં માણસો લઈ જાય તો વરપક્ષને પહેરામણી અને જાનમાં મર્યાદિત સંખ્યા પર ભાર મૂકી કહી શકાય! હવે પહેરામણી ને જાન પછી વાત આવે કે સીમંત પર કેટલાં પિયરિયાં જવાનાં? તેટલાં સાસરિયાં નામ પાડવા આવે? હવે આ પ્રસંગો માટે પણ હોલ રાખવો, કેટરિંગ સર્વિસ લેવી,કપડાં-ઘરેણા પર લખલૂટ પૈસા ખરચવાનું સામાન્ય છે. વિષચક્ર વધતું જ ગયું છે! મારા પિતા કહેતા કે આ બધી ‘માતેલાની મસ્તી’ છે ત્યારે અમને થતું કે જિંદગીમાં મજામસ્તી કરવાની જ નહીં! કરવાની પરંતુ એની કોઈ સીમા હોય ! મને ઘણી વાર સંબંધિતો કહે છે કે તમે લખો! મારો પ્રશ્ન છે કે કોઈ સાંભળે છે? કેટલું લખ્યું, નાટકો કર્યા, જાગૃતિ માટે લખ્યું, શું ન કર્યું? દીકરાના લગ્નમાં કાંઈ લખલૂટ ખર્ચ કર્યો ન હતો! દીકરાવહુની વાજબી નારાજગી વહોરી સીમંત- નામકરણ પર પણ ખાસ્સો કાબુ રાખ્યો હતો છતાં કોઈને અસર થઈ? તો અર્થ શું? સુધારાની વાત પર લોકો હસે છે તો વાસ્તવિકતાનું દર્શન જ ન કરવાનું?
આપણાં મંડળો કોઈ ભૂમિકા ભજવી શકે? ભજવી તો શકે પરંતુ જ્ઞાતિમંડળો સંગઠન, ગરબા, ઊંધિયાપાર્ટી, વરડુંરોટલા ખાય ને ને જાતજાતની હરીફાઈ રાખે પરંતુ સુધારાની પ્રવૃત્તિથી દૂર રહે! મને એનું આશ્ચર્ય હમેશાં રહ્યું છે કે એ લોકો કયાં ગયાં જે સુધારા માટે ખુવાર થતાં હતાં? અન્ય પ્રવૃત્તિ ન જ કરવી એવું મારે કહેવું નથી પરંતુ જ્ઞાતિનું કોઈ વજનદાર માળખું કેમ બનતું નથી જે સુધારાને વેગ આપે! મારી પાસે લખલૂટ લગ્નખર્ચ કર્યો હોય તે માતપિતાની દીકરીઓ આવીને રડે ત્યારે એને શું ભાન કરાવવું તે પ્રશ્ન થાય! જો વરકન્યા પહેલેથી જ કાબુમાં રહી સુધારાની પ્રક્રિયા સાથે સંમત હોય તો ઘણો ફેર પડે પરંતુ વહ દિન કહાં કિ……. !
બકુલા ઘાસવાલા- દેસાઈ
વલસાડ
અગાઉ જય શુકલેશ્વરમાં પ્રકાશિત લેખ:
:સ્વજ્ઞાતીય,આંતરજ્ઞાતીય-આંતરધર્મીય-આંતરરાષ્ટ્રીય લગ્નો અને સુધારાની વાસ્તવિકતા:
- અનાવિલોમાં ઉપર દર્શાવ્યું તે શીર્ષક પ્રમાણે સ્વજ્ઞાતિમાં, આંતરજાતીય લગ્નો સામાન્ય છે. પરિવાર અને સમાજ ખાસ વિરોધ વગર તે સ્વીકારે છે.એક સમયે એવી ધારણા હતી કે જેમ જેમ આંતરજ્ઞાતીય લગ્નો સામાન્ય થશે તેમ તેમ સામાજિક સુધારાની પ્રક્રિયા વેગવંત બનશે. જ્ઞાતિના રૂઢિગત માળખામાં શોષણનો જે આભાસ થાય છે તે દૂર થશે.લગ્નખર્ચ ઘટશે. સમાનતાનો આદર્શ સિદ્ધ થશે.પારિવારિક સંબંધો હૂંફાળા બનશે. જાતે શોધીને પ્રેમલગ્ન કર્યાં હોય તો એની જવાબદારી વડીલો પર ન આવે પરંતુ પ્રેમલગ્ન કરનાર દીકરા કે દીકરી પર જ આવે આવી માન્યતા પણ ઘડાતી રહી. એક અર્થ એવો પણ થઈ શકે કે સ્વતંત્રતા અને જવાબદારી સાથે સાથે જ જાય પુખ્ત વયનાં સંતાનો જાતે પાત્ર શોધે,આર્થિક રીતે પગભર થયા પછી સમજીવિચારીને પરણે તે તો આવકાર્ય જ ગણાય તે વાત સાથે આપણે તો સંમત.આપણે માટે તો જ્ઞાતિ- પરજ્ઞાતિ બધું સરખું.
- સ્વતંત્રતા પહેલાં અને પછીના સમયમાં શરૂઆતમાં ગાંધીવિચારની અસર હેઠળ સામાજિક સુધારાની દશા અને દિશા ખાસ્સી પ્રોત્સાહક રહી.ગાંધી અનુયાયીઓએ તો ગાંધીબાપુની હાજરીમાં આશ્રમમાં લગ્ન થાય તેમાં ગૌરવ જોયું.વાંકડાપ્રથા તો નીકળી જ ગઈ એવી ભ્રમણા તો આજપર્યંત છે.પહેરામણી,ધરધામણ, શાલસાડી,વદા,જાનમાં અને લગ્નમાં મહેમાનોની સંખ્યા અને લગ્ન સંબંધિત આગળપાછળના પ્રસંગોમાં ખાસ્સી મર્યાદા જળવાતી.
- એક સમય એવો આવ્યો કે લોકો આફ્રિકા પછી ઈંગ્લેન્ડ, અમેરિકા જવા લાગ્યા. હવે તો ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશમાં પણ સ્થળાંતર છે.” દેશ તેવો વેશ” એ ન્યાયે લગ્નપ્રથા ખાસ્સી લચીલી બની.પરિવાર આંતરજ્ઞાતીય લગ્ન સ્વીકારતો થયો એટલે લગ્નસમારંભો પણ ધીમે ધીમે સ્વજ્ઞાતિમાં થતાં સહજ પ્રસંગ તરીકે આયોજિત થવા લાગ્યા અને તે પ્રગતિશીલ વલણમાં લેખાવા લાગ્યા. અરસપરસની જ્ઞાતિના રીતરિવાજોની માહિતી મેળવી દીકરાદીકરીઓને રાજી રાખવાનું વલણ વધ્યું. વચેટિયાની ભૂમિકા સાથે વડીલોની દરમિયાનગીરી પર કાપ મુકાયો કે તે નહીંવત્ થઈ.વાપીથી તાપીમાં પણ એવી જ સ્થિતિ પેદા થવા લાગી. કુટુંબમાં બે કે ત્રણ ભાઈબહેન હોય તો તે બધાંનાં જ આંતરજાતીય લગ્ન હોય તેવું પણ બન્યું. સમાજ કે સગાંસંબંધીઓની ભૂમિકા માટે લગ્નમાં જઈ મહાલવું અને ચંચુપાત કર્યા વગર પાછા ફરવું એટલી જ અપેક્ષા રહી.
- અમારે તો દરેક મહેમાનને ભેટ કે શાલસાડી- સૂટનું કાપડ આપવાની પરંપરા છે આવું વરપક્ષ કહે એટલે અનાવિલ કન્યાપક્ષ અમને તો બો’ અરખ( હરખ) કહી એ લોકો કહે તે કરે.મારું નિરીક્ષણ છે કે આ હરખમાં પચાસેક જેટલી સાડી અને શાલ- પેન્ટ- સૂટનાં કાપડ અપાયેલાં છે! ટ્રેડિશન છે કહી ભળતા જ રિવાજ અને ખર્ચમાં ઊંડા ઊતરી જવું પડે! હવે જે હરખાઈ ઊઠેલાં છે તેમને તો આપણે કંઈ કહી ન શકીએ, કહેવું પણ ન જોઈએ. પરંતુ તમાચો મારી ગાલ લાલ રાખવા મથતાં માતાપિતાની દશા કે અવદશા કેવી થાય તેની કલ્પના કરો! ખાસ તો પિતાની કારણ કે ખર્ચની ફિકર તો એણે કરવાની આવે તે સહજ ગણાય! ત્યારે કોઈ ટીકા પણ કરે કે મારી બાઈ, અનાવલા શું ખોટાં હતાં!? વાત એટલે અટકતી નથી, જે લોકો લગ્નમાં મજાનો અર્થ ખાણીપીણી- જલસામાં ( નોનવેજ- મદિરા) કરે છે તેઓ તો મોઘીદાટ હોટલ- ક્લબમાં જે ભરાઈ પડે તે તો પૂછવા જેવું જ નથી! પછી તો હરખની પિપૂડી સાંભળ્યા કરો!
- હવે આ ડેસ્ટિનેસન મેરેજનું ભૂસું યુવાન મગજમાં ભરાયું છે!પરદેશથી આવી પરંપરાને નામે સાથે પેલા હરખઘેલાં ભળે એટલે સમાજની પરંપરાગત રીતભાતની ઐસીતૈસી !મને મોરારજીકાક, અમૂલકાકા,ઠાકોરકાકા,ભઈકાકા( ધીરુભાઈ અગાસીવાળા) યાદ આવે! રેશનિંગ હોય અને ઘીનો એક ડબ્બો વધારે વાપર્યો હોય, ત્રીસ માણસથી વધારે જમ્યાં હોય,પહેરામણી પહેરવા જવાની વાત કરી હોય કે કોઈ માગણી કરી હોય તો જે વાતાવરણ ખડું કરે કે બધાં શિયાંવિયાં! મજાલ છે કે હરફ પણ ઉચ્ચારાય! ભઈકાકા તો વરસ સુધી અનાજ ન ખાવાનો નિયમ લેતા કે ઉપવાસ પણ રાખતા! આજે એવું વર્તન કરનારાં સ્ત્રીપુરુષો અનાવલામાં શોધેલા નથી જડતાં! હું પણ અપવાદ નથી! આપણે તો આવો લેખ લખી જાણીએ. ઉપજે એટલું ઘરમાં બોલીએ અને ન ઉપજે તો શું કરીએ ?
- મારી ડોક્ટર મિત્ર દક્ષા કહે છે કે હવે તો લગ્નખર્ચમાં બધી મર્યાદા વળોટી જઈ બેફામ ધુમાડો થાય છે. સામાન્ય ખાવું મોકલવામાં કેટકેટલો દેખાડો!અને એક કે બે દીકરીના વડીલો અમને તો બો’ હરખ કરીને જે પોરસાય તેની તો વાત જ જવા દો! બાકી સુધારો કહેવાનો પછી અપેક્ષાનો અંત નહીં! જમીનનો પૈસો ઉછળ્યો એટલે બહેનો પણ આગળ બધું માતપિતાએ કરી દીધું હોય છતાં માગણી કરે ને વિખવાદ ઊભો કરે!વળી દીકરીઓના હસ્તક કેટલું આવે તે તો મોટો સવાલ! અહીં પણ એનો પતિ, પુત્ર કે જમાઈ બધું સંભાળવા તૈયાર જ હોય છે!
- આમ લગ્ન સમાજમાં એટલે કે જ્ઞાતિમાં કર્યા કે જ્ઞાતિ બહાર છેવટે તારણ કાઢવું રહ્યું કે માનતા હતા તેટલો બદલાવ આવ્યો નહીં! એ જ વાત આવી કે ફાવેલા…… વાડ કૂદે! દળી દળીને ઢાંકણીમાં! ભાભીજીએ આંજી તો મેં બી’ આંજી! વળી આ તો સામાજિક વ્યવહારની જ વાત છે. લગ્ન કરનારા દંપતીએ કેવું કેવું અનુકૂલન કરવાનું છે તે તો મહેંદી ઉતરે પછી જ ખબર પડે! હવે જે વાળેલાં વળતાં ન હતાં તે હારીને વળશે કારણ કે કોરોનાએ બધાંને સમાનતા બક્ષી દીધી છે.કુદરતે એવો ખેલ કર્યો છે કે હવે લગ્ન જેવા શુભ પ્રસંગ સાથે સંકળાયેલાં લોકોની રોજીરોટીનો સવાલ ઊભો થવા લાગ્યો છે તે પણ સમયની કેવી બલિહારી!
- બકુલા ઘાસવાલા
- વલસાડ.
-:સુધારા બાબતે કેટલીક સત્ય આધારિત ઘટનાઓ:-
- વર્ષો પર અમારા સુધારાવાળા પરિવારમાં દીકરાનું લગ્ન હતું. તે સમયે કાયદો હતો કે લગ્નમાં પચાસથી વધારે માણસો હાજર ન રહી શકે અને રહે તો પણ જમણવાર તો પચાસ માટે જ.હવે તે સંયુક્ત પરિવારમાં તો ઘરનાં માણસો જ સહેજે સિત્તેર- પચ્ચોતેર જેટલાં!લગ્નમાં બધાં ગયેલા પરંતુ ઘરનાં ત્રીસેક જેટલાં જમવાં બેઠાં કે ગણતરી પૂરી! બાકીનાં ઘરે આવ્યાં પરંતુ ઘરે પણ ત્રીસને જ જમવાનું મળે ! બાકીના દસેક વધ્યાં! એમને રાત્રે કોઈ હોટલમાં પણ ખાવાનું ન મળ્યું!જેઓ ભૂખ્યાં રહેલાં તેમાં હું પણ હતી, હું અન મારો નાનકો મારી માસીને ત્યાં રહેલાં અને જમ્યાં વગર આવ્યાં એવું માસીને ન કહેવાયેલું એટલે ચુપચાપ સૂઈ ગયેલાં.તે વાચકોની જાણકારી માટે.
- એક લગ્નમાં વરપક્ષે વેવણ અન્ય જ્ઞાતિનાં અને વેવાઈ અનાવિલ!આ બાજુ કન્યાપક્ષ સુધારામાં અગ્રેસર! વરરાજાનાં માતુશ્રીને પહેરામણી પહેરવાનો શોખ! આ શોખ પૂરો પાડવાનો ખર્ચ આ જમાના પ્રમાણે સહેજે પચાસ હજારની ઉપર જાય! વેવાણે કન્યાની માને કહ્યું કે અનાવિલોમાં તો પહેરામણીનો રિવાજ છે ને! આ તો એવું કે મને તો ખાસ રીતરિવાજની ખબર નથી અને સુધારો જ ગમે પણ અમારે ત્યાં અમેરિકાથી સગાંવહાલાં આવવાનાં તે બધાંને બો’ શોખ એટલે તમને હરખ હોય તો એટલું કરજો! કન્યાની મા ઉવાચ: હરખ તો ખરો પરંતુ તમે તો જાણોને કે અમારા બાપા તો સુધારામાં કેટલું માનતા! અમે તો પહેરામણીનો રિવાજ ક્યારથી કાઢી નાંખેલો એટલે મારાથી તો ની’ પહેરાવાય! વરની મા શું બોલે?સાચું કહું તો મને કન્યાની માનો જવાબ ખૂબ ગમેલો.
- લગ્નપ્રસંગે નાનીમોટી ચડભડ સામાન્ય ગણાય! સામાન્ય રીતે કન્યાપક્ષે જે વ્યવહાર કરવાનું અપેક્ષિત હોય ( માંગ્યું ન હોય પરંતુ સમજીને કરવાનું.) તે તેઓ કરે જ. કેટલાક ન પણ કરે એટલે વરપક્ષને ઓછું આવે! હવે એક પ્રસંગે એવું બન્યું કે વચેટિયાની હાજરીમાં સુધારાની બધી વાત થઈ પરંતુ પછી વરપક્ષ ફરી ગયો અને એમણે ધીમે ધીમે કન્યાપક્ષને હરખ છે કહી ખાસ્સો ખર્ચ કબૂલ કરાવડાવ્યો અને કન્યાપક્ષે કર્યો પણ ખરો! પછી કન્યાની માતા બધાંને કહેતી ફરે કે અમારાં વેવાઈ તો સુધારાવાળા,આ તો અમને જ બો’ હરખ! તેરી બી’ ચૂપ,મેરી બી’ ચૂપ!
- સામાન્ય રીતે લગ્નો થોડી જવાબદારી લે તેવી વ્યક્તિઓની હાજરીમાં તો થવાં જ જોઈએ એવું હું હવે તો ચોક્કસ જ માનું છું. કેટલીક વાર વરપક્ષ સુધારાની એટલી પિપૂડી વગાડે કે કન્યાપક્ષ આફરિન પોકારી જાય! પછી ભોપાળું નીકળે કે વરપક્ષ કેટલો લાલચુ છે! ત્યારે સગાંવહાલાં અને સમાજના બે માણસ જાણતા જ ન હોય તો તેને કોણ મદદ કરે? આવું જે અનાવિલો સમાજ કે જ્ઞાતિના સંપર્કમાં ન રહેતા હોય અને આંતરજાતીય લગ્નમાં વધારે બને છે તે પણ નોંધવું રહ્યું! મને સગાં હાલમાં અને અન્ય જાણીતાં લોકો ક્યારેય પણ લગ્નપ્રસંગની વાતચીત વખતે ન બોલાવે.અનાવિલોમાં પહેલાં કાગળ થતો હવે નથી થતો કારણ કે કાયદો છે તેથી ફસાઈ જવાય! પરંતુ પરિસ્થિતિ એ થાય કે ખર્ચ પર અંકુશ જ ન રહે.
- હવે તો કેટલીક વાર વરપક્ષ પણ મૂરખ બને એવી ઘટના બને છે.પુત્રવધૂને બધું જ બતાવી દે,કોઈ વાતની ના ન પાડે અને એ તો અમારી દીકરી કહીને પોરસાય! એક પુત્રવધૂએ એનો પૂરેપૂરો લાભ(ગેરલાભ) લઈ હીરાનું મંગળસૂત્ર, કંગન અને પોતાને જે ગમે તે ડ્રેસ કરાવડાવી લીધાં પછી પેલાં નવાંસવાં મમ્મીપપ્પાને એ વહાલનો દરિયો એટલો તો ખારો લાગ્યો કે ન પૂછો વાત! કારણ કે વહુનું જ બજેટ ડબલ થઈ ગયેલું! જોકે આવી ઘટના અપવાદરૂપ પણ બની તો ખરી!
- એક લગ્નમાં જે સાઢુભાઈને વરરાજા સાથે સ્વાગત ( અરઘવું) થાય તે વિધિમાં સામેલ થવાનું હતું! બન્નેનાં જ આંતરજાતીય લગ્ન! બન્ને સાઢુભાઈને બધી જાણ બરાબર હતી કે આજકાલ અનાવિલોમાં શું વિધિવ્યવહાર અને રીતરસમ હોય છે!(કેટલું વધી ગયું છે: સોનાચાંદીની જ ભેટ અપાતી હોય છે!) બન્નેને ખાતરી કે હરખવાળા માતાપિતા સારો વ્યવહાર કરશે. કન્યાપક્ષે બન્નેને મર્યાદિત રીતે જે થાય તે પ્રમાણે (જૂના રિવાજ પ્રમાણે) પૈસાનું કવર આપ્યું! પછી બન્નેએ કહ્યું કે અમે સુધારવાળા એટલે પહેલેથી જ ના પાડેલી!
- બે બહેનોમાં એકનું જ્ઞાતિમાં લગ્ન થયેલું અને બીજીનું આંતરજાતીય લગ્ન નક્કી થયું. આંતરજાતીય લગ્નવાળાં વેવાઈએ જે બહેનનાં જ્ઞાતિમાં લગ્ન થયેલા તેની વીડિયો જોવાનો હરખ બતાવ્યો. પરણનારી કન્યાએ કહ્યું કે વીડિયો ફિલ્મ તો ખોવાઈ ગઈ છે! કારણ? એ લોકો જોઈ જોઈને આશા રાખે કે અમને આટલું માન તો મળવું જોઈએ!એનાં કરતાં બતાવવું જ નહીં કે મોટીબહેનનાં લગ્નમાં શું કરેલું?
- મને અનેક સ્ત્રીઓ મળી છે જેમણે કોઈને ન કહેવાની મર્યાદા રાખી બળાપો કાઢ્યો છે કે જવા દો વાત હવે,આ પોરીઓને મોટા ઘરમાં પરણાવી અમે તો ખેંચાઈ ચાલ્યાં! અને વરની મા પણ રડી ઊઠે કે આ મોટલાઈ તો ભારે ત્રાસદાયક છે!બદ્ધું કરવું પણ મોટાં ઘરની પોરી ની’ લાવવી!
- જો સમાનતાપૂર્વક જ રીતભાત હોય તો આવું બનતું અટકે. ખરું કે ની’?
- ( સંકલિત)
- (આ ઘટનાઓ સાચી જ છે છતાં એ માટે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં !મારે એવું છે કે ફરતીમેરે ઓરખતાં લોકો જ આપણાં facebook friends છે એટલે વરી કોઈને ખોટુંબોટું લાગી ગીયું તો વગર લેવેદેવેની ઉપાધિ! રાતની ઊંઘ બી’ ઊડી જાય! )
બકુલા ઘાસવાલા
: નામકરણ સંસ્કાર:
અર્ચનાની દોહિત્રીઓ સરસ મજાની પુષ્પ પરીઓ જેવી. એમનાં નામકરણ સંસ્કારની મને સ્પર્શેલી અને અનુકરણીય લાગેલી એક વિશિષ્ટ વાતનો ઉલ્લેખ કરવાનું ગમ્યું એટલે અહીં વહેંચું છું. નિકટના સ્વજનો અને મિત્રોની હાજરીમાં આયોજિત આ પ્રસંગમાં અર્ચનાએ જાતે “સીવેલાં ફ્રોક “ બન્નેને પહેરાવ્યાં હતાં. એ કાપડ અર્ચનાની મમીની ખાદીની સાડીઓમાંથી લીધું હતું. મૈત્રીએ જાતે બન્ને દીકરીઓની ધોળી બનાવી હતી અને સમજણયુક્ત શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે બન્નેને અર્થસભર નામો “વાન્યા( સંસ્કૃતમાં વન્યા: વન દેવી અને હિબ્રૂમાં ઈશ્વરીય વરદાન કે ભેટ) અને ઉરા( હ્યદયથી ચાહિત).” અથર્વ વેદનું પ્રમાણ છ કે अश्मा भवति ते तनु:।। ( २,३,४) પ્રથમ વસ્ત્ર પરિધાન સંસ્કરમાતા જાતે વસ્ત્ર તૈયાર કરે,જે જાળડણેઅજાણે થયું. જોકે હું સંજોગવશાત્ હાજર રહી શકી ન હતી પરંતુ આ Concept અને Concern મને સ્પર્શ્યાં એટલે ઉલ્લેખનીય લાગ્યાં. મને રાજિત અને અદ્વૈતના નામકરણ વખતે મારાં મા ઈરાએ જાતે ભરીને આપેલી ઝોળીઓ પણ યાદ આવી ગઈ. અર્ચના અને મૈત્રીની નાની બાલિકાઓની માવજત સાથે સમય કાઢી આટલી તૈયારી જાતે જ કરવાની મહેનત મને તો ખરેખર પ્રશંસા કરાવી જેવી લાગી. ફક્ત મહેનત શું કામ, પોતાની મા સાથે ચોથી પેઢી સુધીનો સંબંધ આ રીતે સ્થાપિત થઈ ગયો. ઈરાએ ચોથી પેઢીના દીકરાઓ માટે ઝોળી બનાવી ત્યારે એનો પણ સંબંધ આ રીતે સ્થાપિત થયો હશે. આ બધાં રોજિંદી જિંદગીના નાના નાના પણ અવિસ્મરણીય પ્રસંગોનું સુખ છે.
સોળ સંસ્કારમાં નામકરણનો હેતુ એ છે કે બાળકનું નામ ભાવવાહી, હેતુલક્ષી અને પ્રેરણાદાયક હોય તો એ બાળક પર પોતાના નામને સાર્થક કરવાની માનસિક અસર રહે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જડપદાર્થ, પશુપક્ષી કે અર્થ વગરના નામ ન રાખવું. ઉચ્ચારમાં સુગમ, કર્ણપ્રિય, ઊંચી ભાવના જાગ્રત કરતા, બોલવામાં મધુર અને સરળ નામ રાખવું. લિંગભેદ દર્શાવતા નામ પસંદ કરવું. ઐતહાસિક પાકોના ગુણ- અવગુણ જોઈ નામ પસંદ કરવું. પરદેશમાં પોતાનાં પૂર્વજો પરથી નામ રાખવાની પ્રથા છે એટલે મને યાદ આવ્યું કે મારી પિતરણ બહેન ગીતા/ જ્યોતિની પૌત્રીઓનાં નામ વડદાદી અને વડનાનીનાં નામો સુરેખા અને સવિતા પરથી સૂર્યા અને સવ્યા છે. તો બીજી બહેન અનુની દોહિત્રીનું નામ એની વડ દાદી અને વડનાની પરથી આરાબેલા - લલિતા છે તો હાલ જન્મેલી પૌત્રીનું નામ તો પ્રવડદાદી અંબા પરથી અંબિકા - ઝરા( ઝારા: રાશિ પરથી) છે. આવી નિસબત પરિવાર અને મૂલ્યો સાથે પેઢી દર પેઢી જોડી રાખે એવો ભાવ અનુભવી શકાય છે.નામકરણ સંસ્કાર સાથે જે મંત્ર છે તે ઉલ્લેખનીય છે.
अंड्गाड्ंगात् संસ્ત્રवसि ह्यदयादधि जायसे।
प्राणं ते प्राणेन सन्दधामि जीव में यावदायुषम्।।
ભાવાર્થ: હે બાળક , મારા અંગઅંગમાંથી તારો જન્મ થયો છે. મારા હ્યદયથી તું ઉત્પન્ન થયો છે. તારા અને મારા પ્રાણ એક બનો. જીવ અને શિવનું તાદાત્મ્ય.
તું પૂરું આયુષ્ય ભોગવ. બીજો મંત્ર છે:
ॐ अश्माभव परशुर्भव हिरण्यभस्तृतं भव।
वेदो वै पुत्रनामासि स जीव शरद: शतम्।।
( मंत्र ब्राह्मण १, ५, १४: आश्वालयन गृह्यसूत्र १,३,१५)
નામકરણ સાથે નિષ્ક્રમણ સંસ્કાર પણ જોડાયેલ છે. મેં સોળ સંસ્કારનો અભ્યાસ અનાવલ જ્ઞાતિ સંદર્ભે કર્યો છે. મૂળ પરંપરા સમજવા સાથે લોકાચારમાં સુધારાવાદી એ મારો સહજ સ્વભાવ છે. મને તો પ્રશ્ન થાય જ કે બધાં મંત્રો કેમ પુરુષ બાળકને ઉદ્દેશીને હોય? જનોઈ પણ દીકરાને અપાય, દીકરીઓ ભણે, વિદુષી પુરવાર થાય છતાં. તો પણ સીમંત, જાતકર્મ ( ગળથૂથી) નામકરણ, અન્નપ્રાશન વગેરે સંસ્કાર દીકરીઓને પણ અપાય છે એટલી જ્ઞાતિ પ્રગતિશીલ! હવે વાત આગળ જુદી ચર્ચા પર જાય છે એટલે જે સારું અનેઅનુકરણીય છે તે ઉલ્લેખ સાથે અહીં જ સમાપન.
: અનાવિલ યુવાજગત- દશા અને દિશા:
“ અનાવિલ પોયરા માબાપને ગાંઠના નથી.”
“ આજકાલની પોરીઓમાં સહનશક્તિ નથી”.
“ બે ચોપડી ઈંગ્લિસમાં ભણી હું કાડીને ચટરપટર જીભડી ચાલે!”
“ આપણા સમાજમાં જે રીતે વ્યસનો ઝડપથી ફેલાઈ રહ્યા છે તેની તો વાત જ નો’ કરતા!
“ માઈબાપની તો એમને કિંમત જ ની’મલે!
આવું મંતવ્ય આપતાં વાક્યો મેં અનેક વાર સાંભળ્યાં છે ત્યારે હું અમે યુવાન હતાં તે સમય યાદ કરું છું કે અમને શું કહેવામાં આવતું?
“ કામને તો ખાઈ જવું જોઈએ, પેલી પ્રભા દાક્તર છે પણ કામને તો એ ચપટી વગાડતાં ખાઈ જાય .
“ નમે તે ગમે.”
“ પોરી તે પોરી ને વઉ તે વઉ”.
“ માથે ખીલા ઠોકવાના પણ છેડો પડે તે ની’ ચાલે”
“ જોરૂકા ગુલામ ની’ થવાનું “.
“ બાયલાની જેમ રડે હું કા હારું?”
આવું દરેક સમયે યુવાનો અને વડીલો વચ્ચે થતું રહ્યું હશે જેને હું ફક્ત “જનરેશન ગેપ” કહી હાંસિયામાં મૂકવા માંગતી નથી. આ વાક્યો જે સંતાનો સામાજિક માપદંડમાં ક્યાંક ઊણા ઊતરે તેમને માટે ખાસ વપરાતાં. હજી પણ એ જ માનસિકતા છે. મુખ્ય પ્રવાહમાં રહેવાનું વલણ સહજ છે એટલે આજના યુવાજગતની વાત થવી જોઈએ.
“જયાં માતપિતા સજાગ છે ત્યાં મારી દ્રષ્ટિએ અનાવિલ યુવાજગતની દશા અને દિશાની ફિકર કરવા જેવી નથી. “
આ વાત સમજવા માટે વાસ્તવિક અનાવિલ સમાજનું ચિત્ર સમજાવું જોઈએ. આજનો અનાવિલ સમાજ ભૌગોલિક, સામાજિક,આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય રીતે કયાં છે? ભોગૌલિક રીતે તો દેશવિદેશમાં પથરાયેલો છે. હવે ઘર, ફળિયું, મહોલ્લો,શેરી અદ્રશ્ય થઈ રહ્યાં છે પણ સોસાયટીઓ,એપાર્ટમેન્ટ,મંડળો,સંસ્થાઓ રૂપે જન્મી પણ ચૂક્યાં છે. જ્ઞાતિ સામાજિક રીતે પ્રગતિશીલ અને રૂઢિચુસ્તતાનાં બેવડાં ધોરણોમાં વહેંચાયેલી છે. પરિવર્તન માટે એને જરાપણ વિચારવાનું હોતું નથી પરંતુ વાસ્તવમાં તો પરંપરાગત મૂલ્યો જ હ્યદયસ્થ! કિશોર કે યુવાનવયનાં સંતાનોને બે લાફા મારીને પણ આડે રસ્તે જતાં અટકાવવા મચી પડે પણ પછી એમને સ્વીકારી લેતા વાર ન લગાડે તે અનાવિલ. વિદેશમાં તો સંતાનોને રોકીટોકી શકાય નહીં એટલે અંઈઆ તો એવું જ કહીને મન વાળે પણ સંતાનોનું ઉપરાણું લેવામાં પાછા ન પડે.સમસ્ત સમાજમાં શૈક્ષણિક માપદંડમાં દાક્તર, એન્જિનિયર, સી.એ. જેવી લાઈનમા જાય તે જ સારું આ માન્યતા જડબેસલાક પછી સંતાનોની ઈચ્છા અનિચ્છા સાથે નો લેવાદેવા! આજે પણ વકીલાત, શિક્ષણ, ઉદ્યોગક્ષેત્રે અનાવિલોની હાજરી છે. સિવિલ સર્વિસમાં કે મેનેજમેન્ટ ક્ષેત્રે રસરૂચિ ઓછી છે. ખેતીવાડી છે પરંતુ વેચીસાટીને રોકડા કરવાની દાનત અવ્વલ નંબરે એટલે પૈસો ઉછળે છે જે બરબાદીનું બીજ પણ રોપે છે. ખાણીપીણી જલસા, મોંઘાદાટ સામાજિક પ્રસંગો અને દેખાદેખી, શિક્ષણમાં હાઈ ફી,ડોનેશન કે પરદેશમાં શિક્ષણનો ખર્ચ અનિવાર્ય થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં કલ્પનાતીત મળેલા પૈસાનો સદુપયોગ કે રોકાણ સમજીવિચારીને ન થાય તો રંકમાંથી રાંક થતાં વાર ન લાગે! હાલ,અનાવિલો સરેરાશ રીતે મધ્યમ ને ઊચ્ચ મધ્યમવર્ગની કેટેગરીમાં આવે .
સાંસ્કૃતિક રીતે ગરબારાસથી આગળ વાનગી, વેશભૂષા ને કેશભૂષામાં ઈતિશ્રી! નૃત્યમાં ડોકિયું કર્યું ને આરંગેત્રમ થયું ને ભયોભયો તે પણ ખર્ચનો ખાડો તો ખરો જ! જાતજાતના કલાસની દોડાદોડી, સ્પર્ધા અને પ્રોજેક્ટ! મોબાઈલની દોસ્તી અને વર્ચ્યુઅલ વર્લ્ડ એ જ જીવનનું સત્ય! રાજકારણમાં ચાય પે ચર્ચાથી આગળ શું? મહાદેવ દેસાઈ અને મોરારજી દેસાઈની પરિપાટી ઝાંખી થઈ રહી છે. સંસદમાં ફક્ત દર્શના જરદોશ મૂળ અનાવિલ ગણાય પણ પછી કનુભાઈ અને પીયૂષભાઈ પછી અનાવિલ ધારાસભ્યની સંખ્યા વધારવાના પ્રયત્નનું શું? નગરપાલિકાઓ કે અન્ય સંસ્થાઓમાં સ્થાન ખરું પણ સંખ્યા?ટૂંકમાં સત્તાકેન્દ્રથી દૂરી તો છે.ધાર્મિક રીતે દરેક સંપ્રદાય સાથે અનાવિલ નાતો છે એટલે કોઈ એક સંગઠિત સામાજિક,ધાર્મિક માળખું નથી. દરેક અનાવિલ પોતાને અને પોતાના કુટુંબને અવ્વલ માને એ શેખાઈ વધારાની! સંતાનો અલગ રહે કે પરદેશ રહે, બહેનો( પાછળ પુરુષોનો હાથ હોય છે.) અને ભાગિયા ભાગ માંગે તે મનદુ:ખમાં કુટુંબ વ્યવસ્થા તો તૂટી જ પડી છે. આતંરજ્ઞાતીયથી આંતરરાષ્ટ્રીય લગ્ન સંબંધો સહજ છે એટલે સામાજિક સમરસતા આવે છે એમાં જ્ઞાતિગત ઓળખ અદ્રશ્ય થાય એ લક્ષણ મારા જેવા પ્રગતિશીલ માટે આવકાર્ય અને સારું પણ સાચેસાચ શું સારું તે પ્રશ્ન પણ છે જેની અવગણના કરવી જોઈએ કે કેમ તે વિચારણીય મુદ્દો છે.
આ સત્યદર્શનમાં તરુણ- યુવા અનાવિલ જગતનું ભાવિ શું તે વિચાર કરવો તો જોઈએ. મેં શરૂઆતમાં જ લખ્યું કે મને તો એટલી ફિકર કરવા જેવી લાગતી નથી. કોની? જે માતાપિતા નિસબત અને સમર્પણથી પોતાનાં સંતાનોનો ઉછેર કરે છે, એમને ભણાવીગણાવી સારા નાગરિક બનાવવા મહેનત કરે છે,જયાં હજી પણ સમજણપૂર્વકના પારિવારિક- સામાજિક સંબંધો ટક્યા છે ત્યાં સંતાનોની ફિકર કરવા જેવી નથી અને મારી છાપ એવી છે કે હજી એ સંબંધો ઝાંખાં નથી. અમારી વહુદીકરીઓ અને દીકરાદામાદો કે આસપાસનાં માતાપિતા પણ જે રીતે પોતાનાં સંતાનો માટે નિસબત રાખી એમનું ધ્યાન રાખવા મહેનત કરે છે તે જોતાં તો આશા છે કે બાજી હાથમાં રહેશે. ભલે એવું કહેવાતું હોય કે કુટુંબવ્યવસ્થા તૂટી ગઈ છે! કેટલીકવાર એવું લાગે છે કે આપણી અપેક્ષાઓ વધારે છે. જે પરિસ્થિતિ આવે તેનો સ્વીકાર હોય તો નિરાશ થવા જેવું નથી.
હજી મારે બે વાત સ્પષ્ટ કરવી છે. મને અનેક લોકો તરફથી કહેવામાં આવે છે કે આજકાલની છોકરીઓમાં ( વહુ તરીકે) સહનશીલતા નથી, એમની મમ્મીઓની દખલગીરી વધી રહી છે. કેટલાક કિસ્સામાં એ વાત સાચી હશે પણ સમાજશાસ્ત્રીય રીતે યાદ રાખવું જરૂરી છે કે “મૌનના સંસ્કાર”તૂટી રહ્યા છે.સ્ત્રીઓ બોલો, સહનશીલતા સદ્ ગુણ નથી એવું માનનારાંમા હું મને ગણું છું.જેમને લાગે છે કે પુરુષો સહન કરે છે તો તેમણે પણ પોતાની વાત કહેવી જોઈએ. પુરુષોથી રડી ન શકાય ને સ્ત્રીઓ રડતી જ રહે એ રૂઢિગત માન્યતાથી ઉપર ઊઠવું જરૂરી છે. છૂટાછેડા થાય તે સારી નિશાની નથી પરંતુ યાદ રાખવું જોઈએ કે તે કારણે આત્મહત્યા અને હત્યા ઘટે છે.જોકે બાળકોનાં ભવિષ્યને લઈને છુટાછેડાની તરફેણ તો હું પણ કરતી નથી પરંતુ મારી સમજ એવી છે કે છૂટાછેડાનાં નજીવાં દેખાતાં કારણ પાછળ પણ અકલ્પ્ય કારણો હોય છે.હું આ લખું છું કારણ કે મેં પાત્રીસચાળીસ વર્ષ ઘરેલુ હિંસા પર કામ કર્યું છે, અનાવિલ સ્ત્રીપુરુષોને તોઘણાં નજીકથી જોયાં છે ઉપરાંત અન્ય કોમ/જ્ઞાતિઓથી પણ પરિચિત છું. અનુભવોનું આલેખન કર્યું છે, રીતરિવાજો પર અને ઘરેલુ હિંસાને અનુલક્ષીને લખ્યું છે,પુસ્તકો પણ થયાં છે.
લગ્નોત્સુક યુવાનો અને યુવતીઓની માનસિકતા સમજવી એ મારો પ્રિય વિષય છે.લગ્ન સંબંધિત પાત્રપસંદગી, સ્વપસંદગીનું લગ્ન, પ્રેમલગ્ન, વડીલો દ્વારા પાત્રપસંદગી અને આયોજિત લગ્ન સંબંધે પણ યુવાનો અને યુવતીઓ પક્ષે એક સમજણ જરૂરી છે. ભારતીય લગ્ન વ્યવસ્થામાં માતપિતા લગ્નખર્ચ કરે છે. આ મુદ્દે એમની સાચી પરિસ્થિતિનો ક્યાસ પરણનારાંને હોવો જોઈએ. અનાવિલ યુવકો ને યુવતીઓ આંતરજ્ઞાતીય લગ્ન તરફ કેમ વળે છે તે જાણવું જરૂરી છે. પ્રેમલગ્ન હોય તે સમજાય પરંતુ મારું એવું નિરીક્ષણ છે કે યુવતીઓ અનાવિલ રૂઢિચુસ્ત માનસિકતાથી ડરે છે, મુંઝાય છે પરંતુ એ પણ સાચું છે કે પૂરો ભારતીય સમાજ રૂઢિચુસ્ત અને પિતૃસત્તાક તો છે જ. હવે તો લગ્નખર્ચ અને વ્યવસ્થા કોઈપણ સમાજમાં લગ્ન કરો તો પ્રશ્નાર્થ બને જ છે એટલે કોઈએ ડરવાં કરતાં મુદ્દાને તપાસી નિર્ણય લેવો જોઈએ. બાકી ખાઈ તો બન્ને બાજુ છે.
અનાવિલ મંડળોમાં વૈચારિક પ્રવૃતિઓ,ચર્ચા ચિંતનને અવકાશ છે. મારે તો એ પણ લખવું છે કે વાસ્તવમાં હું જ્ઞાતિજન તરીકે કેટલી અનાવિલ છું અથવા મને અનાવિલો ક્યારે જ્ઞાતિમાં કે જ્ઞાતિબહાર ગણે છે તે મને ખબર નથી પરંતુ આજે મને અહીં અભિવ્યક્તિની જે તક મળી તે ગમ્યું જ છે. વૈચારિક પરિવર્તન અને સામાજિક સુધારા, ઘરેલુ હિંસા પર ઉકેલ કે તરણયુવા વર્ગ પ્રવૃત્તિ માટે મને અનાવલ મંડળો સાથે રાખશે તો એ મને ગમતી વાત રહેશે તે સાથે મને આમંત્રણ આપવા બદલ અનાવિલ પરિવારના સુકાનીઓનો આભાર.
- બકુલા દેસાઈ- ઘાસવાલા.
- વલસાડ.
-
દેહાઈને તો દેહણ જ વેઠે!
દેહાઈને તો દેહણ જ વેઠે,
દેહણ જ એને ઓળખે ને પારખે,
બીજાં તો થાકે ને હાંફે,
ને વટના કટકાથી રહે આઘે….. દેહાઈને તો દેહણ જ
હોય સંજય , વિજય કે અશોક,
એ તો ખાંડણિયામાં માથારામ,
ડગલું ભરે ને ના હટે ને,
એમ પાંચમા પૂછાતો થાય!...... દેહાઈને તો દેહણ જ
પણ દેહણને તો રાખે તાપમાં,
માપમાં ને જાતના હાથમાં,
બોયલો તે બોયલોની ભમરી,
દેહણ પર એની તમરી!...... દેહાઈને તો દેહણ જ
વાતે વાતે વદે સ્વસ્તિ !
ને દેહણ પર એની મસ્તી!
દેહણ બી’ જાણે ને માણે,
ને દેહાઈને તો દેહણ જ વેઠે!.......દેહાઈને તો દેહણ જ
બકુલા દેસાઈ- ઘાસવાલા:
અનાવિલ સમાજમાં સામાજિક સુધારાની દશા અને દિશા:
ચા વિષયક અનાવિલ સ્મરણ :
ચાહકોને મેથિયું અથાણુંવાળો લેખ ગમ્યો એટલે મન થયું કે ‘ચા’ કેટલીક યાદો તાજી થઈ ગઈ છે તો લખું. આમ તે ચાનાં શોખીનો માટે દરેક દિન એ ‘ચા દિન’ છે. ચા દિન તરીકે એ ૧૫ ડિસેમ્બરે ઉજવાય છે પરંતુ હવે ૨૧ મેએ પણ ઉજવાય છે. બાળપણમાં તો ચા નિષેધ હતો કારણ કે એ સમય ગાંધી પ્રભાવનો હતો . ચા પીવી એક વ્યસન ગણાતું. ખબર નથી ક્યારથી પરંતુ અમને ચા ઓછી અને દૂધ વધારે એવું મિશ્રણ પિવડાવાતું. અનાવિલ કુટુંબોમાં વેવાઈ- જમાઈ જેવા ખાસ મહેમાનો માટે એકલા દૂધમાં એલચી અને મસાલો નાંખી ચાથી સ્વાગતની પ્રથા હતી. અમારાં લતામામી અશોક(મારા જીવનસાથી) માટે એવી ચા બનાવે અને અશોક દૂર ભાગે! એમને વધારે દૂધવાળી ચા ભાવતી નહીં. અનાવિલ ઘરોમાં ચા સાથે પૂરી ખાવાની પ્રથા પણ ખરી. અમારાં મોસાળમાં પૂરીનો ડબ્બો ભરી રાખવાનું ચલણ. મોટાભાગે બપોરે રિસેસમાં દોડતાં દોડતાં સ્કૂલથી મામાના ઘરે ચા- નાસ્તો કરવાં બેનપણાીઓ અને પિતરણો સાથે જતાં તે યાદ છે. મામી કે નાની ચા બનાવી આપે અને પૂરીનો ડબ્બો ધરે. મસાલાવાળી પૂરી પણ ત્યારે અહોહો ..... લાગતી. ‘પૂરી, ભાખરી ને સાથે મેથિયું હોઈ તે તો જાણે રજવાડી ખાણું!’ મારી મા હજી પણ સાંજનું વાળુ ચા-મસાલાવાળી પૂરી સાથે કરે. મારા શ્વસુરગૃહે લોટાની ચા પીવાની સ્મૃતિ છે કારણ કે સવારે એક વાર ચા બને અને લોટામાં ભરાઈ જાય, જે જેમ ઊઠે તેમ પીએ! પુત્રવધૂઓના આગમન પછી ગરમાગરમ ચાનો રિવાજ શરૂ થયો! રાજકારણ સાથે સંકળાયેલું કુટુંબ એટલે ચા તો ઉકળ્યા જ કરે! એક પ્રસંગ બરાબર યાદ છે એક વાર મિટિંગમાં ચાળીસેક કપ ચાનો ઓર્ડર થયો. મોટી ગરણી જડતી નો’ તી. તે સમયે કુમુદબહેન જોષી પણ મિટિંગમાં આવેલાં. અમને સૂઝ ન પડે! કુમુદબહેન રસોડામાં આવ્યા ને એમણે ઉકેલ શોધ્યો, પોતાનાં નવાવક્કોર ખાદીના મોટા રૂમાલમાં ચા ગાળી ને કપ ભરી દીધા. ખબર નથી કે એમને એ વાત યાદ રહી છે કે નહીં પરંતુ એમની કોઠાસૂઝથી હું તો પ્રભાવિત થયેલી જ.
મારા પિતરાઈ ભાઈ કિસનની ચાની બાદશાહી ભારે! અમે સ્કૂલ-કોલેજમાં ભણતાં ત્યારે તો રાત્રે ઉજાગરા કરી વાંચવાનો ચીલો પણ હતો !ચા મૂકવાનું મારા માથે ઘણી વાર રહેતું કારણકે હું ચાની શોખીન છું. કિસનભાઈ માટે તો ચાની સ્પેશિયલ તૈયારી હજી પણ થતી હોય છે. એમની ચા સાથે એક કપ તાજું દૂધ ડાઈનિંગ ટેબલ પર મુકાઈ જ જાય. તેઓ ચામાં દૂધ ઉમેરીને પીએ. પછી વર્ષો સુઘી રેખાએ સાચવ્યું. હવે તો એમની સગવડ સાચવનારાં એટલા Well trained કે ન પૂછો વાત!
અનાવિલ પુરુષો સવારે જાતે ચા બનાવવા માટે પણ ટેવાયેલા છે. અમારા પિતાશ્રી જાતે ચા બનાવતા અને અમને પણ એનો લાભ મળતો. જોકે મને અશોક તરફથી એ લાભ મળ્યો નથી. મારો ભાઈ વિમલ, દિયર રોહિતભાઈ, બનેવી પ્રકાશભાઈ જાતે ચા બનાવી લે. ચાના શોખીન માટે ‘ચાના ગરાડી’જેવો શબ્દ પ્રયોગ થતો હોઈ છે. એક પ્રસિદ્ધ ફિલ્મી ગીત છે,” शायद मेरी शादीका ख़्याल दिलमें आया है, इसिलिये मम्मीने मेरी , तुझे चाय पे बुलाया है।”
ચાથી ઊંઘ ઊડે, સ્ફૂર્તિ અનુભવાય, તાજગી આવે , ગ્રીન ચાથી ચરબી બળે એટલે વજન ઉતરે એવી માન્યતા છે તો સામે ચાના અવગુણો ગણાવનારાં પણ છે જ.
મોટાભાગે અનાવિલ ઘરોમાં આદુ, ફુદીનો, લીલી ચા, એલચી ને મસાલાવાળી ચા બને. હું તો ફક્ત વઘાર કરવાનો જ બાકી રાખું! તાજા દૂધની ચાનો મહિમા વધારે. મારા મોટામામા દિલીપની વલસાડમાં ટાવર નીચે ચાની દુકાન હતી. મામા Blend કરી જે ચા વેચતા એની હથોટીના કારણે એમની ચાની દુકાન સારી ચાલતી. જોકે પછી એમનું આખું કુટુંબ અમેરિકન થઈ ગયું એટલે ચાની દુકાન બંધ પડી. બ્રાન્ડ ચાનું ચલણ વધ્યું ને અમારાં ઘરોમાં વાઘબકરી, જીવરાજ, વાહ! તાજ ને અનેક પ્રકારની ચાનું આગમન થતું રહ્યું. પંદર ડિસેમ્બર ચા ઉત્પાદક દેશો બંગલાદેશ, નેપાળ, શ્રીલંકા, કેનિયા, ઈન્ડોનેશિયા, યુગાન્ડા, માલાવી, તાન્ઝાનિયા, ઈન્ડિયા વિયેટનામ દ્વારા ઉજવાય છે. એની શરૂઆત ૨૦૦૫માં દિલ્હીથી થઈ. ઉપર ઉલ્લેખ કર્યો તેમ આમ તો ૨૧ મે પણ વિશ્વ તા દિન ગણાય છે. જેની શરૂઆત ૨૦૧૫ થી થઈ. ઉત્પાદકો, શ્રમિકો અને વેપારીઓના હિત,સંતુલિત વિતરણ, ભાવ વગેરે જળવાય તે હેતુની જાણ દુનિયાભરમાં થાય તેથી એ ઉજવાય છે.
મારી બદ્ધી બેનપણીઓ
ચાની જેમ જ કડક છે
ઉકળી ઉકાળીને લિજ્જતદાર થઈ ગઈ છે
જિંદગી જીવવામાં અફલાતૂન થઈ ગઈ છે.
દૂધ બનીને સાસરે આવી હતી
આદુની જેમ છૂંદાઈ રહી
એ પોતાની મીઠપ ઉમેરતી રહી
અને અનુભવની એરણે
ધીમે તાપે ખુદને સીઝવતી રહી
અને આજે જુઓ બદ્ધી
મોજથી ઘરગૃહસ્થી ચલાવી રહી છે
પોતાનો ગમતો ગુલાલ પણ કરી રહી છે
પચાસ પાર કરીને પણ
ચાળીસની દેખાઈ રહી છે
હવે કોઈ દૂધની જેમ ઉકળતી નથી
કોઈનો હાથ હવે ચંપાતો નથી
બધું સમેટીને
જાતને સંભાળી લે છે
એ ઉંમરથી ઘરડી નથી થતી
ઉંમરને કાબુમાં રાખે છે
એમનાં બચ્ચાં મોટાં થઈ રહ્યાં છે
અને એ એલચીની જેમ પીમળી રહી છે
ઘરડાં થાય એમના દુશ્મન
એ તો રોજ કાઠું કાઢી રહી છે
એમનો કેફ ક્યારેય ઓછો થતો નથી
કુલ્લી હોય કે બોન ચાઈના
એમને કદી કોઈ રંજ હોતો નથી
એ તો આદુ સાથે પણ ઘરોબો રાખે છે
એને પોતાની અંદર સંઘરીને
એનો સ્વાદ પણ વધારે છે
ચાની જેમ
એ પણ બધાંની પહેલી પસંદ કહેવાય છે .
મારી બદ્ધી ખાસ બેનપણીઓને અર્પણ .
Dedicated to all of my dear friends
मेरी सब सखियां
चाय की माफिक कड़क है
पक पक कर स्वादिष्ट हो गई
जिंदगी जीने में माहिर हो गई
दूध बनकर ससुराल आयी थी
अदरक की तरह कूटी गई
वो अपनी चीनी मिलाती रही
और तजुर्बा की आंच
मे खुद को पकाती रही
और आज देखो सब
मजे से घर चलाती हैं
और अपना भी दिल बहलाती है
पचास के पार होकर भी
चालीस सी नजर आती है
कोई अब दूध सा उफनता नहीं
किसी का हाथ अब जलता नहीं
सब समेट लेती है
खुद को सहेज लेती है
ये उम्र दराज नहीं होती
उम्र को दराज में रख देती है
इनके बच्चे बड़े हो रहे
और ये इलायची सी महक रही
बूढ़े हो इनके दुश्मन
ये रोज नए नाम कर रही
इनका नशा कभी कम ना होता
कुल्हड़ हो या वोन चाइना
इन्हे कभी कोई गम ना होता
ये तो अदरक से भी
दोस्ती निभाती है
उसे अपने अंदर समा
उसका भी स्वाद बढ़ाती है
चाय की माफिक
सबकी पहली पसंद कहलाती है!
હિંદી: અજ્ઞાત
ગુજરાતી સ્મૃતિલેખ અને કાવ્યનો ભાવાનુવાદ: બકુલા ઘાસવાલા
#bakulika
લેખ 8 બકુલાબેન દેસાઈ ઘાસવાલા


